સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઇસ્લામિક અમન

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

m1      માંડ ૨૭ વર્ષનો મહમ્મદ રાતની નિબીડ શાંતિમાં ઝબકીને જાગી ગયો. કોઈની પણ ઊંઘ હરામ કરી દે તેવી કારમી ચીસો અને શોર બકોર કોઈ પિશાચલીલાની જેમ આખાયે વાતાવરણમાં પડઘાઈ રહ્યા હતા.

    હમણાં સાતેક વર્ષથી જ મહમ્મદ અબ્દુસ સબૂર સિલ્હટ આવ્યો હતો. (બાંગલા દેશ – તે વખતે પૂર્વ પાકિસ્તાનમાં ) એનું ગામ પણ ક્યાં દૂર હતું.  માંડ ત્રીસ કિલોમિટર જ ને? ભારતમાં આવેલું, સૌથી વધારે વરસાદ માટે વિશ્વ ભરમાં વિખ્યાત, ચેરાપુંજી તેના ગામથી ચાળીસેક કિલોમિટર જ ઉત્તરમાં હતું ને? કેવી મજાની જિંદગી હતી? ચારે બાજુ પર્વતાળ ઢોળાવો પર લહેરાતી હરિયાળીના સાન્નિધ્યમાં, ધરતીના પારણે  નાનકડા બાળકની જેમ એ હજારો વર્ષોથી ઝૂલતું હતું. માંડ પાંચસો ઘરની ગરીબ વસ્તી પણ દરેકના હૈયામાં દિલની અમિરાત મ્હાલતી હતી. હિન્દુ અને મુસ્લીમના કોઈ ભેદ ન હતા. સૌ એકમેક સાથે સહકાર અને ભાઈચારાથી જીવતા હતા.

     અને આ સિલ્હટ? વધારે સારું કમાવા મહમ્મદ ગામ છોડીને આ શહેરમાં આવ્યો હતો, પણ વતનની યાદ કદીયે એના હૈયે વિસરાતી ન હતી. અહીં હિન્દુ મુસ્લીમ વચ્ચેનું અંતર એના હૈયે હમ્મેશ ખૂંચતું. છતાં રોજબરોજના જીવનમાં સૌ એકમેક સાથે સગવડિયા વહેવાર સાચવતા. પણ છેલ્લા વર્ષથી એ સમતોલન જોખમાઈ ગયું હતું. જ્યારથી પશ્ચિમ પાકિસ્તાનની સેનાએ દેશના ગળે ટૂંપો દેવાની શરૂઆત કરી હતી, ત્યારથી કોમી આગ ભડભડતી બળવા લાગી હતી. નોકરીની સાથે સાથે સિલ્હટની એક માનવતાવાદી સંસ્થા સાથે તે તેના દિલની ભાવનાને વાચા આપવા તેનાથી થાય તેટલી કોશિશ કરતો હતો.

m2

     મહમ્મદ સફાળો બેઠો થઈ ગયો અને શોરબકોરની દિશામાં દોડી ગયો. નજીકમાં રહેતા તેના બીજા બે  મિત્રો પણ તેને દેખાઈ ગયા. બધા સાથે ત્યાં પહોંચી ગયા. બે ગરીબ હિન્દુ ઘરોને આગ ચાંપવામાં આવી હતી અને ઘરનાં સભ્યો બહાર ઊભા રહી રોકકકળ કરી રહ્યાં હતાં. ત્રણ યુવાન દીકરીઓની તરફ સામે ઊભેલા મવાલીઓની કૂડી નજર છાની રહે તેમ ન હતી. બધા દોસ્તો એમને વચ્ચે પહોંચી ગયા, અને માંડ માંડ સમજાવટથી અને મવાલીઓ પાસે કુરાનના સોગન લેવડાવી બધા દુર્ભાગી જીવોને સલામત જગ્યાએ લઈ ગયા અને તેમને આશરાની વ્યવસ્થા કરી દીધી.

     આ લગભગ રોજનો નિત્યક્રમ બની ગયો. દર વખતે હિન્દુ કુટુંબો જ લક્ષ્ય બનતા- એમ પણ ન હતું. નરાધમ પાકિસ્તાની સૈનિકો માટે પોતાનો હવસ સંતોષવા, હિન્દુ હોય કે મુસ્લીમ, કોઈ પણ યુવતી ચુંથાયા વિના બાકી રહેતી નહીં. કોઈ માલેતુજાર ઘર લૂંટાયા વિનાનું ન રહેતું. મવાલીઓ અને સિપાઈઓમાં કોઈ જ ફરક ન હતો.

     થોડાક જ દિવસો અને ભારતીય સેના સિલ્હટ આવી પહોંચી.પાકિસ્તાની સેના સાથે તેમનું ઘમસાણ યુદ્ધ માંડ બે દિવસ ચાલ્યું, અને સિલ્હટનો કબજો ભારતીય સેનાના હાથમાં આવી ગયો. માંડ તેર જ દિવસની લડાઈ અને મહમ્મદના દેશનું નામ પૂર્વ પાકિસ્તાન મટીને બાંગલા દેશ બની ગયું.

   એ યુદ્ધ વિશે વિશેષ માહિતી માટે અહીં ક્લિક કરો.

   નવા દેશની સ્થાપના પછી, મહમ્મદના માનવતાવાદી કામો સિલ્હટની બહાર પણ જાણીતા થવા લાગ્યા. હવે તેની ઢાકાની મુલાકાતો વધવા લાગી. દેશ ભરનાં માનવતાવાદી સંગઠનોના સંપર્કમાં મહમ્મદ આવવા લાગ્યો. બેંગકોક સ્થિત એશિયન કલ્ચરલ ફોરમ ફોર ડેવલમેન્ટ ( ACFD) ના સભ્યો સાથે તેનો ઘરોબો થઈ ગયો. આ સંપર્કોના પ્રતાપે જ આઠ જ વર્ષમાં આ સંસ્થાની બાંગલાદેશની શાખાના  વહિવટી કમિટિના સભ્ય તરીકે તે ચૂંટાઈ આવ્યો.

    સબૂરને આશા હતી કે, બાંગલાદેશની સ્થાપના થયા પછી, એના વ્હાલા ગામમાં હતી તેવી મુક્ત મનની સભ્યતા આખા દેશમાં ફેલાઈ જશે. પણ કમનસીબે તેની આશા ઠગારી નિવડી. લડાઈ પછીની બેહાલીમાં સિલ્હટ તો તબાહ થઈ ચૂક્યું હતું. અને ઢાકાના પણ ક્યાં સારા હાલ હતા? રાજકારણીય દાવ પેચોએ બાંગલાદેશના તારણહાર શેખ મુજિબર રહેમાનને પણ ક્યાં છોડ્યા હતા? સબૂરને લાગ્યું કે, પોતાના જીવનના આદર્શ માટે ઢાકાનું રાજકારણ અનુકૂળ નથી.

      સબૂરે કમને થાઈલેન્ડના પાટનગર બેંગકોકની વાટ પકડી લીધી. એક નવી જ દુનિયા તેને માટે ખુલ્લી થઈ ગઈ. પ્રવૃત્તિ અને વિકાસથી ધમધમતા બેંગકોકમાં તેને માટે રોજી રોટી જ નહીં, પણ વિશ્વના જાગૃત અને મુક્ત મનના સજ્જનો અને સન્નારીઓ સાથે વિચાર વિમર્શ કરવાની અને પોતાનું ક્ષિતીજ વિશાળ કરવાની તક પણ મળી ગઈ.  ખ્રિસ્તી, હિન્દુ અને બૌદ્ધ ધર્મી વ્યક્તિઓ પોતાની ધાર્મિક માન્યતાઓની સંકુચિત માન્યતાઓ બાજુએ મુકીને, ઘણી વિશાળ દૃષ્ટિથી માનવ જાતને નડતી સમસ્યાઓ વિશે વિચાર કરી શકતી હતી, તે જોઈ શક્યો કે, સમાજ સમાજ વચ્ચેના વાડાઓને બાજુએ મુકીને, આ લોકો શાહીવાદ અને મુડીવાદ વિરોધી બાબતો અંગે વિચારી શકતા હતા અને સૌને સ્પર્શતા સામાજિક મુદ્દાઓ  અંગે મુક્ત મને ચર્ચા કરવા માહેર હતા. આ નવા અને તરોતાજા વાતાવરણથી સબૂરને ઘણી પ્રેરણા મળવા લાગી.

   સબૂરને અફસોસ થવા માંડ્યો કે, મોટા ભાગના મુસ્લીમ કાર્યકર્તાઓની નજર ઘણી જ સીમિત હતી. પરદેશથી મળતી રકમો મોટા ભાગે મસ્જિદો અને મદરેસાઓમાં જ વપરાતી હતી અને મુસ્લીમ સ્ત્રીઓના અને બાળકોના વિકાસ અંગેના પ્રશ્નો તરફ સાવ બેભાનતા હતી. તેણે જોયું કે, ગરીબો માટે સખાવતો તો ઘણી આવતી હતી, પણ ગરીબ મુસ્લીમો પ્રત્યેનો ઊપલા વર્ગનો દૃષ્ટિકોણ તો સાવ આભડછેટિયા જ હતો. તેમની સાથે વાતચીત કરવા અને તેમના પ્રશ્નો ખરેખર શું છે? -તે સમજવા કોઈની તૈયારી ન હતી.

    મનમાં ઘૂમરાઈ રહેલા આ મુદ્દાઓના પરિપાક રૂપે, ૧૯૯૦માં  આંતરરાષ્ટ્રીય ધોરણે આવા પ્રગતિશીલ વિચારો ધરાવતા મુસ્લીમોનો સંપર્ક સાધવાનું  સબૂરે શરૂ કર્યું. ચિયાંગ માઈ નામના થાઈલેન્ડના એક શહેરમાં, સપ્ટેમ્બર મહિનામાં, મુંબાઈના એક વિચારક અને વિદ્વાન અસઘર અલીના સંચાલન સાથે ભારત, પકિસ્તાન, બંગલાદેશ અને થાઈલેન્ડની આવી વ્યક્તિઓની એક સભા યોજાઈ શકી. સૌએ સર્વાનુમતિએ આ વિચારના આદ્ય જનક સબૂરને ‘અમન’ના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટી કાઢ્યો. અને આમ ઇસ્લામિક ‘અમન’ નો જન્મ થયો. (Asian Muslim Action Network)

         ‘અમન’ નો ઉદ્દેશ શું? – મુસલમાન યુવાનોમાં પ્રગતિશીલ ઇસ્લામિક વિચારોનું સંવર્ધન.

       પણ પ્રવર્તમાન વાસ્તવકિતા સાથે આ આદર્શને મૂર્તિમંત બનાવવાનું કામ એટલું સરળ ન હતું. દાન અને અંગત આર્થિક મદદથી આગળ વધીને સામાજિક ન્યાય અને પાયાના માનવીય હક્કોના સંસ્થાપન માટે જાગરૂકતા કેળવવા અને પ્રગતિશીલ વિચારોના આદાન – પ્રદાન અને વ્યાપ માટે ઘણી વિશાળ કક્ષાએ ભગીરથ પ્રયત્નો જરૂરી હતા. દેશ પરદેશમાં વેર વિખેર ફેલાયેલી, આવાં ઉદ્દેશ ધરાવતી, નાની નાની સંસ્થાઓને એક નેજા હેઠળ લાવવાની અથવા એકમેક સાથે સહકારથી કામ કરતી કરવાની તાતી જરૂર હતી. આવી જ વિચારસરણી ધરાવતી બીજી બિન ધાર્મિક સંસ્થાઓ સાથે પણ સહકાર અને સહ-અસ્તિત્વ સ્થાપવાનાં હતાં. મુસલમાન સમાજમાં ઊંડી વગ ધરાવતા ઉલેમાઓ અને મદરેસાઓનો સહકાર પણ આ ઉદ્દેશને બર  લાવવા જરૂરી હતો. વાસ્તવિકતામાં બહુ નાના પાયે જ આવી શરૂઆત થઈ શકી છે. પણ એ થઈ છે જરૂર.

       સબૂર માને છે કે, ‘આવો ભાઈચારો અને વિશ્વ બંધુત્વની ભાવના  ઈસ્લામના પાયામાં છે જ. સૌ માનવો તરફ સન્માનની નજર રાખવાનું કુરાન ફરમાવે છે જ. પણ ઈસ્લામ અંગેની સમજને વિશ્વ ભરમાં અને મુસ્લીમ સમાજમાં ફેલાવવાનું  કામ બહુ જ જટિલ છે. આ સાથે એ અશક્ય પણ નથી જ. જો વિવિધ ખ્રિસ્તી માન્યતાઓવાળી સંસ્થાઓ આ બાબત એક પીઠિકા પર આવી શકતી હોય તો, ઇસ્લામિક સંસ્થાઓ પણ આવો સામાન્ય મંચ બનાવી શકે. સ્રીઓ, ગરીબો અને પીડિતો માટે સદભાવ અને સહાનુભૂતિની લાગણીનું વાવેતર કરવા ઇસ્લામના પાયાના સિદ્ધાંતો વિશે ઇસ્લામ અને બીજા ધર્મોના સમાજોમાં પણ સમજ કેળવી શકાય.’

      ‘અમન’ અને થાઈલેન્ડની ખ્રિસ્તી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે, દર વર્ષે ત્રણ અઠવાડિયાની મુદત માટે ૪૦ વર્ષની નીચેની વ્યક્તિઓ માટે એક કોર્સ બેંગકોકમાં યોજવામાં આવે છે. મોટા ભાગે મુસલમાનો એમાં ભાગ લે છે, પણ બીજા ધર્મની વ્યક્તિઓ પણ એમાં સામેલ હોય- તેની તકેદારી ‘અમન’ રાખે છે. ગરીબાઈ, સ્ત્રીઓની સમસ્યાઓ, આતંકવાદ, પર્યાવરણનો ધ્વંસ, આક્રમક અસહિષ્ણુતા, લઘુમતિઓની સમસ્યાઓ વિ. અંગે સામાન્ય સમજ કેળવવાનો આ કોર્સમાં પ્રયત્ન કરવામાં આવે છે.     પચીસ વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે પણ સાત દિવસનો આવો કોર્સ બેંગકોક અને નેપાલમાં  યોજવામાં આવે છે.

    ૨૦૦૩ માં મુસ્લીમ સમાજની અંદરથી આવા વિચારો અને એના વ્યાપ માટેના પ્રયત્નો વિશે વિચાર વલોણું પેદા કરવા અને એક્શન પ્લાન બનાવવા, વાર્ષિક ધોરણે ફેલોશીપ આપવાની શરૂઆત ‘અમન’ દ્વારા કરવામાં આવી છે. આવી ૩૬ વ્યક્તિઓને આ ઉદ્દેશથી આ ફેલોશીપ આપવામાં આવી છે.

      ૨૦૦૫થી ‘અમાના’ નામનું એક ત્રિમાસિક પણ શરૂ કરવામાં આવ્યું છે, જે અંગ્રેજી ઉપરાંત બંગાળી, થાઈ, બહાસા મલાયેશિયા, અને ઉર્દૂમાં પ્રસિદ્ધ થાય છે.

m3

        ‘અમાના’ નિર્વાસિતો, કુદરતી આપત્તિઓ અને યુદ્ધોથી પીડિત વ્યક્તિઓને સહાય કરવાના કાર્યક્રમો પણ યોજે છે. ઇન્ડોનેશિયાની યુનિવસિટીના સંયુક્ત ઉપક્રમે ‘શાંતિ’ માટેનો પોસ્ટ ગેજ્યુએટ અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

m4

     નોંધવા જેવી બાબત છે કે, આ બધી પ્રવૃત્તિઓ ચલાવવા જરૂરી ફંડ, જ મહદ અંશે દેશ વિદેશની ખ્રિસ્તી સંસ્થાઓ અને જાપાનની  માનવતાવાદી બૌદ્ધ  સંસ્થાઓ તરફથી જ મળતું રહે છે. જો અઢળક પેટ્રો ડોલરનો નાનકડો હિસ્સો પણ આરબ દેશો તરફથી મળે, તો મહદંશે મુસલમાનોને લાભ મળે છે -તેવી આવી પ્રવૃત્તિઓ ઘણા મોટા પાયે વધારી શકાય. આવો જ ફાળો અમીર મુસલમાનો પણ આપી શકે.

    પણ સબૂરના મતે–

   ‘નાણાંકીય સહાય કરતાં પણ વધારે જરૂરી છે – વધારે ને વધારે પ્રગતિશીલ વિચારસરણી વાળા મુસલમાન સ્વયંસેવકોની. જો આવા સન્નિષ્ઠ યુવાનો મોટા પાયે સંગઠિત બને તો નાણાં આપોઆપ વહેવા લાગશે. અને કોઈ સમાજ માટે આ પાયાનો ધર્મ છે.

    ‘સબૂરની પ્રિય કવિતા

એકલા ચલો, એકલા ચલો, એકલા ચલો રે!
જોડી તોર દાક સુણે ક્યુવ ના આશે રે!
એકલા ચલો, એકલા ચલો, એકલા ચલો રે

– રવિન્દ્રનાથ ઠાકુર

m5

ફેસબુક પર

સાભાર –    Yoginder Sikand, TwoCircles.net

સંદર્ભ – 

http://twocircles.net/2008aug01/mobilising_muslims_man_and_network_mission.html#.V-L9AfArLIU

http://www.thebetterindia.com/90/mobilising-muslims-for-inter-faith-dialogue-and-participation/

https://www.facebook.com/Asian-Muslim-Action-Network-AMAN-118085364920082/

2 responses to “ઇસ્લામિક અમન

 1. readsetu જૂન 13, 2017 પર 9:53 એ એમ (am)

  આવી પ્રવૃતિઓ વ્યાપક બને એની ખૂબ જરૂર છે. આજે મુસ્લિમો નો વિશાળ વર્ગ થોડાક
  આતંકીઓના કારણે વગોવાઈ રહ્યો છે. આને રોકવી એ મુસ્લીમોના જ હાથમાં છે. આ લેખ
  શેર કરવા બદલ આભાર.

  2017-06-13 11:36 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: ” માંડ ૨૭ વર્ષનો મહમ્મદ રાતની નિબીડ શાંતિમાં ઝબકીને
  > જાગી ગયો. કોઈની પણ ઊંઘ હરામ કરી દે તેવી કારમી ચીસો અને શોર બકોર કોઈ
  > પિશાચલીલાની જેમ આખાયે વાતાવરણમાં પડઘાઈ રહ્યા હતા. હમણાં સાતેક વર્ષથી જ
  > મહમ્મદ અબ્દુસ સબૂર સિલ્હટ આવ્યો હતો. (બાંગલા દેશ – તે વ”
  >

 2. Pingback: 1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: