સાનહોઝેમાં (કેલિફોર્નિયા, અમેરિકા) અબજો ડોલરની સંપત્તિનો માલિક, શ્રીધર વેમ્બુ, ધમધમતો ધંધો છોડીને તામિલનાડુના તેનકાશીમાં સ્થાયી થયો છે. તે પોતાની આવડતનો ઉપયોગ ગામડાંઓની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક ઉન્નતિ માટે તાલીમ આપવાના સ્તૂત્ય કાર્ય માટે કરી રહ્યો છે.
એ નવાઈની વાત નથી કે, ભારત સરકારે તેને ૨૦૨૧ માં પદ્મશ્રીનો ઇલ્કાબ એનાયત કર્યો છે.
શ્રીધરનો જન્મ ૧૯૬૭માં તામિલનાડુના તાંજોર જિલાના એક નાના ગામના, મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ૧૯૮૯ માં ચેન્નાઈમાં આવેલી, IIT માંથી ઇલેક્ટ્રિકલ એન્જિ. માં સ્નાતક થયા બાદ શ્રીધર ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયો હતો. અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સટન યુનિ.માંથી (આલ્બર્ટ આઈન્સ્ટાઈનની છેવટની કર્મભૂમિ) અનુસ્નાતક અને પી.એચ. ડી. પદવી તેણે પ્રાપ્ત કરી હતી.
ત્યાર બાદ સાન દિયેગોમાં ક્વોલ-કોમ નામની કમ્પનીમાં વાયરલેસ એન્જિનિયર તરીકે તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી.૧૯૯૬માં પોતાના બે ભાઈઓ સાથે તેણે AdventNet નામની સોફ્ટવેર કમ્પની સ્થાપી હતી. ૨૦૦૯ માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. SaaS ( Software as a service) આપતી આ કંપનીને ઘણી નામના અને યશ મળ્યાં હતાં. આ નામ અને કામથી તેને ઘણી સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ હતી. આપણે એ નોંધવું જોઈએ કે, ફોર્બ્સ કમ્પની દ્વારા ૨૦૨૧માં ઝોહોની કુલ નાણાંકીય અસ્કયામતની આકારણી ૨૪૪ કરોડ ડોલર આંકવામાં આવી છે.
પણ શ્રીધરના દિલમાં આનાથી સંતોષ ન હતો. દિલની આરજૂ પૂરી કરવા તેણે તામિલનાડુના તેનકાશી જિલ્લામાં આવેલ માતલમ્પરાઈ ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે.
અહીં અને આન્ધ્ર પ્રદેશના રેનિગુન્ટામાં, ઝોહોના નેજા હેઠળ, રોજગાર લક્ષી સોફ્ટવેર આધારિત શિક્ષણ આપતી શાળાઓ તેણે સ્થાપી છે. આવી ઘણી શાળાઓ દેશભરમાં સ્થાપવા શ્રીધરને ઉમેદ છે.
પધશ્રીના ઈલ્કાબ ઉપરાંત ભારતના પ્રધાન મંત્રીને સલાહ આપતી National Security Council માં પણ તેની વરણી થઈ છે. દેશના શિક્ષણને નવી તરાહ આપવાની પાયાની નીતિ નક્કી કરવાના યજ્ઞ કાર્યમાં પણ તે યથોચિત ફાળો આપી રહ્યો છે.
અંગત જીવનમાં તેની પત્ની પ્રમીલા શ્રીનિવાસન, ભાઈ કુમાર અને બહેન રાધા છે.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Sridhar_Vembu
https://twitter.com/svembu?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
https://www.forbesindia.com/article/big-bet/cover-story-sridhar-vembus-vision-from-the-village/59833/1
https://www.zoho.com/index1.html
Like this:
Like Loading...
Related
સાચા ભારતીય સંસ્કાર વતનના વ્હાલ કેમ વિસરે.