સાભાર – શ્રીમતિ અંજલિ ભટ્ટ
ક્રિસમસ આવી રહી છે, તે ટાણે અંગ્રેજી પરથી એક ભાવાનુવાદ …
તે દિવસે મિટિંગ માટેનો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. — કમ્પનીનો બધો સ્ટાફ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે, ક્રિસમસ લોટરીમાંથી કોનું નામ નીકળે છે. ૩૦૦ જણના સ્ટાફ વાળી એ કમ્પનીના દરેક કામદારે ૧૦ ડોલર જેકપોટના ડબ્બામાં નાંખેલા હતા. બીજા ડબામાં કોને લોટરી મળે એના નામની ચિઠ્ઠી દરેક જણે નાંખી હતી. જે ૩,૦૦૦ ડોલર ભેગા થાય; તેમાં બીજા ૩,૦૦૦ ડોલર કમ્પની ઉમેરે અને કુલ ૬,૦૦૦ ડોલરની રકમ નસીબદારને મળે – એવો દર સાલનો રિવાજ હતો.
જેક છેલ્લો આવ્યો અને જિસસને યાદ કરીને તેણે દસ ડોલર અને ઈનામ કોને મળે તેના નામની ચિઠ્ઠી નાંખ્યા. ઓફિસમાં સફાઈનું કામ કરતી માર્થા બહુ જ ગરીબ હતી. તેનો દીકરો બે દિવસ પહેલાંજ ગંભીર બિમારીમાં પટકાયો હતો અને હોસ્પિટલમાં કણસી રહ્યો હતો. માર્થા પાસે એનું ઓપરેશન કરવા માટે રકમ ન હતી. જેકે ધડકતા દિલથી જિસસને પ્રાર્થના કરી કે, આ વર્ષનું ઈનામ માર્થાને મળે. ચમત્કાર થાય તો એની આ પ્રાર્થના ફળે.
બધાની આતુરતાનો અંત છેવટે આવ્યો અને મેનેજિંગ ડિરેકટર સાહેબ આવી ગયા. થોડીક વાતચીત પછી, તેમણે બીજા ડબામાં હાથ નાંખ્યો અને એક ચિઠ્ઠી ઉપાડી. હોલમાં ટાંકણી પણ પડે તો સંભળાય, એટલી શાંતિ છવાયેલી હતી. સાહેબે ચિઠ્ઠી ખોલી અને મોટેથી જાહેર કર્યું , “ આ વર્ષની લોટરી માર્થાને મળે છે.”
બધાંએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને વધાવી લીધી. જેક હરખના અતિરેકમાં ઊછળી પડ્યો. પણ એને નવાઈ તો લાગી જ કે, બીજા સૌ પણ એના જેટલા જ ખુશખુશાલ હતા.
માર્થાની આંખમાં હર્ષનાં આંસું છવાઈ ગયાં. એ સ્ટેજ પર આવી અને લોટરીનું ઈનામ સ્વીકારતાં રડી પડી. ‘હવે તેનો દીકરો જીવી જશે.’
પછી તો ક્રિસમસની પાર્ટી શરૂ થઈ. અને બધાએ ભોજનના ટેબલ તરફ પ્રયાણ કર્યું. પણ જેકના અંતરમાં ચટપટી હતી. તેને જાણવું હતું કે, આ ચમત્કાર શી રીતે થયો? હવે કોઈનું ધ્યાન સ્ટેજ પરના ટેબલ તરફ નહોતું. જેકે ચિઠ્ઠી વાળા ડબામાંથી બીજી એક ચિઠ્ઠી ખોલી. એમાં પણ માર્થાનું જ નામ હતું . આમ તેણે દસ બાર ચિઠ્ઠીઓ ખોલી અને બધામાં માર્થાનું જ નામ લખેલું હતું .
જેકને ખાત્રી થઈ ગઈ કે, એ ચમત્કાર ખરેખર દૈવી હતો – એ દૈવ જેણે સૌના અંતરમાં માર્થા માટે સહાનુભૂતિ અને શુભેચ્છા પ્રગટાવ્યાં હતાં.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