સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘિલોડી પાળી

“ જય! જલદી આવ. ઘિલોડી.”

અને જય કોમ્પ્યુટર છોડી સફાળો મારા રૂમમાં દોડી આવ્યો.

જય અને તેના ખાસ મિત્ર હન્ટરનો નવો શોખ છે – ‘ઘિલોડી પાળવાનો’. એને અહીં ‘ગેકો’ – geiko કહે છે. આ અગાઉ એમણે ઘિલોડીનું એક બચ્ચું પકડ્યું હતું. પણ તે કશાક કારણસર મરી ગઈ હતી.  એ મરણનો શોક બે દિવસ રહ્યો હતો. આજે પણ મારા રૂમમાં એવું બચ્ચું દેખાયું હતું.

જય ક્યાંકથી સરસ મજાનો કોઈ ચીજના પેકિંગમાં આવેલો, ફિટ બંધ થાય તેવો, પ્લાસ્ટિકનો ડબો લઈ આવ્યો. ચુપકિદીથી તે ડબો તેની ઉપર સરકાવ્યો. બચ્ચું એમાં પૂરાઈ ગયું. હવે એની અને ભીંતની વચ્ચે કાગળ સરકાવી ડબાને ભીંત પરથી ઊઠાવી લેવાનો હતો. એમ કરતાં મારાથી ડબો સહેજ ઉપડાઈ ગયો અને ચાલાક ઘિલોડી છટકી ગઈ.

થોડેક આગળ ફરી આ પ્રયત્ન અને ફરીથી એ વધારે તેજીલું નિવડ્યું. હવે તો તે ભીંત અને કાર્પેટની વચ્ચેની ગેપમાં ઘૂસી જવા પ્રયત્ન કરવા માંડ્યું. હવે તેને પકડવાનું આસાન ન હતું. કાગળના છેડાથી એને થોડું હડસેલ્યું. એ છટકીને સહેજ ઉપર આવ્યું અને અમે ફરી આ અભિયાનનું પુનરાવર્તન કર્યું.

અને છેવટે અમારો આ પ્રોજેક્ટ સફળ નિવડ્યો. ઘિલોડી અમારા  આ સરસ મજાના ડબામાં બંદિવાન બની. ઢાંકણું ફિટ વસાઈ ગયું. હવે મારું કામ હતું આ ડબામાં કાણાં પાડી આપવાનું; જેથી ઘિલોડીને હવા મળી રહે. મારી પાસે એક ઓલ –  awl છે.( ગુજરાતમાં આપણે તેને પોકર કહીએ છીએ.) તેનાથી મેં તરત પાંચ કાણાં પાડી આપ્યાં.

જય પાણી લઈ આવ્યો અને કાણાંમાંથી ઘિલોડી માટે છએક ટીપાં પાણીનાં રેડ્યાં.

હવે શોધ શરૂ થઈ – ઘિલોડીની દરકાર માટે શું કરવું? –  તેની.

ગુગલ મહારાજે ઘિલોડી પાળવાનું આખું શાસ્ત્ર ગોતી આપ્યું.

અઢળક માહિતીનો ભંડાર. ખરીદવો હોય તો તેનો ખોરાક તો શું; આખી ને આખી ઘિલોડી પણ ખરીદી શકાય!

લો! આ અંગેની એક સરસ મજાની ચોપડી.

પણ હાલ તો ઘિલોડી માટે જીવડાં શોધી લાવવાનું અભિયાન શરૂ થયું. ક્યાંકથી જય મરેલાં બે નાનાં જીવડાં લઈ આવ્યો. સવારે નિશાળે જતાં પહેલાં બેકયાર્ડમાંથી જીવતાં જીવડાં શોધી એને ધરશે. અને મને બીજા દિવસ માટે ઘરકામ સોંપાઈ ગયું છે. સવારના આઠ વાગ્યાથી બે કલાક આ ડબાને વિજળીના ટેબલ લેમ્પ નીચે રાખી ગરમ કરવાનો; અને બે કલાક રૂમના ઉષ્ણતામાને એને રાખવાનું. કાલ સાંજ સુધીની દરકારની જવાબદારી મને સોંપાઈ છે!

ક્યારે શુક્રવારની સાંજ પડે  અને હન્ટરને આ ઘિલોડી જોવા બોલાવી લવાય – એની તાલાવેલી હવે જયને લાગી છે. નાનો હતો ત્યારે તે આમ જ બહુ સિફતથી દેડકો પકડી લાવતો હતો.

આ છે – અમેરિકન કિશોરોના મનોરાજ્યની એક ઝલક!

Comments are closed.