બધાં ગઝલાવલોકન અહીં ….
ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે
અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે
બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે
ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે
મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે
– કુતુબ આઝાદ
અહીં સાંભળો
નેટ પર ગુજરાતીમાં લખી શકાવાની શરૂઆત, ઈમેલથી પત્ર વ્યવહાર, અને બ્લોગિંગની સવલતે જે રીતે સહૃદયી મિત્રો મેળવી આપ્યા છે – એ મહેરબાનીને આ શ્રેણી અર્પણ છે.
ખુદાની મહેરબાની અને એવા દિલદાર મિત્રોની મહેરબાની.
ગઝલનો એક પણ શેર એવો નથી કે, જેને સમજાવવો પડે –સાવ સીધી, દિલમાં ઉતરી જાય એવી ગઝલ. પણ , મનમાં ઉઠેલ ચપટીક વિચારો…
આપણે આમ મિત્રોનો, મિત્રો અને ઘણું બધું મેળવી આપનાર એ ‘ખુદા’ની મહેરબાનીનો ઋણ સ્વીકાર કરીએ એ એકદમ યથાયોગ્ય તો છે જ. પણ થોડીક વિશેષ વાત પણ છે.
આમ મહેરબાનીની લણણી કરવી હોય તો;
એ માટે આપણે એવી વાવણી કરવી પડે.
એ લાગણીમાં લોહીની રક્તતા ઉમેરવી પડે.
થોડીક જ વધારે નજર ફેલાવીએ તો તરત જણાશે કે, આપણા સમસ્ત જીવનમાં કેટકેટલી નામી, અનામી; જાણીતી, અજાણી; ગમતી, અણગમતી વ્યક્તિઓનો આપણી પર ઉપકાર છે? વ્યક્તિઓ તો શું? કેટકેટલાં પ્રાણીઓ, વનસ્પતિઓ, કુદરતી તત્વોનાં પ્રદાન ન હોય તો આપણે કશું પણ પ્રાપ્ત કરી શકીએ? – જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને હંધુંય ગનાન, બધી સંપદા!
પ્રત્યેક શ્વાસની સાથે આપણે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં થઈએ તો? આપણી ઘણી બધી સમસ્યાઓ, વ્યથાઓ, ઉલઝનો આપોઆપ શમી જાય; એમ કદાચ બનવા લાગે.
અને એ ખુદા પણ કોણ? ક્યાં છે એ મહેરબાન? કહે છે કે, આપણી અંદર જ તો એ છુપાયેલો પડ્યો છે. જ્યારે જ્યારે આપણે આમ એ મહેરબાનનો આભાર માનીએ ત્યારે, એ હમ્મેશ યાદ કરતા જઈએ કે, એ જ્યાં વસી રહ્યો છે; શ્વસી રહ્યો છે – એ મંદિર, એ મસ્જિદ, એ દેવળ, એ દેરાસર, એ સાયનેગોગ આપણે એની અસીમ કિરપાને લાયક રાખ્યું છે ખરું? આપણી કાયા; આપણા વિચાર; આપણી વાણી; આપણું વર્તન, આપણાં બધાં કાર્યો એ મહેરબાનને લાયક છે કે, કેમ એ નિહાળતાં થઈએ તો?
તો જ આ ગઝલ આપણે સમજ્યા;
એને જીવનમાં ઉતારી
– એમ કહી શકાય;
નહીં વારૂ?!
Like this:
Like Loading...
Related
પ્રત્યેક શ્વાસની સાથે આપણે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં થઈએ તો?
આપણી ઘણી બધી સમસ્યાઓ, વ્યથાઓ, ઉલઝનો આપોઆપ શમી જાય;