આજનો સુવીચાર

May 13, 2008 at 1:30 am | In સુવીચાર | No Comments

હે, પ્રભુ!
મને મ્રુત્યુમાંથી જીવન તરફ ;
અસત્યમાંથી સત્ય તરફ;
નીરાશામાંથી આશા તરફ ;
ભયમાંથી વીશ્વાસ તરફ;
ધીક્કારમાંથી પ્રેમ તરફ;
યુધ્ધમાંથી શાંતી તરફ
લઈ જા.

આપણાં હ્રદય,
આપણી દુનીયા,
સમસ્ત વીશ્વ
શાંતીથી ભરાઈ જાઓ.

શાંતી, શાંતી, શાંતી.

- મધર ટેરેસા

આજનો સુવીચાર

May 12, 2008 at 1:30 am | In સુવીચાર | No Comments

ગરીબોને માટે પ્રેમમાં તમે આનંદ મેળવો
અને એ તમને જે કોઈ મળે તેની સાથે વહેંચો.
યાદ રાખો કે પ્રેમથી કરેલાં કાર્યો
મનની ઠંડક પેદા કરે છે.
ઈશ્વર તમને આશીશ આપે.

- મધર ટેરેસા

હાઈવે પરનો એક્ઝીટ – એક અવલોકન

May 12, 2008 at 1:00 am | In અવલોકન, સુરેશ જાની | No Comments

     દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નીશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વીના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતીએ જવું પડે છે. વચ્ચે રુકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફીક સીગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દીશામાં માત્ર એક એક જ લેન.

         આથી દરરોજ એ હાઈવેનો સહારો અચુક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નીશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રીયા. આ બન્ને માટે એક્ઝીટનો સહારો લેવાનો.

        હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝીટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દુર હોય ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતી વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે  – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય. ચાલો હવે નીરાંત – ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.

         હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝીટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના 35-40 માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.

         બે હાશકારા – પણ બન્નેની અનુભુતી અલગ. એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ. પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય સુધીનું અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ. પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ.
ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તી, વીશેશ ધ્યાન, વીશેશ સતર્કતા માંગી લે છે. એમાં વીશેશ જોખમ છે. નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.

       રસ્તો ટુંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવ્રુત્તી થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઉતારમાંથી પસાર થવું પડે.

        પર્વત ઉપર ચડવાનું અને ઉતરવાનું – એમાં પણ આ જ અનુભુતી દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.

        જીવનમાંય આમ જ છે ને વારુ?

આજનો સુવીચાર

May 11, 2008 at 1:30 am | In સુવીચાર | No Comments

તમે કેટલું કરો છો તેનાથી નહીં,
પણ તે કેટલા પ્રેમથી કરો છો;
તેનાથી ઈશ્વરને તમારી ભેટ વધારે સુંદર બને છે.

- મધર ટેરેસા

આજનો સુવીચાર

May 10, 2008 at 1:30 am | In સુવીચાર | No Comments

     જો તમને કોઈક ચીજ ગમતી ન હોય, તો તે બદલી નાંખો. જો તમે તે બદલી શકો તેમ ન હો તો, તમારો અભીગમ બદલી નાંખો. પણ કદી ફરીયાદ ન કરો. ફરીયાદ તો કાયરો જ કરે છે.

- માયા એન્જેલુ

આજનો સુવીચાર

May 10, 2008 at 1:30 am | In સુવીચાર | No Comments

મૌનનું ફળ પ્રાર્થના છે.
પ્રાર્થનાનું ફળ શ્રધ્ધા છે.
શ્રધ્ધાનું ફળ પ્રેમ છે.
પ્રેમનું ફળ સેવા છે.
અને સેવાનું ફળ શાંતી છે.

– મધર ટેરેસાના વીઝીટીંગ કાર્ડ પરનો સંદેશો

લો! ટીકીટ મળી!

