સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પૂજારીમાંથી અબજોપતિ

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

     ૧૯૭૪ ના તે દિવસે   ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રના રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી હતું. ભૂજના સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ૧૦૦ રૂ. ની ફી માંડ  ભરી શકતા નરેન્દ્ર માટે ભાવિક ભક્તો માટે આ સ્તોત્ર વારંવાર ગાઈ, એમાંથી મળતી દક્ષિણાની રકમ   ગાડાનાં પૈડાં જેવડી મોટી હતી.  એ વખતે નરેન્દ્ર પાસે પહેરવાના જોડા પણ ન હતા. એક વખત તો વૈશાખના તાપથી તપેલી જમીન પર ચાલવાના ત્રાસથી છૂટકારો મેળવવા નરેન્દ્રે  મંદિરના આંગણામાંથી જોડા પણ કમને ચોરવા પડ્યા હતા.

    ૧૯૬૧ માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં જન્મેલા નરેન્દ્રને જીવનના દસ વર્ષ તો કાંઈ તકલીફ પડી ન હતી. પણ કુટુમ્બ આર્થિક ભીંસમાં આવી જતાં તે દારૂણ ગરીબીમાં ફંગોળાઈ ગયો હતો. ભણતાં ભણતાં બ્રાહ્મણ સંસ્કારોને કારણે તેને મંદિરમાં પૂજારીને મદદ કરવાનું કામ મળી ગયું હતું. એમાંથી મળતા પગારના બળથી એનો ગુજારો થઈ જતો અને ઘેર ગામડે પણ તે નાની રકમ મોકલી શકતો હતો.

     ૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં  નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં  પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મિરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં  લગ્નમાં પાંગર્યો.

પરિણિત વ્યક્તિ સ્વામીનારાયણ મંદિરમાં પૂજાનું કામ ન કરી શકે, આથી નરેન્દ્રને મંદિર છોડવું પડ્યું . પણ એક ગ્રાહકની સહાયથી એને લોખંડના હાર્ડવેર વેચતી એક દુકાનમાં નોકરી મળી ગઈ. એમાંથી હવે એને બચત પણ થવા લાગી.

     ધીમે ધીમે નરેન્દ્રના નસીબ આડેનું પાંડડું હટવા માંડ્યું. થોડાક વખત બાદ નૈરોબીના ગિકોમ્બા વિસ્તારમાં તેણે ‘સ્ટીલ સેંટર’ નામની  હાર્ડવેર  વેચવાની પોતાની નાની દુકાન શરૂ કરી. હવે એના ફળદ્રૂપ મગજમાં લોખંડના ધંધાની ગેડ બેસવા લાગી. વ્યાજબી ભાવ અને પ્રામાણિકતાના સબબે એની આવક વધવા માંડી. તેની નજર વધારે મોટા સાહસમાં ઝંપલાવવા દોડવા લાગી. આજુબાજુ રહેતી ગરીબ વસ્તીની દારૂણ હાલત જોઈ તેને થયું કે, લોખંડનાં પતરાં જો સસ્તાં બનાવી શકાય તો એ ગરીબ લોકો ઓછા ખર્ચમાં પોતાનાં ઝૂંપડાં બાંધી શકે.

     ૧૯૯૨માં  જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરૂ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.

         પણ એકાએક લોખંડના ભાવમાં અભૂતપૂર્વ તેજી આવી અને એનો માલ બહુ બહોળા નફા સાથે વેચાવા લાગ્યો. બધું દેવું ચૂકવાઈ ગયું, અને ધંધો હવે પૂરઝડપે પ્રગતિ કરવા લાગ્યો.

       બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ત્રી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા,  ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.

૨૦૧૮ ની સાલમાં તેમના મિત્ર અને સાથી કૈલાશ મોટાના સૂચન અને સહકારથી નરેન્દ્રે ‘ગુરૂ’ નામની પોતાની આત્મકથા પણ લખી છે.

 સંદર્ભ –

https://en.everybodywiki.com/Narendra_Raval

http://www.coastweek.com/3837-Kul-Bhushan-Narendra-Raval-From-Priest-Palmist-and-Astrologer-to-Kenyan-Tycoon.htmhttps://www.forbes.com/sites/mfonobongnsehe/2015/01/16/the-400-million-man-of-steel-who-said-no-to-africas-richest-man/#114054b25418

One response to “પૂજારીમાંથી અબજોપતિ

 1. pragnaju એપ્રિલ 28, 2022 પર 9:58 એ એમ (am)

  ‘નરેન્દ્ર’ નામે વિવેકાનંદજી આધ્યાત્મિક ક્ષેત્રે
  ‘નરેન્દ્ર’ નામે રાજકારણ ક્ષેત્રે
  ‘નરેન્દ્ર’ નામે મિલિટરી કેપ્ટન ક્ષેત્રે
  ‘નરેન્દ્ર’ નામે પુજારીના લોખંડી મનોબળે લોખંડ વેપારમાં ગરીબોને મદદરુપ થવાની વાતને સલામે
  યાદ
  दुनिया फ़रेब करके हुनरमंद हो गई,
  हम ऐतबार करके गुनाहगार हो गए।-

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: