સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: True Story

જ્યાં છો ત્યાં બરાબર છો – એક સત્યકથા

     અમદાવાદની એક પોળની સાંકડી ગલીની વચ્ચે આવેલા નાનકડા મકાનની સાવ સાંકડી સીડી હું બેળે બેળે ચઢી રહ્યો છું. મારી પાછળ મારી પત્ની પણ એ સીડી ચઢી રહી છે. મારું માથું બીજા માળની ફર્શની લગોલગ આવે છે, અને દીનકર કાકા પલંગ ઉપર બેઠેલા દેખાય છે. એમની અને મારી નજર તરત જ મળે છે.

     કાકા પુછે છે, “ કેમ ભાઈ ? મજામાં ને?”

     હું જવાબ આપું છું, “હા! કાકા.”

     અને કાકા પટાક રહીને બોલી ઉઠે છે,” તમે જ્યાં છો ત્યાં બરાબર છો.”

     મને આંખે લગભગ અંધારા આવી જાય છે. હું માંડ માંડ મારી જાતને સીડી પરથી પડી જતી બચાવું છું. ‘અરે! હું જે સવાલ પુછવા આવ્યો હતો, તે તો હજી મેં પુછ્યો જ નથી; અને કાકાએ જવાબ પણ આપી દીધો!’

     હવે જાણે વાત એમ છે કે, એ વખતે મને એક અર્ધ-સરકારી કમ્પનીમાં જનરલ મેનેજરની જગ્યા પર નીમણુંક મળે, તેવી શક્યતા ઉભી થઈ હતી. હું એ વખતે તેનાથી એક પગલું નીચે, સીનીયર મેનેજરના પદ ઉપર હતો. આથી મને બહુ સરસ અને ઘણી મોટી જવાબદારીનું કામ કરવાની તક મળવાની હતી. મારે એક જ દીવસમાં ‘હા’ કે ‘ના’ નો જવાબ આપવાનો હતો. અલબત્ત આર્થીક રીતે તો મને ઘણું જ નુકશાન થાય તેમ હતું. પણ આ તક જતી કરવા મારું મન માનતું ન હતું.

    મારી પત્ની મારા કરતાં વધારે વ્યવહારકુશળ, એટલે એને તો આ તક નહીં પણ છળ લાગતું હતું! દીનકરકાકાના ભવીષ્ય કથન ઉપર મારા કુટુમ્બના બધાંને બહુ જ વીશ્વાસ, એટલે ઘણી ચર્ચા બાદ તેણે મને એક જ વાત કહી. “ જો દીનકરકાકા હા પાડે તો મારી પણ હા.” કાકામાં મને પણ બહુ જ વીશ્વાસ,  એટલે મેં એની વાત મંજુર રાખી. ઉપર જણાવ્યું છે તેમ, અમે બન્ને કાકાને ઘેર પહોંચી ગયા.

       કાકાની મેડી પર અમે ખુરશી પર બીરાજ્યા અને આખી પરીસ્થીતી કાકાને સમજાવી. સાથે મારા જન્માક્ષર પણ આપ્યા. હવે કાકાએ ગણીત શરુ કર્યુ. પંચાગ તો બાજુમાં જ પડ્યું હતું. લગભગ અડધો કલાક સાવ ચુપકીદી છવાઈ ગઈ.

     છેવટે કાકાએ મોં ખોલ્યું, “ મેં તમને જે વાત કહી, તે બરાબર કહી છે. તમે આ નોકરી લેશો તો બહુ તકલીફમાં મુકાઈ જશો. જ્યાં છો ત્યાં જ પગારમાં ઘણો મોટો ફાયદો તમને બે જ મહીનામાં થવાનો છે. જો આ નવી નોકરીમાં જોડાશો તો બહુ મોટું આર્થીક નુકશાન તો તમને થશે જ; પણ એનાથી ઘણી વધારે ખરાબ બાબત એ છે કે, ત્યાં તમે બહુ મોટા રાજકારણમાં સંડોવાઈ જશો અને તમારી ઉંઘ હરામ થઈ જશે.”

\   અમે કાકાને નમસ્કાર કરી, ઘેર પાછા આવ્યા. બીજા દીવસે મેં ‘ના’ નો જવાબ આપી દીધો. અને મારા આશ્ચર્ય વચ્ચે બરાબર બે મહીના બાદ અમારા ઓફીસર યુનીયનની માંગણીનો કમ્પનીની મેનેજમેન્ટે આંશીક સ્વીકાર કરી લીધો અને મારા પગારમાં 40 % જેટલો વધારો મળી ગયો. પાછલી તારીખથી વધારો મળવાના કારણે મને 47,000 રુ. જેટલી રકમનો ચેક પણ મળી ગયો. ( એ જમાનામાં આ બહુ જ માતબર રકમ ગણાતી હતી.)

    એટલું જ નહીં ; છ મહીના બાદ મને જે સ્થાન મળવાનું હતું, તેના પર જે સજ્જન નીમાયા હતા, તેમને કશાક કામ અંગે મારે મળવાનું થયું. થોડીક જ વાતચીત બાદ મને ખ્યાલ આવી ગયો કે, એમની પાસે કોઈ સત્તા તો ન જ હતી; પણ કામ કરવામાંય અસંખ્ય વીઘ્નોથી એ ઘેરાયેલા હતા. સરકારી ખાતામાંથી ડેપ્યુટેશન પર એમની નીમણુંક થઈ હતી. બીજા સ્રોતો મારફત માહીતી પણ મળી કે, ડેપ્યુટેશન ભથ્થું જતું કરીને પણ, પોતાના મુળ સ્થાન પર પાછા જતા રહેવા, એ આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.

   મને મારી પત્નીની કોઠાસુઝ અને કાકાની આર્ષદૃષ્ટી માટે માન થઈ આવ્યું.

   આમ તો મને જ્યોતીષ શાસ્ત્રમાં શ્રધ્ધા નથી. પણ કાકા પાસેથી મળેલા સચોટ માર્ગદર્શનનો આ ત્રીજો અનુભવ હતો. એમાંના બીજા એક કીસ્સા વખતે કે, જ્યારે હું અનેક આપત્તીઓમાં ઘેરાયેલો હતો; મારે રહેવાના સ્થળના પણ ફાંફાં હતા; ત્યારે તેમણે ભવીષ્ય કથન કર્યું હતું કે , “તમે કદી પોતાના મકાનમાં નહીં રહો; હમ્મેશ આલીશાન મકાનમાં જ રહેશો; અનેક વાર પરદેશ ગમન કરશો; અને લાંબા કાળ માટે પરદેશ પણ રહેશો.” આ બધી બાબતો સાવ સાચી નીવડી ચુકી છે.

     બીજી ઘણી વખતે, અમે ગરજ અને સંજોગના કારણે, વ્યવસાયીક રીતે મોટા નામ ગણાય તેવા મહાન શાસ્ત્રીઓ પાસે, મોટી રકમ ગુમાવીને સાવ ખોટાં અને ભ્રામક ગપગોળામાં ફસાઈ ચુક્યા છીએ.

     પણ કાકાની આ શક્તીની પાછળ કેવળ જ્યોતીષશાસ્ત્રનું જ્ઞાન જ ન હતું . તેમની આંતરીક પ્રજ્ઞા બહુ ઉચ્ચ કક્ષાએ વીકાસ પામેલી હતી.

     સીડી ચઢતાંની સાથે જ ‘તમે જ્યાં છો, ત્યાં બરાબર છો.’  એ વાક્ય હજુ પણ ઘણી વખત યાદ આવી જાય છે.

બરફનું કારખાનું કપાયું

     હું વ્યગ્ર ચીત્તે મારી ઓફીસમાં બેઠો હતો; ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી.

     “ સાહેબ ‘કમળ’ને ચાલુ કરવાનો તમારો સંદેશો મળ્યો; પણ અમે અત્યારે અહીં ‘ગુલાબ’માં છીએ અને અહીં પણ ચોરી પકડાઈ છે.”

      અને મારી વ્યગ્રતા ગુસ્સામાં બદલાઈ ગઈ. અજાણતાં જ મારી મુઠ્ઠી વળી ગઈ અને મેં ફર્શ પર ગુસ્સામાં પગ પછાડ્યો.

      હમણાં થોડી વાર પહેલાં જ ‘કમળ’ અને ‘ગુલાબ’ નામનાં બરફનાં કારખાનાંના માલીક શ્રી. રતીલાલ, વીજયી મુદ્રામાં મારી ઓફીસમાંથી બહાર નીકળ્યા હતા. હજુ તો એ માંડ અમારી ઓફીસના ઝાંપા સુધી પહોંચ્યા હશે.

      મોટા ભાગનાં બરફનાં કારખાનાંઓમાં વીજચોરી થતી હોય છે; તેમ રતીલાલ પણ ચોરી કરી મબલખ નફો રળતા હતા. એક મહીના પહેલાં અમે એમના ‘કમળ’ ચોરી પકડી હતી. અંદાજે વપરાયેલ વીજળી અને દંડની રકમ નવ લાખ રુપીયા થતી હતી. અમે તેમની પાસેથી તેના તેત્રીસ ટકા રકમ ભરી દેવા માંગણી કરી હતી. પણ રતીલાલ તે ભરતા ન હતા. અમારી ઉપર આ રકમ ઓછી કરવા, અનેક જાતનાં દબાણ આવતાં હતાં.

     પણ તે દીવસે તો હદ થઈ ગઈ હતી. મારા ઉપરી અધીકારીએ મને ફોન પર કહ્યું હતું ,” જાની! તમે લોકો સારું કામ કરો છો; પણ ગાંધીનગરથી દબાણ છે. રતીલાલ તમને મળવા આવી રહ્યા છે. તેમની પાસેથી 40,000 રુ. લઈ ‘કમળ’ ચાલુ કરી આપવાનું છે. “

     ત્રણ લાખની સામે માત્ર આટલી જ રકમ! મારા સાહેબ સાથે મેં દલીલ કરવા પ્રયત્ન કર્યો; પણ તેમનો લાચારીમાં લેવાયેલો નીર્ણય માન્યા વગર મારો છુટકો જ ન હતો. નાની વીજચોરી કરનાર પાસેથી તો અમે પુરી રકમ વસુલ કર્યા બાદ અને ચેક સીકરાય તો જ જોડાણ ચાલુ કરી આપતા હતા. પણ મોટી રકમ હોય તો આ તેત્રીસ ટકાનો નીયમ લાગુ પડતો હતો.

     અમે જાનના જોખમે, બરફનાં કારખાનાંઓમાં વીજ ચોરી પકડવાનું અભીયાન છ મહીનાથી ચલાવ્યું હતું અને બરફનાં કારખાનાંઓમાંથી કમ્પનીને થતી આવક પાંચ ગણી કરી નાંખી હતી. કમ્પનીની મેનેજમેન્ટ પણ અમારા ઉપર બહુ જ ખુશ હતી. મીટીંગોમાં મેનેજીંગ ડીરેક્ટરે ખુદ અમારી પ્રશંસા કરી હતી.

     રતીલાલ આવ્યા હતા, અને આ 40,000 રુ.ની માતબર(!)રકમ રોકડમાં ભરી, મહાન સીધ્ધી પ્રાપ્ત કરવાની ખુમારીમાં, મારી ઓફીસમાંથી વીદાય થયા હતા. મેં ડંખતા દીલે અને કમને, કારખાનાંઓના વીસ્તારમાં કામ કરતા મારા માણસોને પેજર પર, કમળ ચાલુ કરી આપવાની સુચના આપી હતી.

     અને થોડી જ વારમાં ઉપર મુજબનો સંદેશ આવ્યો.

     અને મેં જવાબ આપ્યો, “ ગુલાબને કાપી નાંખો અને કમળ ચાલુ કર્યા વીના પાછા આવો.“

     આ ઘટના બાદ, ત્રણ જ દીવસમાં મારી બદલી કમ્પનીમાં વધારે મુશ્કેલીવાળી બીજી જગ્યાએ થઈ ગઈ! મને સમાચાર મળ્યા હતા કે, મારી બદલી થયાની ખુશાલીમાં બરફનાં કારખાનાંવાળાઓએ પેંડા વહેંચ્યા હતા!

——————————————

   આ સાવ સત્યઘટના છે. પણ બધાં નામ બદલી નાંખ્યા છે. 

વોશીંગ્ટન ડી.સી. મેટ્રો સ્ટેશન – એક સત્યકથા

       અમેરીકાની રાજધાની વોશીંગ્ટન ડી.સી.; જાન્યુઆરીની હાડ થીજવી નાંખે તેવી ઠંડી સવાર; અને ઓફીસે પહોંચવાની ઉતાવળમાં હાંફળા ફાંફળા ચાલતા, લગભગ દોડતા હજારો લોકો.

     અને ત્યાં લોખંડના એક થાંભલા પાસે સાવ સામાન્ય દેખાવનો એક માણસ આવીને ઉભો. તેને દેખીતી રીતે જ ઓફીસે પહોંચવાની ઉતાવળ જણાતી ન હતી. તેણે ખભા ઉપર વાયોલીન બોકસ લટકાવેલું હતું , તે નીચું ઉતાર્યું અને બાજુમાં મુકી ખોલ્યું; અંદરથી ઉચ્ચ કક્ષાની વાયોલીન કાઢી; અને બજાવવા લાગ્યો. તેણે જગપ્રસીધ્ધ, જર્મન સંગીતકાર બાખની મધુર સુરાવલી રેલાવવા માંડી.

    એકે એક તર્જ પહેલાંનાથી ચડીયાતી હતી. કામે પહોંચવાની ધમાલમાં કોઈને એક પણ સુર સંભળાયો હોય તેમ ન લાગ્યું. એકેય ચહેરા પર એની અસર થયેલી જણાતી ન હતી.

    વચ્ચે એક આધેડ ઉમ્મરનો માણસ ત્યાંથી પસાર થયો. તેની નજર આ સંગીતકાર પર પડી. તેણે પોતાની ચાલ ધીમી કરી, એક ક્ષણ થંભ્યો અને પછી ચાલતી પકડી. એનેય ઓફીસે પહોંચવાનું મોડું થતું હતું.

     એકાદ મીનીટ વીતી હશે અને બાપડા આ સંગીતકારને સવારની પહેલી બોણી મળી. એક સન્નારીએ ચાલવાનું છોડ્યા વગર, બટવો ખોલીને, ઉતાવળમાં એક ડોલરની નોટ ફેંકી હતી. થોડીક મીનીટો વીતી હશે અને રડ્યો ખડ્યો એક માણસ તેની બાજુના થાંભલાને અઢેલીને ઉભો અને અડધી એક મીનીટ માટે સુરાવલી માણી. પણ તેણેય ઘડીયાળ તરફ નજર કરી અને ચાલતી પકડી.

     બાપડા સંગીતકારને સૌથી વધુ દાદ મળી હોય તો એક ત્રણ વરસના બાબલા તરફથી. એની માની આંગળી છોડીને તે આ સંગીતની ધુનમાં લીન બનીને ઉભો જ રહ્યો. એની માએ છેવટે કંટાળીને એને તેડી લીધો ; પણ તેની નજર પહોંચે ત્યાં સુધી એ બાબલું આ સંગીતકારને ટીકી ટીકીને જોતું રહ્યું. આવાં ઘણાં બાળકો આમ જ આ બાપડાને દાદ આપતા રહ્યા. અને બધાંનાં માવતર તેમને અચુક બળજબરીથી આગળ ધકેલતાં રહ્યાં.

     પીસ્તાળીસ મીનીટ આ સુરીલું સંગીત મેટ્રો સ્ટેશનના એ મધ્ય ભાગમાં ગુંજતું રહ્યું. માત્ર છ જ માણસો ઘડીક તેને સાંભળવા ઉભા રહ્યા. વીસેક જણાએ તેને બોણી કરાવી .  તેણે પેટીમાં વાયોલીન મુકી; ત્યારે તેની પાસે 32 ડોલર ભેગા થયા હતા. રશ અવર પતી ગયો હતો અને હવે એક ચકલું પણ ત્યાં ફરકતું ન હતું. તેણે વગાડવાનું બંધ કર્યું તેની નોંધ લેવા એક જણ પણ ત્યાં હાજર ન હતું. તાળીઓના ગડગડાટની તો વાત જ ક્યાંથી હોય? પ્લેટફોર્મ પર પુર્ણ શાંતી છવાઈ ગઈ.

જોશુઆ બેલ

જોશુઆ બેલ

          કોઈને એ ખબર પણ ન પડી કે, આ ધુની માણસ જગતનો અત્યંત પ્રસીધ્ધ વાયોલીન વાદક જોશુઆ બેલ હતો. તેણે આ પીસ્તાળીસ મીનીટ બહુ જ પ્રસીધ્ધ ધુનો વગાડી હતી. તેની વાયોલીન પણ 35 લાખ ડોલરની કીમ્મતની હતી.વોશીંગ્ટન મેટ્રો સ્ટેશન પર આ તર્જો મફતમાં વગાડી તેના બે જ દીવસ પહેલાં બોસ્ટનના ભરચક ભરેલા થીયેટરમાં તેણે આ જ સંગીત રેલાવ્યું હતું. ત્યાં દરેક સીટની ટીકીટ સરેરાશ સો ડોલર હતી.

     જોશુઆને અંધાર પીછોડો પહેરાવી આ સામાજીક અખતરો ‘ વોશીંગ્ટન પોસ્ટ’ નામના પ્રસીધ્ધ અખબારે કર્યો હતો. અખતરાનો ઉદ્દેશ હતો. સામાન્ય જગ્યાઓમાં, માહોલમાં અને આવા રશ અવરમાં માણસો સુંદરતા અને મધુરતા માણવા ટેવાયેલા છે? સાવ અજાણી વ્યક્તીઓ પાસે પણ પ્રતીભા હોઈ શકે છે; તે માનવા લોકો તૈયાર હોય છે?

    આ વાસ્તવીક ઘટનાનું વીડીયો રેકોર્ડીંગ માણો .

    આપણે આપણા જીવનની ચહલ પહલમાં આવી લાખો ક્ષણોની, સાવ વીનામુલ્યે મળતી મધુરતા ગુમાવતા નથી હોતા? અને તેની સાથે કોઈ મહાન નામ જોડાયેલું હોય તો? એ ખરીદવા કેટલી સમ્પત્તી ખરચવા આપણે તૈયાર થઈ જતા હોઈએ છીએ?

—————————————–

    જો કે, લોકો ઉતાવળમાં હોય ત્યારે આમ બને તે બહુ જ સ્વાભાવીક છે. પણ માની લો કે, આ જ પ્રયોગ રજાના દીવસે કોઈ બગીચામાં રાખ્યો હોત તો? સંગીતકારનું નામ જાહેર કર્યા વીના? તમને લાગે છે કે, બહુ મોટી માનવમેદનીને તે આકર્ષી શક્યો હોત?

  અને નામ જાહેર કર્યું હોત તો? પોલીસ બંદોબસ્ત વીના શી હાલત થઈ હોત?   

સરદારજી

     સરદારજી અને ગદ્યસુર ઉપર?  કાંઈ ભુલ તો નથી થતી ને? ખોટા બ્લોગ પર એ આવી ગયા કે તમે? !

    ના! બન્ને બરાબર જગ્યાએ જ છો.

    લો ત્યારે ..   સરદારજીની આ નોન જોક કહાણી વાંચો –

——————————————————————-     

   દીલ્હીમાં બે જુવાનીયાઓએ એક સ્કુટર ભાડે કર્યુ. (દીલ્હીમાં ઓટોરીક્ષાને સ્કુટર કહે છે.) સાવ બેજવાબદારીથી અને સ્કુટર ચાલક સરદારજીને ચીઢવવા, સ્રરદારજીની જોકો સતત ચાલતી રહી. અમુક તો સાવ અશીષ્ટ હતી. બે કલાક આમ ફરતા રહ્યા. સરદારજી તો કાંઈ બોલ્યા વીના સાંભળતા રહ્યા અને આ બીરાદરોને બધે ફેરવતા રહ્યા.

   છેવટે બન્ને મીત્રો ઉતર્યા અને ભાડાના રુપીયા ચુકવવા માંડ્યા. સરદારજીએ વીનયથી એ ન લીધા. ઉલટાના બન્નેના હાથમાં એક એક રુપીયો પકડાવી દીધો અને કહ્યું ,

    “તમે અમારી ઘણી બધી મશ્કરી કરી. હશે! કદાચ અમે એવા હોઈશું. પણ એક કામ કરજો . આ રુપીયો કોઈ સરદાર ભીખારીને આપી દેજો.”

    બન્ને મીત્રો પાસે એ રુપીયો કેટલાય વખત સુધી, એમનો એમ પડી રહ્યો છે.

   દેશની એક અત્યંત કામગરી, જીંદાદીલ કોમ. સૈન્ય અને રમત ગમત જ નહીં પણ વ્યવસાયના ઉચ્ચ ક્ષેત્રો પર પણ બીરાજમાન એ કોમની મશ્કરી ઉડાવતાં પહેલાં એમણે આપેલા યોગદાનને આપણે વીચારીશું?

————————————————————–  

  મુળ અંગ્રેજીમાં મળેલ ઈમેલ પરથી ભાવાનુવાદ 

સૌજન્ય :  શ્રી. મુકેશ પરીખ  

જહોન – એક સત્યકથા

      જહોનની આ વાત અનેકમી વાર ફરતી ફરતી, ફરી એક વાર મારી પાસે આવી અને મનમાં થયું કે, એને મારા છાપા પર ચઢાવવી જ પડશે! આ સત્યકથા છે કે કેમ; તે મને ખબર નથી ; પણ એનું તો ક્લેવર તો એવું લાગે છે. અને વાસ્તવીક જીવનમાં એવાં ઘણાં માણસો જોવાં મળે છે; જે જીવનની કોઈ પણ અવસ્થામાં જહોનની જેમ હર હમ્મેશ હકારાત્મક રહેતાં જોવાં મળે છે.

     પણ જહોન એવી વીરલ વ્યક્તી છે; જેનો જોટો કદાચ બીજો ન મળે.

     તો ચાલો જહોનના જીવનની થોડીક અલપ ઝલપ જોઈ લઈએ.

———————————————————————————

     જહોન હમ્મેશ આનંદી રહે છે. એ કોઈ પણ પરીસ્થીતીમાં હોય , એ હમ્મેશ કાંઈક હકારાત્મક જ બોલશે. કોઈ તેને પુછે કે, ‘તે કેમ છે?’

     – તો તેનો જવાબ ફટ દઈને એમ જ હોય,” જો હું આનાથી વધારે સારો હો ઉં તો મારો જોડીયો ભાઈ હોઉં.”

     એ હમ્મેશ બધાને પ્રોત્સાહીત જ કરતો હોય. જો કોઈ કામદારનો દીવસ ખરાબ જતો હોય તો તે તેને પરીસ્થીતીને કઈ રીતે હકારાત્મક રીતે નીહાળવી એ જોવાનું જ કહેતો જોવા મળે. એની આ શૈલી જોઈ મને હમ્મેશ કુતુહલ થતું; એટલે એક દીવસ હું તેની પાસે ગયો અને તેને સીધું પુછી જ નાંખ્યું.

   “ જહોન! મને આ સમજ પડતી નથી. કોઈ હમ્મેશ હાકારાત્મક ન જ રહી શકે. તું આમ શી રીતે કરી શકે છે? “

     તેણે જવાબ આપ્યો,” હું રોજ સવારે જાગું , ત્યારે મારી જાતને એક જ સવાલ પુછું છું – ’ જહોન! તારી પાસે આજે બે વીકલ્પ છે, એક કે, તું સારા મુડમાં રહે અને બીજો – ખરાબ મુડમાં.’ અને હું સારા મુડમાં રહેવાનો વીકલ્પ અપનાવું છું. કોઈ પણ વખતે કાંઈક ખરાબ બને તો હું તેના શીકાર બનવાનું અથવા તેમાંથે કાંઈક શીખવાનું પસંદ કરી શકું. હું બીજો વીકલ્પ જ પસંદ કરું છું.  કોઈ મારી પાસે ફરીયાદ કરતું આવે, ત્યારે એની ફરીયાદ સાથે હું સહમત થઈ શકું, અથવા હું તેને જીંદગીની હકારાત્મક બાજુ બતાવી શકું. હું આ બીજો વીકલ્પ જ પસંદ કરું છું.“

      મેં વીરોધના સુરમાં કહ્યું,” એ તો બરાબર છે; પણ એ એટલું સહેલું ક્યાં હોય છે?”

     તેણે જવાબ આપ્યો,” હા! એ સાવ સહેલું જ છે. આખા જીવનમાં કોઈ પણ વખતે માત્ર બે વીકલ્પો જ હોય છે. તમે બધી નકામી બાબતો બાજુએ મુકી દો તો, દરેક પરીસ્થીતીમાં બે જ વીકલ્પ હોય છે. તમે એ પરીસ્થીતીનો કેવી રીતે મુકાબલો કરશો, તે તમારે નક્કી કરવાનું હોય છે. લોકો તમારા મુડને કેવી અસર કરે; તે તમારે નક્કી કરવાનું હોય છે. તમારે સારા કે નરસા મુડમાં રહેવું તે , તમારે નક્કી કરવાનું હોય છે. પાયાની વાત એ છે કે; જીવન કેવી રીતે જીવવું, એ તમારે જ પસંદ કરવાનું હોય છે.”

     તેણે જે કહ્યું , તે વીશે હું વીચારવા લાગ્યો.

      પછી તો બહુ થોડા વખતમાં હું એ કમ્પની છોડીને બીજે કામે લાગ્યો. અમે એકમેકના સમ્પર્કમાં ન રહ્યા. છતાં મને તે ઘણી વખત યાદ આવતો. મારા જીવનમાં પ્રશ્નો આવે ત્યારે એમની સાથે બાથ ભીડવા કરતાં; એની સલાહ મુજબ, આવી પસંદગી કરવાનું હું ઘણી વખત વીચારતો.

      આમ ઘણાં વર્ષ વીતી ગયાં. અને મને જાણવા મળ્યું કે, તેને એક અત્યંત ગંભીર અકસ્માત થયો હતો. સંદેશા વ્યવહારના ટાવર પરથી તે 60 ફુટની ઉંચાઈથી પડી ગયો હતો. અઢાર કલાક ચાલેલી સર્જરી પછી, અને અઠવાડીયાંઓ સુધી ખાસ સારવાર (ઈન્ટેન્ઝીવ કેર) બાદ તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી – પીઠમાં લોખંડના સળીયાઓ સાથે. અકસ્માત બાદ છ મહીને હું તેને મળવા ગયો.

     મેં તેને પુછ્યું – ”તને હવે કેમ છે?”

      અને હમ્મેશનો એ જ  જવાબ – ” જો હું આનાથી વધારે સારો હોઉં તો મારો જોડીયો ભાઈ હોઉં. જો મારા ઘા જોવા છે?”

     મેં એના ઘા જોવાની તો ના પાડી, પણ એને પુછ્યું કે, અકસ્માત થયો ત્યારે એના મગજમાં શું વીચાર આવ્યા હતા?

     તેણે જવાબ આપ્યો ,” થોડાક જ વખત પછી જન્મનાર મારા બાળકની તબીયતના. પછી જમીન પર પડેલી સ્થીતીમાં મને એમ વીચાર આવ્યો કે, હવે મારી પાસે બે વીકલ્પ છે – જીવતા રહેવું કે મરી જવું. અને મેં જીવતા રહેવાનું પસંદ કર્યું. ”

      મેં તેને પુછ્યું,” તને ડર નહોતો લાગતો? તું બેભાન બની ગયો ન હતો? “

     તેણે બોલવાનું ચાલુ રાખ્યું,” ડોક્ટરો અને નર્સો બહુ સારા હતા. તેઓ મને સતત એમ કહેતા રહેતા હતા કે, ‘ ચીંતા ના કર. તને બરાબર થઈ જશે.” પણ જ્યારે એ લોકો મને ઓપરેશન થીયેટરમાં લઈ જતા હતા , ત્યારે મેં એમના ચહેરા પરના હાવભાવ જોયા. મને ખરેખર ભય લાગ્યો. તેમના ચહેરા પર એમ જ દેખાતું હતું –  ’આ તો હવે મરવાનો!’ મને લાગ્યું કે, ‘મારે કાંઈક કરવું જોઈશે.’ “

      મેં તેને પુછ્યું ,” તેં શું કર્યું?”

     તેણે આગળ ચલાવ્યું,” એક જાડી નર્સ મને સતત સવાલો પુછ્યા કરતી હતી. તેણે મને પુછ્યું ,” તમને કશી ચીજની એલર્જી છે?”. મેં જવાબ આપ્યો,” હા છે. “

    ડોક્ટરો અને નર્સો એકાએક કામ કરતાં થંભી ગયાં. મારા જવાબની એ લોકો રાહ જોવા લાગ્યાં.

    મેં ઉંડો શ્વાસ ભરી કહ્યું – ’ગુરુત્વાકર્ષણનો.’

     બધાં ખડખડાટ હસી પડ્યાં. મેં ઉમેર્યું. ‘ મેં જીવવાનું નક્કી કર્યું છે. હું જીવતો છું, એ રીતે મારી ઉપર સર્જરી કરજો – મડદું હોઉં એમ નહીં. ‘ “

      બહુ કુશળ ડોક્ટરોની જહેમતના કારણે એ બચી ગયો; પણ અચંબો પામી જઈએ તેવો તેનો અભીગમ પણ તે માટે થોડોઘણો જવાબદાર હતો જ .

     તેની પાસેથી હું તો એ શીખ્યો છું કે, ‘ દરરોજ સભર રીતે જીવવાનો વીકલ્પ આપણી પાસે હમ્મેશ હોય જ છે.’

     અભીગમ જ સર્વસ્વ હોય છે.

     ————————–

    કેમ? જહોનની વાત કેવી લાગી?

    “ આવતીકાલની ચીંતા આવતીકાલ પર છોડો. એ એની જાતે જ એની ચીંતા કર્યે રાખશે. દરેક દીવસની પોતાની વ્યથાઓ હમ્મેશ હોય જ છે.”     

– મેથ્યુ 6:34

 

 

 

 

સપ્પરમો દીવસ

       સુરેશ જાની ! તમે માણેલું, તમારા જીવનનું પહેલું કવી સમ્મેલન હમણાં જ સમાપ્ત થયું છે. આમ તો જેમનું નામ પણ તમે સાંભળ્યું ન હતું; એવા હુરતી હઝલકાર શ્રી રઈશ મનીઆરને સાંભળી બેવડા પડી પડીને હસવાથી દુખી આવેલા તમારા સ્નાયુઓને હવે આરામ મળવાનો છે. મુશાયરામાં હ્યુસ્ટન અને ટમ્પાથી ઢગલાબંધ કવીઓ પણ આવેલા છે. આ નવી નવાઈના વ્યક્તીઓ કોઈ જુદી જ ભોમકામાંથી આવેલા હોય તેમ તમને લાગી રહ્યું છે. બાપ જન્મારે કોઈ દી’ મુશાયરો તમે માણ્યો છે ખરો ?  

     અમેરીકાની ધરતી પર આ નવલો અને દીલોદીમાગને તરબતર કરી દેતો અનુભવ તમને પણ કવીતા લખતા કરી દેવાનો છે. પણ હજી એ ઘડી તો ભવીષ્યમાં જન્મ લેવાની છે. એનું બીજ જ માત્ર આજે રોપાણું છે.

     આ બધા બીજા કોઈ ગ્રહના વાસી હોય તેવી લાગણી તમારું ઈજનેરી મન અનુભવી રહ્યું છે. તમે ઈશ જેવા લાગતા રઈશ ભાઈની બે પુસ્તીકાઓ – એક હઝલની અને એક ગઝલની – ખરીદવાની પળોજણમાં પડો છો; ત્યાં તમારા ખભે કોઈનો હાથ મુકાય છે.

     સાહીત્ય અને સંગીતની દુનીયાના તમારા પ્રવાસના પહેલા સારથી, શ્રી. સુધીરભાઈ દવે તમને બાજુમાં ખેંચી જાય છે. એક કામ તમને સોંપાય છે. ટમ્પા, ફ્લોરીડાના કવી ડો. દિનેશ શાહને પ્લેનોથી આર્લીંગ્ટન પહોંચાડવાનું કામ તમારે કરવાનું છે. બધામાં સૌથી ભભકાદાર, કવી પહેરે તેવો, પહેરવેશ પહેરેલા એ કવીની એક કવીતા તમારા કાનમાં ફરીથી ગુંજવા લાગી જાય છે. 

“પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક,
ચાર દિશા ફરી ભેગી થાતી સાગરમાં સૌ એક.”

dr_dinesh_o_shah.JPG    

      તમે સહર્ષ આ જવાબદારી સ્વીકારી લો છો. આવા મુઠી ઉંચેરા માનવીની અંગત સંગત મળવાની આ તક માટે પરમ કૃપાળુ પરમાત્માનો તમે મનોમન આભાર માની લો છો.  આ શુભ કામ સોંપવા બદલ તમે સુધીરભાઈનો પણ આભાર માનો છો. પ્લેનોથી અરવીન સુધી, તમારો દીકરો ઉમંગ ગાડી ચલાવવાનો છે. બાકીનો અડધો રસ્તો તમે કાપવાના છો. આવા મહાનુભાવના સારથી બનવા બદલ તમે બન્ને કૃત કૃત્ય બની ગયા છો.

    અને એક અવીસ્મરણીય મુસાફરી શરુ થાય છે. દિનેશભાઈની કવીતાઓ સ્ટેજ પરથી તો સાંભળી હતી, પણ આટલી નજીકથી, બીજી બે તમને સાંભળવા મળે છે. કવી કેવા હોય, કેવા દેખાતા હોય, કેવી રીતે બોલતા હોય, કેવું જીવન જીવતા હોય, તે જાણવાનો તમારો આ પહેલો અનુભવ છે.

     પણ એનાથી અનેક ગણાં વીશેષ ગોપીત સત્યો તમારી સમક્ષ પ્રચ્છન્ન બની જાય છે. એક કવી, એક વૈજ્ઞાનીક તમારી બાજુમાં નથી બેઠો, પણ જેને માણસ કહી શકાય તેવા માણસની સંગત તમને સાંપડી છે; એવો અનુભવ તમને થઈ ગયો છે. તેમના શૈશવ કાળની તકલીફો, વીદ્યાર્થી કાળની વ્યથાઓ, અને અમેરીકામાં મહેનત અને બુધ્ધીથી શીખર પર પહોંચ્યાની મુસાફરીની વાતો, તમને એમના માટે અહોભાવથી છલકાવી દે છે. ફુલથીય કોમળ તેમના કવી હૃદયની ધડકન અને પમરાટ ભરેલા જીવનની સુગંધ તમારું ભાવ જગત અનુભવી રહ્યું છે.  

    તેમનો મુકામ, તેમના સાળા લેની ભાઈનું ઘર આવી ગયું છે. તેમને ઉતારીને તમે ઘર તરફ પાછા વળો છો, બીજે દીવસે એમનો કવીતા સંગ્રહ ‘પરબ તારાં પાણી’ તમે એકી બેઠકે વાંચી જાઓ છો. મુશાયરામાં અને કારમાં સાંભળેલી કવીતાઓ ફરીથી વાંચવાનો, વાગોળવાનો એ અદભુત અને સુખદ આનંદ તો તમે માણો જ છો , પણ તેમના જીવનના જુદા જુદા પ્રસંગોને આનુષંગીક, બીજી કવીતાઓ તમને એમના આત્મીય જન બનાવી દે છે. એમની જીવનકથા પણ તને રસપુર્વક વાંચો છો; અને પુસ્તક અલમારીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. એક યાદગાર અનુભવ, એ પુસ્તકની જેમ, તમારા મનોજગતની અલમારીમાં સચવાઈને, ઢબુરીને કેદ થઈ જાય છે.

     એ વખતે તમને ક્યાં ખબર હતી કે, એ યાદો ફરીથી. અનેક વાર, નવપલ્લવીત થવાની છે? એ અલમારી ફરી ફરી ખુલવાની છે?

   પાંચ વરસ પછી, એમનો પરીચય તમારા બ્લોગ પર કંડારવાનો અનુપમ લ્હાવો તમે પામવાના છો?

   જે ઘરમાં તેમને ઉતારી આવ્યા હતા ત્યાં જ, 2008ની સાલમાં તેમને ફરીથી સાંભળવાનો મોકો તમે પામવાના છો?

   અને એ યાદગાર દીવસે એમણે કહેલો, હૈયું વલોવી નાખે તેવો, તેમનો એક સ્વાનુભવ તમારા બીજા બ્લોગ પર મુકી, એક સામાજીક પ્રશ્નને વાચા આપવાનો લ્હાવો પણ તમે પામવાના છો?

લો! એ પરીચય વાંચો

અને એ સામાજીક પ્રશ્ન પણ …..

સુધાકરે શું કર્યું?

સુધાકરે આમ કર્યું    

     અને કેવો સુભગ સંજોગ કે, તેમના 71મા જન્મ દીવસે, આજે આ વાત રજુ કરવાનો લાભ પામવાનો આ નવતર લ્હાવો પણ તમને પ્રાપ્ત થયો છે? 

– આભાર પ્લેનો, ડલાસમાં રહેતા, પરમ મીત્ર શ્રી. હિમાંશુ ભાઈનો – આજના સપ્પરમા દીવસની યાદ અપાવવા બદલ.

———————————————-

આજના સપ્પરમા દીવસે તેમના મીત્રો શ્રી. હિમાંશુ ભટ્ટ અને રમેશ પટેલનાં ગીતો નો બ્લોગ ‘ ત્રીવેણી સંગમ’ પણ શરુ કરવામાં આવી રહ્યો છે. એ બ્લોગની મુલાકાત લેવા આપ સૌને ઈજન છે. અહીં ‘ ક્લીક’ કરો  

જુડો – એક જાપાની સત્યકથા

અંગ્રેજી પરથી ભાવાનુવાદ

      કીમોટો   દસ જ વરસનો હતો. એનું જીવન સ્વપ્ન હતું – મોટા થઈને જુડો ચેમ્પીયન બનવાનું. પણ એક કાર અકસ્માતમાં તે રોળાઈ ગયું. એનો ડાબો હાથ એટલો બધો ઘવાયો હતો કે, તેને કાપ્યા વગર કોઈ આરો ન હતો. કીમોટો હતાશાના ગર્તામાં ફંગોળાઈ ગયો. ત્રણ મહીના બાદ તેનો ઘા તો રુઝાઈ ગયો પણ અંતરમાં પડેલી તીરાડ કોણ સાંધી આપે?

    કીમોટોના પીતાએ પોતાના વૃધ્ધ મીત્ર અને જુડો શીક્ષકને આ વાત કરી. તેણે કીમોટોને પોતાની પાસે લાવવા સલાહ આપી.

   બીજા દીવસે પડી ગયેલા ચહેરાવાળો કીમોટો સેન્સાઈ ( જાપાનીઝ ભાષામાં શીક્ષક) ની સામે ઉભો હતો.

   સેન્સાઈ : કેમ કીમોટો ! જુડો ચેમ્પીયન બનવું છે ને?

   કીમોટો : મજાક શું કામ કરો છો?

    સેન્સાઈ : તું મહેનત કરવા તૈયાર હોય તો તને બનાવી દઉં.

     કીમોટો ભાંગેલા મન સાથે તાલીમમાં જોડાયો. ધીમે ધીમે તેનો ગયેલો ઉત્સાહ પાછો આવવા માંડ્યો. તે બરાબર ચોકસાઈ અને લગનથી મહેનત કરતો થઈ ગયો.

    ત્રણ મહીના વીતી ગયા. પણ સેન્સાઈ તો એક જ દાવ તેને શીખવાડતા રહ્યા. બીજો કોઈ દાવ જ નહીં. કીમોટો તો બહુ અકળાય પણ જાપાનીઝ પ્રણાલીકા મુજબ ગુરુ સામે શી રીતે બોલે?

   છેવટે તેણે બહુ હીમ્મત કરીને સેન્સાઈને પુછી જ નાંખ્યું, “સેન્સાઈ ! મારે બીજી કોઈ ચાલ શીખવાની જ નહીં?”

    સેન્સાઈ : “ બસ તારે માટે આ જ દાવ પુરતો છે.”

    કીમોટો : “ પણ મારે ચેમ્પીયન બનવું હોય તો બધા દાવ શીખવા ન જોઈએ? “

    સેન્સાઈ : “ હજુ થોડા મહીના તારે મહેનત કરવી જોઈએ. જો તું મારી પરીક્ષામાંથી પાર ઉતરે તો તને હરીફાઈમાં જરુર લઈ જઈશ.”

    કીમોટોના મગજમાં આ વાત ઉતરી તો નહીં, પણ તેને ગુરુની આજ્ઞા માથે ચઢાવી, લગનપુર્વક પોતાની રીત સુધારતો રહ્યો.

    આમ બીજા ત્રણેક મહીના વીતી ગયા. હવે સેન્સાઈ તેને જુડોની સ્થાનીક હરીફાઈમાં લઈ ગયા. પહેલી બે મેચ તો કીમોટો સરળતાથી જીતી ગયો. હવે તેનો આત્મ વીશ્વાસ એકદમ વધી ગયો. પણ ત્રીજી મેચમાં તેને બહુ ઝઝુમવું પડ્યું. એનો હરીફ અકળાઈ ગયો અને તેણે સીધું આક્રમણ કર્યું. કીમોટોએ તો પુરી દક્ષતાથી તેને આવડતો દાવ જ અજમાવ્યા કર્યો.

   અને લો! પેલો હરીફ તો ચીત થઈ ગયો.

    કીમોટો માની ન શક્યો કે, તે ફાઈનલમાં પહોંચી ગયો છે.

   આમાં તો એનો હરીફ વધારે કદાવર, શક્તીશાળી અને અનુભવી હતો. કીમોટોને લાગ્યુ કે, તે એને નહીં પહોંચી વળે. રેફરીને પણ લાગ્યું કે કદાચ કીમોટો સખત રીતે ઘવાઈ જાય . તેણે મેચ બંધ રાખવા કહ્યું.

    પણ સેન્સાઈને કીમોટો પર અપ્રતીમ વીશ્વાસ હતો. તેમણે કહ્યુ ,” ના મેચ ચાલુ જ રાખો.”

   બધા પ્રેક્ષકો ઉંચા શ્વાસે આ મુકાબલો જોવા અધ્ધર થઈ ગયા. મેચ ઠીક ઠીક લાંબી ચાલી. કીમોટો સહેજ પણ મચક આપતો ન હતો. વીરામ બાદ ગળે આવી ગયેલો હરીફ પેંતરો બદલીને, સીધો કીમોટો પર ધસી ગયો. આ તેની શરતચુક હતી. કીમોટોનો એનો એ જ દાવ અને પેલા ભાઈ પણ ચીત થઈ ગયા.

    પ્રેક્ષકો આ માની ન શક્યા. એક હાથ વાળા ખેલાડીએ પોતાનાથી બળીયા બધા ખેલાડીઓને પરાસ્ત કર્યા હતા. ખુદ કીમોટો પણ આ વીજય માટે તૈયાર ન હતો.

    પાછા વળતાં બધી મેચોના બધા દાવ પેચ સેન્સાઈએ કીમોટો સાથે ચર્ચ્યા. છેલ્લે કીમોટોએ હીમ્મત કરીને પુછી લીધું ,

     “ સેન્સાઈ! હું એક જ દાવથી ચેમ્પીયન શી રીતે બની શક્યો?

       સેન્સાઈ : “ તારી જીતના બે કારણ છે. મેં તને જે દાવ શીખવ્યો હતો તે બહુ જ મુશ્કેલ ગણાય છે. અને બીજું : એનો પ્રતીકાર કરવાનો એક જ જાણીતો રસ્તો છે – હરીફનો ડાબો હાથ પકડી લેવો. જે તારી સાથે શક્ય જ નથી.“

    કીમોટોની નબળાઈ તેની સૌથી મોટી તાકાત છે, તે આ અનુભવી શીક્ષક જાણતા હતા !

ચમત્કાર

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

      નાનકડી ટેસે એના બેડરુમના ક્લોઝેટમાં એની સોગાત સંતાડવાની છુપી જગ્યામાંથી પોતાની ગોળીઓની, કાચની બરણી, ચોરી છુપીથી બહાર કાઢી. ફર્શ ઉપર તેણે તેની મહામુલી સંપદા ઠાલવી અને કાળજીપુર્વક એકે એક સેન્ટ ગણ્યો. સહેજ પણ ભુલ ન થાય એ માટે તેણે ત્રણ વખત પોતાની સમસ્ત મુડી ગણી જોઈ. આમાં કોઈ ગફલત ન થવી જોઈએ. રકમ બરાબર ગણાવી જોઈએ. જીવન મરણનો સવાલ હતો!

       એણે બધા સીક્કા પાછા બરણીમાં મુકી દીધા અને તેનું ઢાંકણું ખુલી ન જાય તેમ બરાબર વાસી દીધું. ઘરના પાછલા બારણેથી, ચોરીછુપીથી, તે બહાર નીકળી અને ઘરથી છ બ્લોક દુર આવેલી, રેક્સલની દવાની દુકાને ઝટપટ પહોંચી ગઈ. દુકાનના બારણાંની ઉપર, એક રેડ ઈન્ડીયન સરદારનું, તેને ઘણું જાણીતું, અને પ્રભાવશાળી ચીત્ર જોઈ, તે હરખની મારી, દુકાનમાં પ્રવેશી. તે ચીત્ર જોઈ તેનો વીશ્વાસ દ્રઢ થયો કે, તેનું કામ ચોક્કસ થઈ જશે.

      તેણે દુકાનદારનું ધ્યાન પોતાની તરફ જાય તેની ધીરજપુર્વક રાહ જોઈ. પણ કાઉન્ટર બહુ ઉંચું હતું. ટેસે તેના પગ મચડી સેન્ડલનો અવાજ કર્યો. પણ દુકાનદાર તો એની બાજુમાં ઉભેલા સજ્જનની સાથે વાતમાં મશગુલ  હતો. એને કાંઈ ખબર ન પડી. ટેસે ગળું ખાલી ખાલી ખંખેર્યું. પણ તેની પણ કોઈ અસર ન થઈ. છેવટે તેણે બરણીમાંથી એક ક્વાર્ટર બહાર કાઢ્યો; અને કાચના કાઉન્ટર સાથે અથડાવ્યો.

    હવે એનું કામ થઈ ગયું!

    દુકાનદારે નીચા વળીને કટાળા ભરેલા સ્વરે તેને પુછ્યું,” તારે શું જોઈએ છે? જોતી નથી હું શીકાગો રહેતા મારા આ ભાઈ સાથે અગત્યની વાત કરી રહ્યો છું? કેટલા વર્ષે એ મને મળવા આવ્યો છે?”

     ટેસે પણ એવા જ કંટાળા ભરેલા સ્વરે જવાબ આપ્યો,” હું પણ મારા ભાઈ અંગે જ તમારી સાથે વાત કરવા માંગું છું.” રડમસ અવાજે તેણે ઉમેર્યું, “ એ બહુ જ માંદો છે; અને મારે એને માટે ચમત્કાર ખરીદવો છે!”

     દુકાનદારે સમજણ ન પડતાં કહ્યું,” તું શું કહે છે? “

    “ તેનું નામ એન્ડ્રુ છે. એના મગજમાં કાંઈક ગંભીર બીમારી છે; અને ડેડી કહે છે કે, કોઈ ચમત્કાર જ તેને બચાવી શકશે. હવે તમે મને જલદી કહો, ચમત્કારની કીમ્મત શી છે.”

    દુકાનદારને હવે આ નાનકડી બાળા માટે થોડીક સહાનુભુતી થઈ, તેણે ધીમા અને શાંત અવાજમાં કહ્યું,”બેબી! અમે અહીં ચમત્કાર વેચતા નથી. તારી વાત જાણીને મને દીલગીરી થાય છે, પણ હું તને કાંઈ મદદ કરી શકું તેમ નથી.”