May 9, 2008 at 11:00 pm | In સુરેશ જાની, સ્વાનુભવ | 9 Comments

      શીયાળાની સવારનો સમય છે. સુરેશ! તમારી અમદાવાદી કાયાને અહીંનો કડકડતો શીયાળો બહુ અનુકુળ નથી. તમારો નાનકડો દોહીત્ર પણ ભલેને જન્મે અમેરીકન હોય; તેની નાનકડી જીંદગીનો મોટકડો ભાગ અમદાવાદમાં જ પસાર થયેલો છે. એટલે બન્ને ચીત્તવ્રુત્તીએ તો અમદાવાદી જ! આ ઓવરકોટ અને બુટ મોજાંનાં ઠઠારા  વેંઢારવાં બન્નેને બહુ આકરાં લાગે છે. તમે બાબલાને માંડ મનાવીને ડે-કેરમાં ઉતારી જવા તૈયાર થઈ ગયેલા છો. માલીપા ગલગલીયાંય ખરા જ તો કે, આ બાબલું વીદાય થાય, એટલે તમે તમારી ગઈ કાલે અધુરી મુકેલી ગુજરાતી ચોપડીમાં ફરી ડુબી જાઓ અને ઓલ્યા દેશી નેટમીત્રોને ઈમેલીયા સલામ મારી દ્યો.

      પણ ઓલ્યો બાબલો? એને શી રીતે ઈસ્કુલ જવા સમજાવી શકાય? એનેય એનાં મનગમતાં કાર્ટુન ના જોવાં હોય? માંડ માંડ કેટકેટલી લાલચ આપી તેને તૈયાર કર્યો છે. આજે તો બપોરે જરુર તમે વહેલા તેને લેવા પહોંચી જવાના છો; તેવી હૈયાધારણ દસમી વાર આપી ચુક્યા છો. ત્યાં તમારી ‘ઈવડી એ’ તમારી વ્હારે ધાય છે. જમાઈ કાલે જ તેને મનગમતી કેન્ડી લાવેલાં છે; તેમાંની એક બાબલાના હાથમાં તે પકડાવી દે છે; અને બાબલાને મસમોટું પ્રોમીસ આપી દે છે કે સ્કુલેથી આવશે એટલે બીજી મળશે.

       છેવટે તમારી અને બાબલાની સવારી ઉપડે છે. આમ તો ડે-કેર ઘરથી એક માઈલ દુર જ છે.  દેશની ગલીકુંચીના માહેર એવા તમનેય, અમેરીકાની ગલીકુંચી જેવા અહીંના રસ્તા વધારે ફાવે છે. કોલમ્બસે અમેરીકા શોધી નાંખ્યો હતો, એ કક્ષાની તમારી મહાન શોધના પ્રતીક, એવા તમારા આ રોજના રસ્તે તમે ગાડી હંકારો છો. બાબલાને તો ડેડી ઝાકઝમાળ રસ્તે ગાડી પુરપાટ લઈ જતા હોય તે વધારે ગમતું હોય છે; એટલે તેનો નવો કકળાટ ચાલુ જ.

       ‘ દાદા! યુ આર એ બેડ બોય. ‘

      તમે આ રોજની ગાળ સમસમીને ખાળી લો છો; અને તમારા બાળપણમાં તમે કેવા શીયાંવીયાં થઈ, બાપના બધા જુલમો (!) અને આપખુદી ખમી લેતા હતા; તે વીચારોને હજારમી વાર મમળાવો છો. અમેરીકન પ્રજાને રોજની ગાળ પણ મનમાં સરી પડે છે. છેવટે સ્કુલ આવી પુગે છે. ફરી બાબલાનો રડમસ ચહેરો તમારી અંદર દયાભાવ પ્રેરે છે. ફરી દસમી વાર તેને બપોરે વહેલા તેડી જવાનું રેડીમેડ પ્રોમીસ તમે આપી દો છો. આમ માંડ માંડ તમને આજના દીવસની તમારી છ કલાકની નાનકડી અને મીઠી મધ જેવી મુક્તીની મહાન ઉપલબ્ધી થાય છે.

        તમે એજ ગલીકુંચીના રસ્તે પાછા જવા વળો છો. અને વીચારોનાં ધણ તમને ઘેરી વળે છે.

       ‘  દેશમાં આવાં કુમળાં બાળકો પર આવો જુલમ હોય? ( જોકે, હવે તો ત્યાંય પ્રી-નર્સરીઓએ મમ્મીઓનું કામ સરળ બનાવી દીધું જ છે ને ?! ) તમારી દીકરી અને જમાઈ ગાડાના પૈડા જેવા ડોલર આ ડે-કેર માટે ખર્ચે છે – તમને આ છ કલાક મુક્તી મળે તે માટે. અમેરીકામાં તમારા જેવાં બીજાં ગલઢાં આટલાં ખુશનસીબ નથી. એમનો  બરાબર કસ તેમનાં દીકરા-દીકરીઓ કાઢી નાંખે છે. આખો દી’ એમને પૌત્ર-પૌત્રી કે દોહીત્ર-દોહીત્રી સાથેની મગજમારીમાંથી ક્યાં કશો સમય જ મળતો હોય છે?’

       આવા અનેકમી વાર કરેલ વીચારોથી તમે તમારા વતન-ઝુરાપાને માંડ માંડ ખાળો છો.

       ‘ દેશમાં બગીચાની પાટલી પર સમવયસ્ક કાકાઓ અને દાદાઓની સાથે દેશના રાજકારણની કેવી ચર્ચાઓ ચાલતી હોય? કેવી જ્ઞાન વીજ્ઞાનની અને પોતાના નોકરીકાળના અનુભવોની આપલે તેમની સાથે કરતા હો?’

        મન ફરીને ખાટું ખાટું થઈ જાય છે, અને દેશની એ ધુળીયા ગલીઓ માટે ઝુરવા લાગી જાય છે.

       અને ત્યાંજ રીયર વ્યુ મીરરમાં લાલ, લીલી, પીળી બત્તીઓ ઝબુકતી દેખાવા માંડે છે. તમે સફાળા વાસ્તવીકતાની ધરતી પર પાછા ફેંકાઈ જાઓ છો. પોલીસની ગાડી તમને હવે દ્રશ્ટીગોચર થાય છે. (અહીં પોલીસને કૉપ કહે છે – એક જાતનો કોપ જ સમજોને?! ) કોઈ જાતની સાધના વગર તમને એ મહાન સત્યની તરત અનુભુતી થઈ જાય છે કે, તમે સ્ટોપ સાઈન આગળ ‘થોભો, જુઓ અને જાઓ’ ( Stop, Look and Go) નો સુવર્ણ સીદ્ધાંત ચુકી ગયા છો.

       અને એ ભયંકર દીવાસ્વપ્ન તમારી સામે હવે નગ્ન સત્ય બનીને સાકાર બને છે. તમારી પાસે અહીંનું ડ્રાઈવીંગ લાયસન્સ નથી. હજુ સ્વર્ગના પ્રવેશદ્વાર જેવું ગ્રીનકાર્ડ પણ તમારી પાસે નથી. દેશમાંથી છસો જ રુપીયા આપીને મેળવેલું ડુચા જેવા સરકારી કાગળ પરનું ઈન્ટરનેશનલ લાયસન્સ પણ તમે ખોઈ બેઠેલા છો. અત્યારે તમારા કબજામાં માત્ર તેની ફોટોકોપી જ છે. ભરશીયાળામાં તમે પસીને રેબઝેબ બની જાઓ છો.

       થોડીવારમાં તમારી જ ઉમ્મરનો, દૈત્ય જેવો લાગતો પોલીસમેન તમારી પાસે આવી જાય છે. તેના હાથમાં જમદુતના હાથમાં પાડાની રાશ હોય, તેવી ટીકીટની ચોપડી છે. તે તમારું લાયસન્સ માંગે છે. તમે ધ્રુજતા હાથે પેલી ફોટોકોપી તેને સુપ્રત કરો છો. તેની ગોટપીટ જેવી ભાશાનો એક પણ અક્ષર તમારી સમજમાં આવતો નથી. અથવા તમે અમદાવાદી ચાલાકીથી સમજ્યા નથી તેવો ડોળ કરી લો છો ! તમે માંડ માંડ તેને સમજાવો છો, ‘નો ઈંગ્લીશ, ઈન્ડીયા.’ તમારા પોણા ભાગના બોડા માથાં પરના થોડા ઘણા ધોળા વાળની દયા ખાઈને તે તમને ટીકીટ પકડાવી દે છે. પાંચ દીવસ પછી કોરટમાં હાજર થવાનું છે. ઘર તો સાવ ઢુંકડું જ છે, પણ તમને તે જોજન દુર લાગે છે. ઘેર તમારી ઉપર દાદી કેવી પસ્તાળ પાડશે; તેની પુર્વધારણા તમારા સમસ્ત હોવાપણાને (!) કમકમાવી દે છે. પેલા કૉપનો કોપ તો એની શું વીસાતમાં?

        ઘેર જઈ તમે તમારી કરમ કઠણાઈ તમારી ઈવડી એને સંભળાવો છો. પણ તમારા સદનસીબે તેનાંય હાંજા ગગડી જાય છે. તેણે આપેલી ’હશે’ ની હૈયાધારણ તમને મધમીઠી લાગે છે. સંવનન કાળનો તેની પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવે છે. તે આજે દયાની દેવી તમને લાગે છે. તે તરત આજની આ ભયંકર ઘટનાનો રીપોર્ટ દીકરીને આપવા કાર્યરત બને છે. અને તમે ઓવરકોટનાં આવરણ ફગાવી મુક્ત બનો છો. પસીનો લુછી, ટેબલ પર પડેલા દેશી ફાફડાના નાસ્તાથી તમારા વીક્ષુબ્ધ ચીત્તને આશાયેશ આપો છો. આખા ઘરમાં ફરી એક વાર, ખોવાઈ ગયેલા પેલા ઓરીજીનલ લાયસન્સની વ્યર્થ શોધ દસમી વાર આરંભી; આ દુસ્વપ્નને ભુલવા તમે પ્રયત્ન આદરો છો.

       પાંચ દીવસ પછી તમારા જમાઈની સાથે તમે કોર્ટમાં પહોંચી જાઓ છો. તમને તો એમ જ કે પાંચ દસ મીનીટમાં આ અમેરીકન સીસ્ટમ તમને છુટા કરી દેશે. પણ સરકારી દફ્તર એટલે સરકારી દફ્તર. બે કલાકે તમારો નમ્બર લાગે છે. તમારા જમાઈ પેલી કાઉન્ટર પરની વીદેશી જન્નતની હુરને માંડ માંડ સમજાવી શકે છે કે, તમારી પાસે લાયસન્સ કેમ નથી. તે ‘ ઓકે! ઓકે! ’ કરીને 111 ડોલરની દંડની રકમ વસુલ કરે છે. આ ગાડાના પૈડા જેવી રકમ સાંભળી તમારા તો હાંજાં જ ગગડી જાય છે. પણ તમારા દરીયાદીલ જમાઈ તરત તમને સાંત્વના આપે છે, ‘બાપુ! એ તો સારું થયું કે, એ આ ફોટોકોપી પરથી માની ગઈ. હવે પંદરેક દીવસમાં તમારું અહીંનું લાયસન્સ આપણે કઢાવી લેશું.‘

        સાંજે ઘરનાં બધાંની સાથે આજની બાબત ચર્ચાય છે. બધા તમને અભીનંદન આપે છે - સલામત છુટવા માટે.

         તમે તો બાપુ ‘ દેશ ભેગા થવું પડશે કે, થવા મળશે! ’ તેવી મીઠી કલ્પના પણ કરી બેઠેલા હતા! તમે દીકરીને કહો છો :  ” અરે, મુન્ની! એ મફતલાલને દસ ડોલરનું બીલ ( ડોલરની નોટ જ સ્તો !) પકડાવી દીધું હોત, તો મુળાના પતીકા જેવા આ 111 ડોલર બચી જાત. “

      તરત મુન્ની તમને ચીમકી આપે છે :  ” બાપુ! આ અમદાવાદ નથી. ભુલેચુકેય ભવીશ્યમાં એમ ન કરતા. પોલીસને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરવા માટે બીજી ટીકીટ મળત;  અને 500 ડોલર વગર પતત નહીં.”

       તમે વીચારતા થઈ જાઓ છો :  “આપણી સીસ્ટમ આનાથી વધારે સારી. નહીં વારુ ? પ્રાઈમ મીનીસ્ટરથી પટાવાળા સુધી ચાલે!“

—————————-

જાન્યુઆરી - 2001 ના સ્વાનુભવ પર આધારીત; થોડાઘણા મરી-મસાલા સાથે !

આજનો સુવીચાર

May 9, 2008 at 1:30 am | In સુવીચાર | 1 Comment

જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનીયમ’ છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

- સ્વામી વિવેકાનન્દ

સાભાર - ચીરાગ પટેલ 

આજનો સુવીચાર

May 8, 2008 at 1:30 am | In સુવીચાર | 2 Comments

વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

- સ્વામી વિવેકાનન્દ

સાભાર - ચીરાગ પટેલ 

ડ્રાય સોનામાં ઈલેક્ટ્રીશીયન - – એક અવલોકન

May 8, 2008 at 1:00 am | In અવલોકન, સુરેશ જાની | 1 Comment

      હું ડ્રાય સોનામાં તપાવા બેઠો હતો – પસીને રેબઝેબ. ત્યાં અંદર એક કામ કરવાની સીડી પડેલી હતી. થોડી વારમાં એક ઈલેક્ટ્રીશીયન અંદર આવ્યો. સીડી પર ચઢી તેણે નહીં ચાલતા વીજળીના દીવાની શેડ ખોલી, લેમ્પ બદલી નાંખ્યો. શેડ સાફ કરી તેણે ફરી પાછી લગાવી દીધી. દીવો ચાલુ કરી નાંખ્યો. પછી તેની બાજુમાં તાપમાન માપવા માટેનું થર્મોમીટર હતું, તે પણ દીવાલ પરથી તેણે ઉતાર્યું. તેને લટકાવવાનો સ્ક્રુ પણ કાઢી નાંખ્યો. અને પાછો પેલા દીવાની નીચે એ સ્ક્રુ ફીટ કરી દીધો. પાછું થર્મોમીટર લગાવી દીધું. આ બધી ક્રીયા તેણે સાદા ડીસમીસથી કરી. અહીં અમેરીકામાં તો બધા ડગલે ને પગલે પાવરથી ચાલતાં સાધનો વાપરે.

       હવે મારાથી ન રહેવાયું. મેં કહ્યું, “ અરે, ભાઈ! તમે બરાબર મારા જેવા જ છો. હું પણ કામ કરું ત્યારે મને એ ઈલેક્ટ્રીક સ્ક્રુ ડ્રાઈવર વાપરવાનું ગમતું નથી. સહેજ બેધ્યાન રહીએ અને સ્ક્રુનું માથું ખરાબ થઈ જાય અને પછી એને કાઢતાં દમ નીકળી જાય. “

       એ ભાઈ તો મારા આ વક્તવ્યથી એકદમ આનંદમાં આવી ગયા. તેના કંટાળાજનક કામમાં મારા જેવા ઘરાકે રસ લીધો તેનો આનંદ તેના મુખારવીંદ પર તરત જણાઈ આવ્યો. પછી તો અમે ઘણી બધી વાતો કરી. તેની એકધારી અને નીરસ કામગીરીમાં ઉપરી સીવાય કોઈએ તેની સાથે આજે વાતો કરી હતી.

        સામાન્ય રીતે આવી વ્યક્તીઓ જાણે હોય જ નહીં; એમ આપણા પોતાનામાં જ આપણે ગુલતાન હોઈએ છીએ. કામ કરનાર માણસ એટલે નોકર; આપણાથી હલકો માણસ. એની સાથે તે વળી વાત કરાય? આમ જ તો બધા સમાજોમાં ઉંચા નીચાના ભેદ ઉભા થાય છે, વકરે છે. વર્ગ વીગ્રહ સુધી પહોંચી જાય છે. જેના થકી બધી વ્યવસ્થા સાંગોપાંગ ચાલી રહેતી હોય છે, તેવા આવા અદના માણસો મોટે ભાગે ઉપેક્ષીત જ રહે છે.

       એ ભાઈની સાથે મેં થોડી આમ વાત કરી, તેનાથી તેને તો આનંદ તો થયો જ; પરંતુ મને પણ થયો. એક નાનકડા હકારાત્મક બીજનું વાવેતર થયું હતું. એક નાનકડી શુભેચ્છા પ્રગટી હતી.

Next Page »

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.