સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારી પહેલી અને સૌથી લાંબી અટક્યા વગરની મુસાફરી

શું તમે અવલ મંજીલની ધારી ? !!
દરીયામાં અડધો એક કલાકની મુસાફરી તો કરી હતી પણ 40 કલાક સુધી જમીન પર ઉતર્યા વિના મુસાફરી કરવાનો આ અનુભવ અજોડ હતો. ટ્રેનમાં પણ 36 કલાકથી વધારે સળંગ મુસાફરી કરી નથી, અને તે પણ જમીન પર પગ મૂક્યા વિના! અમદાવાદથી કલકત્તા જતાં પણ વચ્ચે ઘણા સ્ટેશનો પર ચા પાણી કરવા, કે કંઇ નહીં તો પગ છૂટો કરવાય નીચે ઉતર્યા હોઇશું.

ship_overvirw.jpg

અતિ આધુનિક આ જહાજમાં પગ મૂકતાં જ આશંકિત હૃદયને ટાઇટેનિક યાદ આવી ગઇ! અને “હાજી કાસમ ! તારી વિજળી…“  પણ !

top_deck.jpg

રોજ બે ત્રણ કલાક બાળકો સાથે ગરમ અને ઠંડા પાણી ભરેલા સ્પા અને પૂલમાં નહાવાનો અનુભવ, અને આંતરરાષ્ટ્રીય મુસાફરો સાથે 40 કલાક સાથે રહીને જીવવાનો અનુભવ કંઇક ઓર જ હતો. જહાજની વિશાળતાને કારણે અને જુદા જુદા માળોએ જતી અનેક લીફ્ટોને કારણે ભુલ-ભુલામણી માં અથડાવાની, ‘Comedy of errors’ ની પણ લિજ્જત કહો તો લિજ્જત, અને અકળામણ કહો તો અકળામણનો અનુભવ પણ લઇ જોયો.!

ship_main_-atrium.jpg

restaurant.jpg

નીકળ્યા ત્યારે જ વાવાઝોડા જોડે ટક્કર ઝીલવી પડશે તે ભયનો ઓથાર તો હતો જ. પણ તે ભાઇ તો ક્યાંક બીજે જ તોફાન કરવા ફંટાઇ ગયા એટલે અમે બચી ગયા ! કેપ્ટને લાઉડ સ્પીકર પર હૈયા ધારણ આપી હતી કે તેમનો સ્ટાફ સતત હવામાનના વર્તારા અને શ્રીમાન વાવાઝોડાની ચોકીમાં છે અને જરૂર પડે તો અમારો કાર્યક્રમ બદલી બીજી કોઇ સલામત જગ્યાએ ફરવા લઇ જશે. પણ આપણા અમદાવાદી હૈયામાં થોડો ફફડાટ તો રહ્યા જ કર્યો !

મેક્સીકોના કાંઠે પ્રોગ્રેસો બીચ પર પહેલી મુલાકાત હતી. ઉતરતાં જ અમેરીકા સાથે સરખામણી થઇ ગઇ. કાંઠેથી વીસેક માઇલ દૂર આવેલા યુકાતાન પ્રાંતના પાટનગર ‘મેરીડા’ શહેરમાં લઇ ગયા ત્યારે આપણા દીવ કે દમણ યાદ આવી ગયા. પણ વસ્તી ઘણી બધી – 10 લાખ !!

maya_monument.jpg

1642 ની સાલમાં સ્પેનના લોકોએ જીતી લીધા પહેલાંની માયા સંસ્કૃતિ તો નષ્ટ થઇ ગઇ છે, પણ તેના થોડા ઘણા અવશેષો અને એક કલાત્મક સ્મારક જોવા મળ્યા. જીતી લીધેલી આ સંસ્કૃતિના પવિત્ર સ્થળ સમા પીરામીડોને જમીનદોસ્ત કરી તેના પત્થરોમાંથી બનાવેલું દેવળ જોયું ત્યારે મહમ્મદ ઘોરી, સોમનાથનું મંદીર, ભીમદેવ સોલન્કી અને ચૌલાદેવી યાદ આવી ગયાં. આમ છતાં પજા જીવનમાં જૂની સંસ્કૃતિના રીત રીવાજો અને હસ્ત-કલા ધરબાઇને રહી ગયા તો છે જ. ખરીદી કરવા માટે આતૂર બાનુઓને દોકડાના ભાવની ચીજો મસ-મોંઘા ડોલરમાં હોંશે હોંશે ખરીદતી પણ જોઇ ! ગ્રામીણ કક્ષાના રમકડાંઓથી અંજાઇ ગયેલાં, અને માબાપોને ખરીદવા મજબૂર કરતાં લેટેસ્ટ વીડીયો ગેમ રમવા ટેવાયેલા ભુલકાંઓ પણ જોયા !

sub_marine-life.jpg

અમારી આ પછીની મુલાકાત કોઝુમલ નામના એક મસ-મોટા ટાપુ પર હતી. ત્યાં જાનબાજ અમેરીકનો તો સ્નોર્કેલીંગ અને સ્કુબા ડાઇવીંગની જંજાળમાં રત હતા, જ્યારે આપણે સલામતી શોધતી પ્રજાના પ્રતિનિધિઓ, મીની સબમરીન ની મોજ લેવા ઉપડ્યા. આ તો નામની જ સબમરીન ! મોટરબોટના તળીયામાં દસેક ફૂટ નીચે 25- 30 માણસોને બેસવાની સગવડ કરેલી અને દિવાલો મજબૂત પણ પારદર્શક કાચથી જડેલી હોવાને કારણે દરીયાની નીચેની સપાટી પરની રીફ અને માછલીઓ જોઇ શકાય. આફ્રીકાના સફારી પાર્ક જેવું. આપણે માછલી ઘરમાં અને માછલીઓને આપણને જોવાનો લ્હાવો ! અમને આશા હતી કે સુંદર મઝાની કોરલ( પરવાળા) જોવા મળશે, પણ સમ ખાવા જેટલી એક પણ કોરલ ન દેખાઇ. પ્રદુષણને કારણે બધી નષ્ટપ્રાય . મન વાળ્યું કે નસીબમાં હશે તો ઓસ્ટ્રેલીયા / ન્યુ ઝીલેન્ડ જઇશું અને ગ્રેટ કોરલ રીફની મઝા માણીશું !

scuba_divers.jpg

પણ ખરી મઝા તો સ્કુબા ડાઇવીંગ કરતા પેલા જાનબાજોને જોવાની આવી. મંદ ગતિના સમાચારમાં જોવા મળે તેવી તેમની હીલચાલ જોવાની બાળકોને બહુ જ મઝા આવી.

વળી પાછા વહાણમાં અને વહાણવટી જિંદગી શરૂ. ફરી 40 કલાકની સોનેરી જેલ અને પાછા અમેરીકા. અહીં તો જડબેસલાક ચેકીંગ – કસ્ટમ અને ઇમીગ્રેશન અને અમેરીકન ચહલ પહલની દુનીયા. પાછો પાંચ કલાકનો ડ્રાઇવ અને રસ્તામાં જુનું અને જાણીતું જેક-ઇન-ધ-બોક્ષ અને ફાસ્ટ ફૂડ અને પૃથ્વીનો છેડો ઘર !

————————————————-

**** મુસાફરી

26 ઓગસ્ટ 2006 સવારે 8-00 વાગે આર્લીન્ગ્ટનથી ગેલ્વેસ્ટન જવા પ્રયાણ

26 ઓગસ્ટ 2006 સાંજે 4-00 વાગે ગેલ્વેસ્ટનથી વહાણમાં પ્રયાણ

28 ઓગસ્ટ 2006 સવારે 8-00 વાગે પ્રોગ્રેસો બીચ – મેક્સીકોમાં ઉતરાણ , મેરીડા શહેરની મુલાકાત

28 ઓગસ્ટ 2006 સાંજે 5-00 વાગે વહાણમાં પ્રયાણ

29 ઓગસ્ટ 2006 સવારે 8-00 વાગે કોઝુમલ ટાપુ પર ઉતરાણ અને મીની સબમરીનમાં દરિયાના તળીયાનું અવલોકન

29 ઓગસ્ટ 2006 સાંજે 5-00 વાગે વહાણમાં પ્રયાણ

31 ઓગસ્ટ 2006 સવારે 8-00 વાગે ગેલ્વેસ્ટન કિનારે પરત

31 ઓગસ્ટ 2006 બપોરે 3-00 વાગે આર્લીંગ્ટન પરત

———————————————–

****   વહાણ

· બનાવટની સાલ – 1991

· બનાવટનું સ્થળ – હેલસીન્કી- ફીન્લેન્ડ

· લંબાઇ             –  855 ફીટ

· કીલથી ઉંચાઇ    –  203 ફીટ

. કુલ વજન        –  70,367  ટન

· મુસાફરોના વપરાશ માટેના માળ – 11

· અમારી સાથેના મુસાફરોની સંખ્યા – આશરે 2000

· વિશાળ રેસ્ટોરન્ટો – 3

· ચાઇનીઝ રેસ્ટોરન્ટ – 1

· લીકર બાર – 4

· તૂતક પર ચોવીસ કલાક ગ્રીલ અને કાફે

· સાઇબર કાફે

· ઠંડા પાણીના પૂલ – 3

· ગરમ પાણીના પૂલ – 4

· બ્યુટી પાર્લર અને સ્પા

· સેમીનાર રૂમ

· થીયેટરો – 2

· લાયબ્રેરી

· કેસીનો

· કાર્ડ રૂમ

· મીની ગોલ્ફ

· જોગીંગ ટ્રેક

· બાસ્કેટ બોલ પ્રેક્ટીસ નેટ

· ટેબલ ટેનીસ

· વીડીયો ગેમ સેંટર

· પીયાનો રૂમ

· સન બેધીંગ વ્યવસ્થા

· શોપીંગ સેંટર

· આર્ટ ગેલેરી

· નાના બાળકો માટે ડે – કેર વ્યવસ્થા

· ટીનેજર્સ માટે ડાન્સ રૂમ

· સુસજ્જ રૂમો – આશરે 800

· અત્યંત આધુનિક લીફ્ટો – 12

· એટ્રીયમમાં સુશોભિત મીની ઓપન લીફ્ટ – 2

· આખું વહાણ વાતાનુકૂલિત

· લાઇફ બોટ – 12

· આધુનિક ઓશન રડાર, હવામાન રડાર અને કોમ્યુનીકેશનની સગવડો

12 responses to “મારી પહેલી અને સૌથી લાંબી અટક્યા વગરની મુસાફરી

 1. Kamal Vyas સપ્ટેમ્બર 4, 2006 પર 3:38 એ એમ (am)

  Thanks for good information.
  Njoyed the free trip.
  A good expireance in life.
  V hope to plan in future.
  Ticket fare?

 2. Rajeshwari Shukla સપ્ટેમ્બર 4, 2006 પર 8:01 એ એમ (am)

  સુરેશભાઈ,
  તમારી ક્રુઝયાત્રા વાંચવાની ખૂબ મઝાઆવી.અમે તો આવી યાત્રા કરીશું કે કેમ ?તે પણ એક પ્રશ્ન જ છે. એટલે વર્ણન વાંચીને આનંદ મેળવી લીધો.કૌમુદી નાની હતી ત્યારે આપણે કોઈક સફરની વાત કરીએ ત્યારે કહેતી કે;”હું ત્યાં ગઈ કહેવાય.”આત્મસંતોષની તેની તે સમયની સમજની જેમ જ હું કહું છું…..”હું તમારી સાથે ગઈ કહેવાય!!!!!!!!!!!!” ફોટા જોયા પછી તો ખાસ!!!!!!!!!!ખૂબ આનંદ આવ્યો.તમે આવી સફરો કરતા રહો(ઋચા અને ધર્મેન્દ્રભાઈ કરાવતા રહે)તેવી શુભેચ્છાઓ સાથે…….અમદાવાદી+કઠીયાવાડી+દાહોદી(ઘણા વર્ષો દાહોદમાં રહીને અંશતઃ વાણિયા)હોવાના નાતે પૂછી લઉં…..ખર્ચ કેટલો થાય??????????

 3. Moiz Khumri સપ્ટેમ્બર 4, 2006 પર 1:25 પી એમ(pm)

  It seems you have really enjoyed the 5 day trip.Just enjoy such trips during your retired life.We also had wonderful experience in famous canadian mountain rockies.Nature has bestowed such wonderful things that if you Have money(?) you just enjoy it.Aa tripma amne Tasnim lai gai hati.Sathe Ammar hovathi eno anand anero hato.16 days trip also covered vancouver, Whistler and Victoria.Victoriama aapna hidustani pan Canadana B.C. na MLA mali gaya.Te anubhav pan yadgar hato.

 4. Nishant Bhatt સપ્ટેમ્બર 4, 2006 પર 5:38 પી એમ(pm)

  Hey dada,

  Shun vaat chhe tamara vahanvati pravas ni. Khub saras ane he eeee malam na dariya maan maza karva no to anand j kaink judo chhe.

 5. Urmi Saagar સપ્ટેમ્બર 4, 2006 પર 6:49 પી એમ(pm)

  nice trip uncle….. thank you for sharing.
  now I can officially bug someone to take me on cruise-trip too!! 🙂

 6. Dilip Patel સપ્ટેમ્બર 4, 2006 પર 9:56 પી એમ(pm)

  આપનો આ કૃઝનો અહેવાલ અને પિક્ચર્સ માણ્યા. ગત વર્ષની અમારી મહારાજા કાર્નિવલ કૃઝની યાદ તાજી થઈ. કૃઝ આનંદદાયી રહી અને દરિયો વિચાર પ્રેરી ગયો. જે આ મુજબ છે.

