સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અલગારી રખડપટ્ટી

ફરવા જવાનું તો સૌને  ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’

    પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને ઘર પાછા ફરવાનો ઉમળકો લગીરે હોતો નથી. કદાચ એમને ઘર હોતું જ નથી!

    એક એવા અલગારીની આ વાત છે. એનું નામ છે – પોલ સલોપેક.

એને કોઈ પુછે કે, “તમારું ઘર ક્યાં? “

       તો એનો લાક્ષણિક જવાબ છે ,” જન્મ – અમેરિકામાં, ઉછેર – મધ્ય મેકિસિકોમાં, જુવાનીનો મોટા ભાગનો સમય આફ્રિકામાં ઠેર ઠેર રખડપટ્ટી. મારું ઘર જ્યાં હું ઊભો હોઉં, તે એક મિટર x  એક મિટર  જમીન .“

   આ પોલ ભાઈને નેશનલ જ્યોગ્રાફિકે એક કામ સોંપ્યું છે – રખડયા કરવાનું! અને કોઈ વાહનમાં નહીં – બસ પગપાળા પ્રવાસ જ! દુનિયાના  ચારેય  ખંડોને આવરી લેતી આ સફર આફ્રિકાના જિબુતી દેશમાંથી જાન્યુઆરી – ૨૦૧૩ માં શરૂ થઈ હતી.  ૨૧,૦૦૦ માઈલ લાંબી અને દસેક વર્ષ સુધી ચાલુ રહેનારી આ સફર આર્જેન્ટિનાના છેક દક્ષિણે આવેલ ટેરા ડેલ ફુએગોમાં પૂરી થશે.  હાલમાં પોલ  ભારતમાં છે.

એના પ્રવાસી અનુભવો જાતજાતના છે અને ભાતભાતના લોકો સાથે છે. પંજાબમાં એની સાથે રસ્તા પર ચાલી રહેલા ખેડૂત યુવાનોનો ધખારો છે –  ગમે તેમ કરીને ન્યુઝિલેન્ડ પહોંચી જવું અને જીવનમાં નવો નિખાર લાવવો. આવા તો અસંખ્ય અનુભવો પોલને આટલા વર્ષોમાં થયા છે, થતા રહે છે.  એનો એક ઇન્ટરવ્યૂ લાંબો છે, પણ નીચેની લિન્ક પર વાંચવા જેવો છે

https://www.nationalgeographic.com/travel/intelligent-travel/2015/08/07/walking-the-world-with-paul-salopek/

    પોલના સચિત્ર અનુભવો નેશનલ જ્યોગ્રાફિકાની વેબ સાઈટ પર અપડેટ થતા રહે છે.

     આપણને સ્વાભાવિક રીતે થાય કે, ‘શું કામ આ બધા ઉધામા?’

     વાત એમ છે કે, નેશનલ જ્યોગ્રાફિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે ‘Out of Eden walk’ એ પ્રોજેક્ટને સમજવા આપણે માણસજાત આખી દુનિયા પર શી રીતે ફેલાઈ ગઈ, તે વિશે થોડુંક જાણવું જોઈશે. આમ તો આ બહુ મોટો વિષય છે. ઇથિયોપિયા, જિબુતી દેશોના વિસ્તારમાંથી સૌથી જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. (આશરે ૩૨ લાખ વર્ષ જૂનું ) એક માન્યતા પ્રમાણે એ સ્ત્રીને માનવ જાતની આદિમદાદી ગણવામાં આવે છે! આ શાસ્ત્રના તજજ્ઞોમાં એ  લ્યુસી તરીકે જાણીતી છે.

      એક માન્યતા એવી છે કે, ત્યાંની માનવ વસ્તીની નાની નાની ટુકડીઓ જાતજાતનાં કારણોને લીધે આગળ અને આગળ વધતી ગઈ અને લાખો વર્ષોના અંતે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. જો કે, આ માન્યતાને પડકારતા બીજા પુરાવા પણ મળ્યા છે. પણ અહીં આપણે એ ચર્ચામાં નથી પડવા માંગતા. 

     નેશનલ જોગ્રાફિકે  ‘આ માન્યતા મુજબના રૂટ પર હાલ શી હાલત છે?’ – એ જાણવા આ પ્રોજેક્ટ વિચાર્યો હતો અને એ કામ પોલ ભાઈને સોંપ્યું હતું. એણે આખા રૂટ પર ચાલતા જઈને જાતતપાસ કરવાની છે કે, ‘હાલમાં આ રૂટ પર માનવ હિજરત જારી છે કે, કેમ? અને એનાં શાં કારણો છે?’

      જ્યાં જ્યાં પોલ રખડયો, ત્યાંથી એ બાતમી લાવ્યો છે કે, માણસને એક સ્થાયી સ્થિતિ સ્વીકાર્ય નથી, અને તે હમ્મેશ હિજરત કરતો આવ્યો છે. ઘણી વખત આવી હિજરત મજબૂરીના કારણે પણ થતી હોય છે. ગરીબી, ભૂખમરો, જાતિ જાતિ વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક અસહિષ્ણુતા વિગેરે અનેક કારણોના લીધે માણસ પોતાનું વ્હાલું વતન છોડવા મજબૂર બની જતો હોય છે. આવી અનેક દુખિયારી જનતાનો અને એમની વ્યથાઓનો પોલે અનુભવ કર્યો છે. એમના માટે એના દિલમાં દર્દ અને સહાનુભૂતિ છે.

       પણ મજબૂરીથી થતી હિજરતની વ્યથાઓ બે ત્રણ પેઢી પછી હળવી બની જતી હોય છે અને હિજરતી જાત નવા સમાજમાં સમાઈ જતો હોય છે. વખાના માર્યા ગુજરાત આવેલા પારસી લોકો આનું સરસ ઉદાહરણ છે. કેરાલાના સિરિયન ખ્રિસ્તી લોકો પણ આવી જ રીતે ભારતીય સમાજમાં ભળી ગયેલી જાતિ છે.

       સાથે સાથે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા પણ માણસ કાયમને માટે વતન છોડતો હોય છે. આખી  દુનિયામાં ફેલાઈ ગયેલા ડાયાસ્પોરા ગુજરાતીઓ અંગે  આપણને સૌને ખ્યાલ છે જ. અમેરિકાના બન્ને ખંડના બધા દેશો પણ મૂળ હિજરતી લોકોના સ્વદેશ બની ગયા જ છે ને?

    વેપાર માટે પણ સોદાગરો સૈકાંઓથી દૂર દૂર જઈ, સસ્તી કિમતમાં માલ ખરીદી વતનમાં એની ઉપર અઢળક નફો પણ રળતા આવ્યા જ છે ને? એ સ્વાર્થી વેપારી રસમ ભલે હોય, પણ એના કારણે માનવજાતિઓ વચ્ચે અનેક જાતનાં આદાન પ્રદાન પણ થયાં જ છે.  એક માન્યતા એવી પણ છે કે, આવાં આદાન પ્રદાનના કારણે પણ જ્ઞાન અને વિજ્ઞાનનો વિસ્તાર થયો છે.    

    વૈશ્વિક સ્તરે એક નાનું જૂથ એમ પણ માને છે કે, માણસજાત અત્યારે જે  તબક્કે આવીને ઊભી છે, તેમાં વૈશ્વિક નાગરિકતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. દેશ દેશ વચ્ચેના સીમાડા ભૌગોલિક નકશાઓમાં નથી હોતા! ‘વિશ્વમાં કોઈ પણ માણસને પોતાની હાલત સુધારવા હિજરત કરવાનો હક્ક હોવો જોઈએ.’ – એ પ્લેટોનિક ખ્યાલ ભલે હોય, પણ એના વિશે જાગરૂકતા વધતી જાય છે.

     પોલના એક સરસ વિચાર સાથે આ લેખનું સમાપન કરીએ –

     The world is growing complicated. To understand it, we don’t need more information, we need more meaning. A walked journey spanning four continents and seven years is just one way to try and tackle this challenge.

3 responses to “અલગારી રખડપટ્ટી

 1. mhthaker મે 17, 2021 પર 10:27 એ એમ (am)

  very interesting and inspiring story of paul Salopek

 2. Qasim Abbas મે 17, 2021 પર 2:06 પી એમ(pm)

  બાળપણ માં માધ્યમિક શાળા ના પાઠ્ય પુસ્તક માં એક કવિતા હતી, તેની દોઢ પન્ક્તિઓ યાદ રહી ગયેલ છે જે આ હતી

  ભમરા ને ફરવાની લાલચ, રખડે દિન આખો યે
  સાંજ પડે પણ ઘેર ન આવે …………………………..

  કદાચ આ સાચું હોય : કોલંબસે સમુદ્ર માં રખડતા રખડતા અમેરિકા શોધી કાઢયું

  ________________________________

 3. Pingback: નદીની રેતમાં રમતું નગર – વેબગુર્જરી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: