સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સમજદારીના પડદાઓ – મરીઝ

મરીઝ

હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ.
તને પૂછી રહ્યો છું હું, તને મળવાના રસ્તાઓ.

જીવન પૂરતી નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ.
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ.

કોઈ પાળે ન પાળે, ધર્મના કાનૂન બાકી છે.
પથિક આવે નહીં તો પણ, મળી રહેવાના રસ્તાઓ.

બધો આધાર છે, એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા, મુહબ્બતના પૂરાવાઓ.

‘મરીઝ’ એથી વધુ શું જોઈએ, યાદી શરાબીને?
મદિરાલયમાંહી ભટકે છે, હજી ટૂટેલી તોબાઓ.

One response to “સમજદારીના પડદાઓ – મરીઝ

  1. pragnaju એપ્રિલ 24, 2020 પર 10:42 પી એમ(pm)

    આ સાવ મુફલીસ અને યુવા વયથી જ અઠંગ શરાબી એવા શાયરે અમૂક રચનાઓ ચેતનાના એવા સ્તર પરથી આપી છે કે, જેમાં બધા ધર્મતત્વોનો નિચોડ આવી જાય. આ બે એવા શેર છે.
    પરમ તત્વને પામવું હોય તો સમજદારીને કોરાણે મૂકવી પડે અને દિવાનગી આત્મસાત્ કરવી પડે. એને મળવાના રસ્તાઓ બહુ સમજદાર માણસને કોઠે જ ન પડે! આ જ્ઞાન નહીં અજ્ઞાનનો માર્ગ છે ! બધુ ભુલી જઇ , તેનામાં જ ખોવાઇ જવાનો માર્ગ છે- એક શરાબીનો માર્ગ, એક દીવાનાનો માર્ગ – નરસીંહ, મીરાં અને કબીરનો માર્ગ.
    બીજા શેરમાં પણ આ શાયર આવી જ બીજી સાવ વિરૂધ્ધ વાત કહે છે. માશુકાને , આપણા સાજનને , આપણા પરમ સખાને મળવાની તાલાવેલી તો હોય, પણ તે છૂટા પડતી વખતે કઇ દૃષ્ટિથી તમારી સામે જુએ છે તેના પર બધો આધાર છે ! તે એક જ નજરમાં તમને કહી દે છે – કશું ય કહ્યા વગર – કે તેણે તમને સ્વીકાર્યા છે કે નહીં ! તે મળે ત્યારે તો તમે એટલા બધા સુધ બુધ ગુમાવી બેઠા હો , એટલા દીવાના થઇ ગયા હો કે, તમને કશું ખબર જ ન પડે. પણ તે સાજન કે માશુક પાછા જઇ રહ્યા હોય, તમારું દિલ ફરી તેની સાથે મિલન માટે વ્યાકુળ હોય ત્યારે તેની નજરનો એક જ ઇશારો પર્યાપ્ત હોય છે કે તમારા પ્રેમનો તેણે સ્વીકાર કર્યો છે કે નહીં.

    પ્રેમની આ નજાકતમાં જ પ્રેમની મહાનતા છૂપાઇ છે. પરમ તત્વ નિર્ગુણ તો છે, પણ તેના પ્રચ્છન્ન ગુણનો આવિર્ભાવ તે પ્રેમ છે. અને તેનો અનુભવ આપણી ઇન્દ્રિયો વિવિધ પ્રકારે અને વિવિધ પરિમાણોથી કરતી હોય છે. માટે જ તેને માટે જગત ભરના સાહિત્યમાં ઘણું બધું લખાયું છે. પણ એનો આવિર્ભાવ જ્ઞાનના નહીં પણ અંતરની વાણીના માધ્યમ દ્વારા જ થઇ શકે. મરીઝના આ શેર આવી કોઇ અવસ્થામાંથી પ્રગટ્યા હોય તેવો એહસાસ આપણને થયા વિના નથી રહેતો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: