સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્વેત પર છાયી – શ્રી. કનક રાવળ

મારાથી ઉમ્મરમાં કમસે કમ ૧૨ વર્ષ મોટા, બુઝુર્ગ મિત્ર શ્રી. કનક રાવળનું આ પ્રણયકાવ્ય વાંચતાંની સાથે જ ગમી ગયું.

મૂળ પી.ડી.એફ. ફાઈલમાંના ‘ ગોપિકા’ ફોન્ટમાંથી રૂપાંતરણની મજા પણ ભરપેટ માણવા મળી.

————————————

પારિજાત

સમો દીવાળીની રાત, શરદના શીતળવા

ટમટમ્યાં અગણીત તારક તારિકા અમાસ આકાશે

રચાયો રાસ રત્નરાશીનો

આનંદ ઓઘ વરતાયો નભમંડળે

પલકારામા ભાગ્યા સૌ નિજી સ્થાને ભુલી પાછળ ઓંછાયા

આવતાં સવારી ભવ્ય સૂર્ય મહારાજની

ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે

પથરાયાં ત્યાં શ્વેત પારીજાત પુષ્પો

જુક, પંચપત્તી, રક્‌તશીખાધારી

મઘમઘી દિશાઓ પૂષ્પગાને,

યાદી ભરી ગતરાત્રી સંવનોની,

મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,

થયું ભાથુ ભેગું અતિત ઓવારે

રહી બાકી શ્વેત પરછાયી

– ધરી રક્‌તબીંબ અધરે

—————————————

કનક રાવળ, જાન્યુઆરી ૨૦૦૩

4 responses to “શ્વેત પર છાયી – શ્રી. કનક રાવળ

  1. સુરેશ જાની નવેમ્બર 21, 2011 પર 9:25 એ એમ (am)

    શૃંગારની આટલી સરસ માવજત , અને ઘણાં જાણીતાં પારિજાતના ફૂલોનો ઉપમા તરીકે આવો ઉપયોગ…

    અદભૂત

  2. pragnaju નવેમ્બર 21, 2011 પર 9:54 એ એમ (am)

    પારિજાતના તીવ્રગંધી પુષ્પો વિણ્યાંનું , એનો હાર બનાવ્યાનું સ્મરણ છે. મોડી રાત્રે આખા બગીચા અને બારી વાટે આખા ઘરને ભરી દેતી એની મત્ત ખુશબોનો અનુભવ છે. ક્યારેક કાકાને ઓશિકા પાસે આ પુષ્પોની નાની ઢગલી કરીને સૂતા જોયાનું પણ યાદ છે.

    પારિજાત સાથે જોડાયેલી આ કિંવદંતીઓ નાનપણમાં બા પાસેથી સાંભળેલી. ભુલાવાને આરે આવેલી આ વાતો ફરી તાજી થઈ ગઈ.

    એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

    એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

    પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

  3. nabhakashdeep નવેમ્બર 21, 2011 પર 8:01 પી એમ(pm)

    એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.
    …………………………………….

    મઘમઘી દિશાઓ પૂષ્પગાને,

    યાદી ભરી ગતરાત્રી સંવનોની,
    ……………………………………
    જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.
    ……………..ગમી ગયું.

    Ramesh Patel(Aakashdeep)

તમારા વિચારો જણાવશો?