   “ સાંભળો, મારી પાસે આટલા બધા સીક્કા છે. હું ચમત્કારની રકમ પુરેપુરી ચુકવી દઈશ. જો આટલા પુરતા ન હોય તો બીજા પણ લઈ આવીશ. પણ તમે મને કહો, એની કીમ્મત કેટલી થશે?” – ટેસે ગળગળા અવાજમાં કહ્યું.

     દુકાનદારની બાજુમાં તેનો ભાઈ ઉભો હતો. તે કાઉન્ટરની બહાર આવ્યો. તેણે ટેસને પુછ્યું,” તારા ભાઈને કઈ જાતના ચમત્કારની જરુર છે?”

   નાનકડી ટેસે એનું માથું ઉંચું કરીને કહ્યું,” એ તો મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે, એ બહુ જ માંદો છે. મમ્મી કહે છે કે, એને કાંઈક ઓપરેશનની જરુર છે. પ્ણ ડેડી પાસે એ માટે રકમ નથી. એટલે મારે એ માટે મારી બધી બચત વાપરી નાંખવી છે. “ ”તારી પાસે કેટલી રકમ છે?” શીકાગોથી આવેલા સજ્જને પુછ્યું.

    ટેસે, ધીમા પણ આશાભર્યા અવાજે જવાબ આપ્યો,”બરાબર એક ડોલર અને અગીયાર સેન્ટ છે. મારી પાસે બધા મળીને આટલા જ છે. પણ જરુર હોય તો હું ગમે તેમ કરીને બીજા લાવી દઈશ.”

    પેલાએ જવાબ આપ્યો,”અરે વાહ! શું વાત છે? એક ડોલર અને અગીયાર સેન્ટ? તારા નાના ભાઈને બચાવી લેવાનો ચમત્કાર બરાબર આટલી જ કીમ્મતમાં તો મળે છે!”

   એણે એક હાથમાં રકમ લીધી અને બીજા હાથમાં ટેસનો મોજાં પહેરેલો હાથ પકડ્યો, અને કહ્યું,” ચાલ, મને તારે ઘેર લઈ જા. મારે તારા નાના ભાઈને જોવો છે , અને તારા ડેડી મમ્મીને મળવું છે. જોઉં તો ખરો, એને કેવા ચમત્કારની જરુર છે? પણ તારા ડેડી મમ્મીને કહીશ નહીં કે, તેં આ રકમ મને આપી છે. નહીં તો ચમત્કાર કામ નહીં કરે. ”

   રુઆબદાર કપડા પહેરેલા તે સજ્જન, મગજના ઓપરેશનના નીષ્ણાત ડો. કાર્લટન આર્મસ્ટ્રોન્ગ હતા. એન્ડ્રુનું ઓપરેશન એમણે કોઈ રકમ લીધા વગર કરી આપ્યું અને એન્ડ્રુ જલદી સાજો પણ થઈ ગયો.

   ડેડી અને મમ્મી તો આ અજાયબ ઘટનાની ચર્ચા કરતાં થાકતાં ન હતાં,

   “કેવો દયાળુ ડોક્ટર! ખરેખર ચમત્કાર કરી નાંખ્યો.”

    ટેસ મનમાં ને મનમાં મલકાતી હતી. તેને એકલીને જ ખબર હતી કે, ‘ચમત્કારની કીમ્મત બરાબર એક ડોલર અને અગીયાર સેન્ટ હોય છે! અને એના વહાલા ભાઈ માટેનો એનો પ્રેમ.”

બટાકાપૌંઆ પીવાય?

(મહીલાઓને અને પાકશાસ્ત્રમાં નીષ્ણાત સજ્જનોને
આ ‘સત્યકથા’ વાંચવા ખાસ ભલામણ છે! )

   બટાકાપૌંઆ પીવાય? પીધા જ હતા ને!

   14 જાન્યુઆરી- 1980ની સાલની એ વાત છે. ચારેક મહીના પહેલાં મને પોરબંદરમાં નોકરી મળી હતી. નોકરીમાં સ્થાયી થઉં ત્યાં સુધી એકલા જ રહેવાનું નક્કી કર્યું હતું. એટલે કુટુમ્બ, રાચરચીલું બધુંય અમદાવાદ જ રાખેલું હતું. થોડી ઘણી સામગ્રી મારા એકલાના ગુજરાન માટે પુરતી હતી.

    સાવ અલગારી જીવન હતું. ફેક્ટરીનું પાવર હાઉસ, કોલોનીમાં નાનકડું ક્વાર્ટર, બે ચાર મીત્રો અને કદીક શહેરના બજાર કે દરીયાકીનારે લટાર. બસ આમાં જ બધી પ્રવૃત્તી આવી જતી હતી. ખાવામાં જાતે બનાવેલ ચવ્વડ રોટલી અને બેસ્વાદ શાક અથવા હું જ ખાઈ શકું તેવાં દાળભાત. રોજનો આ જ ક્રમ.

   હવે તમે જ કહો. કદીક તો આ રોજની ઘટમાળમાંથી બદલાવ માટે મન ન થાય? એવું તે દી’ સાંજે, ફેક્ટરીથી ઘેર આવીને, આ જણને થ્યું. કોલોનીમાં આવેલી નાનકડી, કરીયાણાની દુકાનમાંથી પૌંઆં લઈ આવ્યો. બટાકા તો ઘરમાં પડ્યા હતા, અને મેં બટાકા પૌઆ બનાવી ખાવાનો મહાન પ્લાન બનાવ્યો. રેસીપી પણ મારી પોતાની આગવી હોં! બાપ જન્મારે જાતે બનાવ્યા હોય તો ચીલાચાલુ રેસીપી આવડતી હોય ને?

    આથી મારું પોતાનું જ ફળદ્રુપ ભેજું વાપરીને મેં પૌંઆ ધોયા. બટાકા સમાર્યા અને એમને પણ ધોયા. રોજ શાક બનાવવા લેતો હતો; એનાથી ખાસ્સું વધારે પાણી તાવડીમાં લીધું; અને પૌઆં અને બટાકા એમાં સાથે પધરાવ્યા! આ મીશ્રણ સગડી ઉપર મુકી; થોડીક વાર માટે હું તો કોઈ ચોપડીના અધ્યયનમાં ગરકી ગયો. થોડી વારે મારી મહાન વાનગી ઉકળી રહી હશે એવું દ્રશ્ય સ્મરણપટમાં ઉભરી આવ્યું.,

   મેં સફાળા રસોડા તરફ દોટ મુકી, પાણી ઘણું લીધું હતુંં એટલે સબ સલામત જોઈ હાશકારો થયો. પૌંઆ ખદબદી રહ્યા હતા. ભાત બનાવવાના સ્વાનુભવે એની તો કોઈ ચીંતા ન હતી! ચમચી વડે એક બટાકો બહાર કાઢ્યો. એ તો સમાર્યો હતો, એવો ને એવો જ અડવો હતો. મને ટાઢક થઈ. ‘ ચોપડીના પ્રકરણના બાકીનાં ચાર પાનાં વાંચી, ફરી ચકાસવા આવું.’ બટાકા બરાબર ચઢી શકે તે માટે અડધી વાડકી પાણી ઉમેરી, મેં દીવનખંડ તરફ પ્રયાણ કર્યું. એ પ્રકરણ અને એની પછીનું પણ પતી ગયું. ફરી સફાળો રસોડામાં ગયો .

   તાવડીમાં ખદબદતા, કોઈક સફેદ પ્રવાહીની સપાટી ઉપર બટાકા તરી રહ્યા હતા. મેં ગભરાઈને એક બટાકો બહાર કાઢ્યો. એ તો મુઓ, એવ્વો ને એવ્વો જ, ધોયેલા મુળા જેવો, કડકમદાર હતો. હવે મેં ચમચી વડે એ સફેદ પ્રવાહીને બહાર કાઢ્યું. સરસ મજાની લાઈ બની ગઈ હતી! થોડું વધારે ઉકળવા દઉં તો ઉતરાણના પતંગ સાંધી શકાય એવી બની શકે ! અમદાવાદની યાદ આવી ગઈ. બધા ઉતરાણની એ સાંજે છાપરા પર છેવટની તલ સાંકળી ખાઈ ટુક્કલ ચઢાવવાની વેતરણ કરતા હશે. એક ઉંડો નીસાસો નીકળી ગયો.

   અને અહીં? મારા પેટમાં તો બીલાડાં બોલતાં હતાં. તાવડી નીચે ઉતારી. બટાકા વીણી વીણીને બાજુએ મેલ્યા. પેલી લાઈ ચાખી જોઈ. વઘાર કરી, થોડોક મસાલો ઉમેરી, પીવાય એવી કરી શકાશે; એવો માનસીક સધીયારો જાતને આપ્યો. એ પ્રક્રીયા પતાવી, વાટકામાં એ સ્વાદીષ્ટ વાનગી કડવા વખ મુડમાં પીધી! ભુખ ભાંગવાનો બીજો કોઈ, સરળ માર્ગ પણ ક્યાં હતો? માંડ માંડ એમાંની ત્રીજા ભાગની પીને બાકીની ગટર ભેગી કરી. મારી એકની એક સંપદા જેવી, તાવડી માંજી, બટાકાને ફરી ચઢાવવા સગડી પર ચઢાવ્યા.

   ધગધગતી ભુખમાં ઓલી ચોપડીનાં બધાં પ્રકરણો તો ભુલાઈ ગયા હતા. અને આગળનાં પ્રકરણો વાંચવામાં પડું તો બટાકાની પણ લાઈ પીવાનો વારો આવે, એવો માનસીક ભય પણ મન ઉપર સવાર થઈ ગયો હતો. બટાકા બરાબર ચઢવી, વઘારી, મસાલો નાંખી, સરસ મજાની ગરમાગરમ સુકી ભાજી અને ત્રણ દીવસ પર બનાવેલી અતી ચવ્વડ રોટલી સાથે, મારું તે દીવસનું અફલાતુન ભોજન પતાવ્યું.

  મારી આ કરમ કઠણાઈની કમાલની કથા ઘરના સૌએ તો ‘ટેસ’થી માણી છે. આજે વીશ્વગુર્જરીને એ લ્હાવો પીરસતાં મને આનંદના ઓઘ છુટે છે

  – પૌંઆની એ લાઈ જેવા સ્તો !!

ડાબું મગજ – જમણું મગજ

    1959માં અમેરીકાના ઈન્ડીયાના રાજ્યમાં જન્મેલી જીલ બોલ્ટ ટેલર 10, ફેબ્રુઆરી- 1996 ના રોજ તેના ઘરમાં સુતી હતી. જ્યારે તે સવારમાં ઉઠી ત્યારે તેને જણાયું કે તેના મગજમાં કાંઈક થઈ રહ્યું છે.

jill_bolte_taylor

     મગજના શરીરશાસ્ત્રની તે નીષ્ણાત હતી. યુનીવર્સીટીમાં તે આ અંગે શીક્ષણ આપતી પ્રોફેસર હતી. આથી તેને ખબર પડી ગઈ કે. આ બ્રેન હેમરેજનો, ખતરનાક હુમલો હતો. ‘એમાંથી સાજા સમા ઉગરવાનો એક માત્ર ઈલાજ સમ્પુર્ણ આરામ અને કોઈ જાતની હીલચાલ ન કરવી તે જ છે.’ – એમ તે જાણતી હતી. તે પથારીમાં પડેલી જ રહી. તેણે અનુભવ્યું કે, તે ધીમે ધીમે તેની ક્ષમતાઓ ખોઈ રહી હતી. એક એક કરીને તેની હાલવા ચાલવાની શક્તી, વાંચવાની શક્તી, યાદદાસ્ત અને પોતાની જાત માટેની સભાનતા વીગેરે તે ખોતી ગઈ.

   ત્રણ અઠવાડીયાં પછી એના મગજની શસ્ત્રક્રીયા કરવામાં આવી; અને ડાબા મગજના ભાષાઓના જ્ઞાન અંગેના વીભાગમાંથી, ગોલ્ફના દડા જેટલા કદની લોહીની ગાંઠ કાઢવામાં આવી. આ પછી આઠ વરસ એની આ શક્તીઓ પાછી લાવવા માટે સારવાર કરવામાં આવી. તે સદભાગ્યે સાવ સાજી પણ થઈ ગઈ.

    પણ આ કાળ દરમ્યાન તેનું જમણું મગજ જ કામ કરતું હતું અને ડાબું કોઈ જાતની પ્રતીક્રીયા કરતું ન હતું. તેણે અનુભવ્યું કે, આના કારણે તે પુર્ણ રીતે વર્તમાનમાં જીવતી થઈ ગઈ હતી, અને અદભુત શાંતી અને આનંદનો સતત અનુભવ કરતી હતી. તેની આજુબાજુ ઘટતી ઘટનાઓ સાથે પ્રતીક્રીયા કરવાની શક્તી તેણે ગુમાવી હતી. પણ આને કારણે એનું જીવન સાવ બદલાઈ ગયું હતું.

    સારવાર લીધા બાદ તેનું ડાબું મગજ કે જે ભુતકાળની યાદો અને ભવીષ્ય માટેનાં સ્વપ્નાં જોવા અને યોજનાઓ ઘડવાનું કામ કરતું હોય છે- તે યથાવત કામ કરતું તો થઈ ગયું; પણ હવે તેનામાં એક અદભુત શક્તી આવી ગઈ હતી. તે ધારે ત્યારે એ મગજને વાપરવાનું બંધ કરી; માત્ર વર્તમાનમાં જ જીવી શકતી હતી : અને તે પણ સાવ સરળતાથી. તે જરુર હોય ત્યારે જ ભુતકાળની સ્મૃતીઓ અને જ્ઞાન વાપરવા માટે; તેમજ ભવીષ્ય અંગે વીચારવા કે યોજનાઓ ઘડવા શક્તીમાન બની હતી.

    તે જાતે મગજની રચનાની નીષ્ણાત અને પ્રોફેસર હોવાના કારણે, આ અંગે શ્રેષ્ઠ રીતે સભાન બની ગઈ છે. કેવળ તર્ક અને ફીલસુફીના અભીગમ અને ધ્યાન કે ભક્તીના માર્ગે નહીં; પણ એક અકસ્માતના પ્રતાપે અને મગજની વૈજ્ઞાનીક હોવાની હેસીયતથી; વર્તમાનમાં જીવવાના ફાયદા સમજતી અને સમજાવતી થઈ ગઈ છે.

     એને આ અનુભવ વર્ણવતી સાંભળવી એ એક લ્હાવો છે. અને આંખો ખોલી નાંખે તેવી આધીભૌતીક વાસ્તવીકતાથી આપણને પણ આ માટે સભાન બનાવી દે છે. મગજની રચના અને કાર્યના તજજ્ઞો માટે તો જીલે સંશોધનની એક નવી જ દીશા ખોલી આપી છે.

જીલ ટેલરને પોતાનો અનુભવ વર્ણવતી જુઓ અને સાંભળો

     જ્યારે આપણે આ વાત વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને પ્રતીતી થઈ જાય છે કે, અધ્યાત્મ અને વીજ્ઞાન ઉત્તર અને દક્ષીણ ધ્રુવ નહીં; એક જ સીક્કાની બે જુદી જુદી બાજુ નથી પણ એક જ સત્યની અભીવ્યક્તી છે.

    આ અંગે માનવ જ્ઞાન પુર્ણ રીતે વીકસે; તે દીવસો હવે બહુ દુર નથી. આની ફળશ્રુતી રુપે, માનવજાતનો બહુમતી હીસ્સો વર્તમાનમાં જીવતો થાય; માનવજાત ઉત્ક્રાન્તીના એક નવા પરીવેશમાં હરણફાળ ભરે; માનવતા ફુલબહાર વસંતમાં મહોરે અને પાંગરે એ જ અભ્યર્થના.

વીશેષ વાંચન માટે : – 1  – : – 2 –

[ આ માહીતી આપવા માટે શ્રી. રશ્મીકાન્ત દેસાઈનો અંતઃકરણ પુર્વક આભાર.] 

–    એમની વેબસાઈટ  

————————————–

     12 જુલાઈ – 2008ના દીવસે આ અંગે મારા વીચાર મેં આ જ બ્લોગ ઉપર મુક્યા હતા. તે પણ વાંચો.

ધર્મ અને વીજ્ઞાન