  મજા રજાની માણવાનો ચઢ્યો ગૂર્જરી ગૃપને કેવોક કેફ

  અલાસ્કા કાર્નિવલ કૃઝે લાગ્યો મહારાજા બનવાનો ક્રેઝ

  સાથે સામાનના પોટલાં ભારે ને માંહે ખાસ ફોર્મલ ડ્રેસ

  પ્રિસ્ક્રીપ્શન દવા ભૂલ્યાં,પણ લીધા મેક્લીઝીન યા પૅચ

  સેવા સોંપી શરીરને ભારે ભરી કેક મેવા વારે વારે પેટ

  પ્રોગ્રામ પ્રવૃત્તિની પળોજણે પામ્યા થાક દરિયાનો ભેટ

  વ્હેલ વિઝનના વ્હાલમાં ઉઘરાવી જાણે ઉજાગરાની ટેક

  પૂંછ દેખી ડોક દીઠી ન દીઠી ને પતાવી કેમ્કોર્ડરની ટેપ

  દેખાદેખી કરી ટૂર, ટ્રીપ ને ટીપમાં કર્યા ખાલીખમ જેબ

  અપચાથી બળતું તન ટ્રેડમીલે ચકરાતું પરસેવે રેબઝેબ

  ક્લબ કેસીનો ડિસ્કો ડ્રિન્ક્સમાં ખીલ્યો કાર્નિવલનો ખેલ

  ભુલાવે ભાન અને ચઢાવે ભાંગ કૃઝ જાણે દરિયાઈ જેલ

  દરિયો ઘૂમી વળ્યાં પણ ના અડક્યાં બૂંદ કે કિનારે રેત

  ગ્લેશિયર તળે ડૂબ્યાં પણ ન દીઠાં મોતી માણેક કે ખેત

  વધાર્યું વજન ને મઝધારે ના દીશા દર્શન કરી લ્યો ખેદ

  મહારાજા નહીં ઈન્દ્રિય ગુલામ થ્યાં સમજો‘દિલ’એ ભેદ

  ( 2005ની કાર્નિવલની મહારાજા કૃઝ પર આધારિત )

  મેક્લીઝીન (meclizine)- ચક્કર મટાડવાની તેમજ ચક્કર ન આવે એ માટે વપરાતી દવા

  પૅચ ( scopolamine patch )- ચક્કર ન આવે એ માટે વપરાતી દવા

 7. nilam doshi સપ્ટેમ્બર 25, 2006 પર 10:54 એ એમ (am)

  મજા આવી ગઇ સુરેશ્ભાઇ,આપની સાથે મુસાફરી કરવાની!!!અને તે યે ઘેર બેઠા!આભાર..આવી સરસ મુસાફરી કરાવવા બદલ.

 8. Neela Kadakia ઓક્ટોબર 12, 2006 પર 1:34 એ એમ (am)

  આપની મુસાફરીનું વર્ણન વાંચી મને મારી ઑસ્ટ્રેલિયાની સફર યાદ આવી ગઈ. દીકરાઓ સાથે 1 મહિનો ગાડી લઈને મૅલબૉર્નથી નીકળીને ગોલ્ડકોસ્ટ સુધી ફરી આવ્યા હતાં અને આવી રીતે ક્રુઝ માં ગયાં હતાં અને સ્નોક્લીંગ પણ કર્યું હતું. 1993માં. સંસ્મરણો પાછા ઉભરાઈ ગયા.
  આપનો ખૂબ આભાર
  નીલા

 9. mahendra thaker માર્ચ 20, 2008 પર 11:02 પી એમ(pm)

  wonderful info you have given to group, thx

 10. NEETAKOTECHA મે 9, 2008 પર 8:04 પી એમ(pm)

  વાહ દાદાજિ
  મજા આવી ગઈ.. ધડકન તેજ થઈ ગઈ હતી વાવાઝોડા નું સાંભળી ને…
  પણ સારુ થય એ ફ્ંટાઈ ગયુ. ંખુબ મજા આવી સફર કરવાની..
  અને દાદીજી ને પહેલી વાર જોવાની…ુ

 11. aataawaani જાન્યુઆરી 16, 2013 પર 6:20 એ એમ (am)

  સુરેશભાઈ તમે તમારી ક્રુઝ યાત્રાની મને પણ મજા કરાવી .
  મેપણ ક્રુઝ યાત્રા તો કરી છે,પણ તમારા જેવું લખતા મને નો આવડે અને ફોટા ગોઠવતા પણ નો આવડે તમે તો ઘણી માહિતી આપી નાને ઘણું ગમ્યું .
  આ વખતની મારી ક્રુઝ યાત્રા 7 દિવસની છે . મારા બ્લોગમાં મારી આ વખતની ક્રુઝ યાત્રાની વિગત અને ફોટા ની ગોઠવણ કરવા માટે તમારી આવડતનો ઉપયોગ કરવો પડશે .

 12. mdgandhi21 નવેમ્બર 1, 2014 પર 10:58 પી એમ(pm)

  આજે આ વર્ણન વાંચ્યું. ક્રુઝની મુસાફરીનું બહુ સુંદર વર્ણન કર્યું છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: