સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૩, જુબા, સુદાન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

       તે દિવસે વહેલી સવારે બ્રાયને તેને માંડ માંડ ઊઠાડી હતી. રોજના નિયમ મુજબ, ઘણી વહેલી સવારે, હેરિયેટ તો ઊંઘતા રિચાર્ડને તેડીને કિબુયે માર્કિટમાં શાક ખરીદવા નીકળી ગઈ હતી. ફિયોનાએ ચિઢાઈને કહ્યું,” થોડું ઉંઘવા દે ને. ક્યાં દૂર જવાનું છે?”

     બ્રાયને કહ્યું,” જો તું એરપોર્ટ જવાની બસ ચૂકી જાય; તો હું ગુનામાં આવું.”

     ફિયોના,” વહેલી સવાર સવારે આમ મજાક ના કર.” અને તેણે ફરી આંખો મીંચી દીધી.

      બ્રાયને હવે કપડાં ધોવાનો ધોકો હાથમાં લીધો; અને ફિયોનાને અડાડ્યો.

     ફિયોના સફાળી ઊભી થઈ ગઈ; અને ઝટપટ તૈયાર થઈ ગઈ. ફિયોનાનાં બધાં જ સારાં કપડાં ભરીને બેગ તો આગલી રાતથી જ તૈયાર રાખેલી હતી, પણ બ્રાયનની બેગ બનાવી ન હતી; તેનું અચરજ ફિયોનાને રાતથી જ હતું. બન્ને ભાઈબહેન લગભગ દોડતા જ મુગેરવાની ઓફિસે પહોંચ્યાં હતાં. મીનીબસ તેમની જ રાહ જોઈ રહી હતી. તેમની સાથે બેન્જામિન અને ઈવાન તો હતા; પણ સાથે ઈવાનની મા એનેટ નકીવાલા અને બેન્જામિનની બહેન અને ફિયોનાની પહેલી શિક્ષક ગ્લોરિયા પણ હતાં! હવે ફિયોનાને શંકા પડી કે, એનેટ બધું કામ પડતું મુકીને આમ સ્પર્ધામાં કેમ આવે છે?

      તેણે પૂછ્યું,” આજે તમે રજા રાખી છે?”

       એનેટ બોલી,”હા. હું કામે મોડી જઈશ. તું, ઈવાન અને બેન્જામિન સુદાન જાઓ; તો પ્લેન સુધી તમને વિદાય કરવા કોઈક મોટાએ તો આવવું જ જોઈએ ને?” પણ હજુ ફિયોનાના મગજમાં ઊતરતું ન હતું કે, ‘તેમના જેવાં સાવ મુફલિસો તો કાંઈ પરદેશ જઈ શકે ખરાં? એવું તો બહુ મોટ્ટા લોકોના જ નસીબમાં હોય ને?!’

       કોટવેથી બસ ઉપડી. કિબુયે માર્કિટ પાસેના ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ ગઈ; ત્યાર પછીનો રસ્તો પાકો અને ફિયોના માટે સાવ અજાણ્યો હતો. ઉંઘથી ભરેલી આંખે તે જોઈ રહી કે, તેમની બસ દક્ષિણ દિશા તરફ જઈ રહી હતી. તેને અચરજ તો થયું જ કે, આમ નગરના મધ્ય ભાગથી દૂર બસ ક્યાંક અવળી દિશામાં કેમ જઈ રહી છે? અત્યાર સુધીની બધી સ્પર્ધાઓ તો ઉત્તર દિશામાં કમ્પાલામાં અથવા ઈન્ટર પ્રૉજેક્ટ સ્પર્ધાઓ પશ્ચિમ દિશામાં મગીબીમાં યોજાતી હતી. કદાચ એનેટ અને બ્રાયન કહે છે; તેમ હોય પણ ખરું! અને આ શંકા કુશંકામાં તેની આંખો ફરીથી ઘેરાઈ ગઈ.

      તેની આંખ ખૂલી ત્યારે તેઓ કોઈક જુદી જ જગ્યાએ આવી પહોંચ્યાં હતાં. જેમને માત્ર જમીન પરથી અને સાવ રમકડા જેવડાં જ જોયાં હતાં, તેવાં અનેક વિમાનો ઊડવા માટે તૈયાર ઊભાં હતાં; તેવા એન્ટેબે એરપોર્ટ નજીક બસ તેમને લાવી હતી.

entebbe

        ૨૦૦૭ની સ્પર્ધામાં ચેમ્પિયન તરીકેની ટ્રૉફી જીતી લીધા બાદ, ફિયોનાએ ૨૦૦૮ અને ૨૦૦૯માં પણ તે જાળવી રાખી હતી. હવે તે પોતે ટ્રૉફી કરતાં થોડીક ઊંચી થઈ ગઈ હતી! ૨૦૦૯ના ઉનાળાના પાછળના ભાગમાં, પહેલવહેલી વાર, UNESCO અને FIDE (Federation Internationale des Echecs) ના સંયુક્ત ઉપક્રમે આફ્રિકાનાં બાળકોમાં ચેસની રમતને વધારે પ્રચલિત કરવા અને ‘યુનો’ના શાંતિમય સહઅસ્તિત્વના કાર્યક્રમના એક ભાગ રૂપે જુબા, દક્ષિણ સુદાન ખાતે આફ્રિકન દેશોનાં ૧૬ વર્ષથી નાનાં બાળકો માટેની સ્પર્ધા યોજાઈ હતી. દરેક દેશે બે છોકરા અને એક છોકરી, એમ ત્રણ બાળકોને મોકલવાનાં હતાં. યુગાન્ડાની ત્રણ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બનવાને કારણે ફિયોનાનું નામ તો નિશ્ચિત જ હતું, પણ છોકરાઓમાંથી આ માટે યોગ્યતા ધરાવતાં ઉચ્ચ વર્ગનાં વાલીઓએ સ્લમના બાળક સાથે પોતાના બાળકને મોકલવાની પરવાનગી આપી ન હતી. આમ ઈવાન અને બેન્જામિન બન્નેનો સમાવેશ આ સ્પર્ધામાં કરવો પડ્યો હતો. જ્યારે રોબર્ટે આ નિર્ણયની જાણ ત્રણે જણને કરી, ત્યારે તેમણે એને મજાક જ ગણી હતી; અને એ વાત ભૂલી જ ગયા હતા.

       હા, ફિયોનાનો પાસપોર્ટ બનાવવા માટે તેની સહી ફોર્મમાં રોબર્ટે લીધી હતી; પણ તેના જન્મ અંગે વિગતો ન હોવાને કારણે બહુ વાર થઈ હતી. જો ગોડફ્રે ગલીએ પોતાની વગ વાપરીને એ બાબતે રસ ન લીધો હોત; તો સરકારી તંત્રમાંથી ફિયોના માટે પાસપોર્ટ મેળવવાનું શક્ય જ ન બન્યું હોત!

     એરપોર્ટ પર ગલીએ આ ત્રણે બાળકોનું સ્વાગત કર્યું. તે તેમના વાલી તરીકે જુબા સ્પર્ધામાં હાજર રહેવાનો હતો. ચૌદમી સદીનો કોઈ ગામડિયો મોટા શહેરની ચમકદમક ને રોશની જોઈને અંજાઈ જાય; તેમ ફિયોના અને એના સાથીઓ આ માયાવી નગરી જેવું એરપોર્ટ વિસ્ફારિત નજરે જોઈ રહ્યાં. સુરક્ષા તપાસ પતાવીને ફિયોનાએ એરપોર્ટની બારીમાંથી એનેટ, બ્રાયન અને ગ્લોરિયાને રડતાં જોયાં, ત્યારે તેને છેવટે ખાતરી થઈ કે, તે ખરેખર પરદેશ યાત્રા પર જઈ રહી છે!

     છેવટે પ્લેન ઉપડ્યું. ફિયોનાને તો તરત ઉલટી જ થઈ ગઈ. થોડી સૂધબૂધ આવતાં, પ્લેનની નીચે વાદળો જોઈ, ફિયોનાએ ગલીને પુછ્યું,” આપણે સ્વર્ગમાં છીએ?”

      ગલીએ હસીને કહ્યું,” ના! એ તો હજી થોડુંક વધારે ઊંચું છે!”

      અવનવી રીતે જમવા માટે આપેલો નાસ્તો એ ત્રણ જણને શી રીતે ખાવો; તે પણ ગલીએ શીખવવું પડ્યું! અને આમ ૯૦ મિનિટના અવનવા આશ્ચર્યો બાદ વિમાને જુબાના એરપોર્ટ પર ઉતરાણ કર્યું.

juba

         જ્યારે બધાં ઉતારાની હોટલમાં પહોંચ્યાં, ત્યારે ફિયોના જિંદગીમાં પહેલી વાર પોતાને માટે અલગ પથારી જોઈ, માની ન શકી કે, તેમાં તેણે એકલીએ સૂવાનું છે! અલબત્ત, તેની સાથે રૂમમાં કેન્યાની બીજી એક છોકરી પણ હતી, પણ તેની સાથે તે કશી વાતચીત કરી શકે તેમ ન હતી. અંગ્રેજી તો ઠીક, બન્નેની માતૃભાષા પણ સાવ અલગ અલગ હતી. હોટલના રૂમમાં પણ કેટલાં બધાં આશ્ચર્યો હતાં? ટીવી, એરકન્ડિશનર, ફ્લશ થઈ શકે તેવું ટોયલેટ, અને શાવર બાથ! તેણે અગણિત વખત, એ ટોયલેટને ફ્લશ કર્યે જ રાખ્યું, એ અવાજ અને એ ઘુમરીઓની મજા તેણે માણ્યે જ રાખી. શાવર ચાલુ કરતાં જ ઠંડાગાર પાણીથી તે ભીજાઈને ગભરાઈ ગઈ. ગરમ પાણીનો અલગ નળ પણ હોય, તે પેલી કેન્યન સાથીએ તેને શિખવાડ્યું!

       કોટવે, કમ્પાલા કે યુગાન્ડા સિવાય અને અનેક આશ્ચર્યોથી ભરપૂર, પણ કોઈ જગત હોઈ શકે, તેની ફિયોનાને પહેલી વાર પ્રતીતિ થઈ.


….ક્રમશઃ


ચર્ચાની એરણે

તમારી પહેલી પ્લેન / ટ્રેન યાત્રા વિશે અમને જણાવશો? આ લખનારની પહેલી ટ્રેન યાત્રા આ રહી !

https://gadyasoor.wordpress.com/2007/09/06/first_travel/

રેફરન્સ :

http://www.fide.com/fide.html

2 responses to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૩, જુબા, સુદાન

 1. pragnaju ઓગસ્ટ 17, 2015 પર 8:10 પી એમ(pm)

  ફિયોનાની વાતથી અમે ગામથી મુંબઇ જતા તેવા અનુભવની વાતની નોસ્ટેલજીક યાદ આપી.
  અને ક્લીક થતા …
  હવે ‘ તમારી પહેલી પ્લેન / ટ્રેન યાત્રા વિશે અમને જણાવશો ? સૂરસાધના પર વાત આગળ ચલાવીએ
  અમારા પિતાજી રેલ્વેમા કામ કરતા તેથી જીવનના પહેલા વર્ષ જ આરામથી મુસાફરી કરી હતી
  તેવી પ્લેનની મુસાફરી મુંબઇથી દીલ્હી બાળપણમા કરી હતી તેની કોઇ યાદ નથી.શરુઆતની મુસાફરીમા ગંમ્મત કરતા કે મુસાફરી પહેલા સમજાવતી હવાઇ પરીને પૂછાય કે-‘વિમાનમાં આગ લાગે કે વિમાન તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થાય તો લાઈફ જેકેટ હું ન જાતે પહેરી શકું કે ન પહેરાવવાની કોઈને વિનંતી કરી શકું. આ સંજોગોમાં અત્યારથી જ લાઈફ જેકેટ પહેરીને બેસી શકાય કે કેમ ?પાશ્ચાત્ય સભ્યતા અને આપણું અજ્ઞાન ભેગાં થાય છે, ત્યારે પાશ્ચાત્ય સભ્યતા મુજબ વર્તતાં આપણને ફાવતું નથી અને અજ્ઞાનનો સ્વીકાર કરવા જેટલી પ્રામાણિકતા આપણે બતાવી શકતાં નથી. આ સત્યનો સાક્ષાત્કાર થયો.
  અમે અમેરીકાની મુસાફરી કરવાના હતા તે પહેલા અમારા બનેવીને અમદાવાદના પ્લેનક્રેશમા ભડથુ થતા જોયા હતા.ત્યારે અમારો દિકરો ચિ પરેશ ફાયરઓફીસર તરીકે અમદાવાદમા જ હતો.ભડથુ બોડીમા વીંટીથી બોડીને નામ અપાયું.૧૯૮૯ અને ૧૯૯૪ની તક જતી કરી પણ ૧૯૯૫મા અમારી ખૂબ જરુર હોવાથી જીવનની પહેલી લાંબી મુસાફરી કરી અહીં આવ્યા તેમા આકાશમાના દશ્યની કાવ્યમયતા માણવા માટેનું ભાવહૃદય અમારી પાસે અવશ્ય છે. થોડી વારમાં તો નીચે વાદળાં તરતાં દેખાયાં. આ પણ એક આહલાદક અનુભવ હતો. કેટલાક પુણ્યશાળી જીવોને સદેહે સ્વર્ગમાં લઈ જવા માટે વૈકુંઠમાંથી ચાર્ટર્ડ વિમાનો આવતાં એવી કથાઓ આપણાં પુરાણોમાં છે. કદાચ આજે આવી ફેસિલિટી ઉપલબ્ધ હોય તો પણ આવા પુણ્યશાળી જીવોના લિસ્ટમાં અમારું નામ હોવાનો કોઈ સંભવ નથી.આશ્ચર્યપૂર્વક મુસાફરી કરતા
  પુણ્ય ક્ષીણ થયે જીવાત્મા સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછો આવી જાય છે – એવી સંસ્કૃતમાં એક ઉક્તિ છે.અમે પણ એ જ રીતે પૃથ્વી પર પાછા આવી ગયા!
  આના કરતા સાહસ લાગે તેવી મુસાફરીની યાદ…હું બી ડ્બલ્યુ આઇ એરપોર્ટ પરથી બફેલો જવા રવાના થઇ.પ્લેનમા બેસવા બરોબર લાઇનમા હતી પણ બોર્ડીંગ પાસ જોઇ તેના સ્ટાફે મને પાસેની લાઇનમા મોકલી.અને શાંતીથી ઉતરી તો બફેલો એરપોર્ટ બદલાયલું લાગ્યું. લગેજ ગુમ થતા લાગ્યું અને સ્ટાફને લગેજ લોસ્ટની ફરીયાદ કરી તો એણે મારી ટીકીટ જોઈ કહ્યું કે મૅમ , યુ આર ઓલ્સો
  લોસ્ટ ! આ તો માંચેસ્ટર છે.મેં નવાઇ બતાવી તો કહે યસ મેમ ,ન્યુ હેમ્પશાયરનું ! તેણે વાત કરવા અમારા ઓળખીતાનો ફોન # માંગ્યો.મેં મારા ભાણાભાઇનો નંબર આપ્યો અને ગુજરાતીમા સ્થિતી સમજાવી અને તેની સાથે વાત કરવાનું કહ્યું.તે એક ભૂલ કરે તો વૉલસ્ટ્રીટ જરનલમા હેડલાઇન થાય તેવી કાબેલીયત એટલે એણે સ્ટાફમેનને એવો ખખડાવ્યો કે તેણે માફી માંગી મારે માટે વ્હીલચેર મંગાવી અને નાસ્તો કરાવવા લઇ ગયો .$ ૨૦ રોકડા આપ્યા અને બાકીના $નો ડ્રાફ્ટ આપ્યો અને પાછી બી ડ્બલ્યુ આઇ એરપોર્ટ પરથી બફેલો જવાની સગવડ કરી આપી.અમારી દીકરીએ બફેલો વાળી દીકરીને ફોન કરી સ્થિતી સમજાવી અને લગેજનું પૂછતા તેઓએ જણાવ્યું કે તેઓ ઘેર લઇ આવ્યા છે.
  બી ડ્બલ્યુ આઇ એરપોર્ટ પર સ્ટાફનો માણસ છેક સુધી સાથે રહ્યો
  બફેલો પર અમારા ગ્રાંડસન પણ આવ્યો હતો.તે કહે આજી તારે માટે બફેલો વીંગ્સ લાવ્યો છું.મેં પૂછ્યું આવું કાંઇ ખવાય તો તે કહે આ તો અહીંની પ્રખ્યાત વેજીટેરીયન વાનગી …

 2. hirals ઓગસ્ટ 22, 2015 પર 5:51 એ એમ (am)

  ટ્રેનની મુસાફરી તો બહુ નાનપણમાં કરેલી. અને એકલા જાતે ગ્રેજ્યુએશન પછીની એન્ટ્રન્સ ટેસ્ટ માટે પહેલીવાર જાતે એકલા ટ્રેનમાં ગયેલી. પણ મને મારી સૌપ્રથમ અમદાવાદ એરપોર્ટની મુલાકાત (અભ્યાસક્રમના) ભાગ રુપે હતી એની યાદ તાજી થઇ ગઇ.
  ત્યાં પહેલીવાર બધું કેવું મોટું, ચકચકિત, આલિશાન જણાતું હતું. ત્યારે નક્કી કરેલું હું જાતે જ પ્લેનમાં ઉડીશ ને બૅંગલોર પહેલીવખત ઉડેલી પણ ખરી (ઓફિસના ખર્ચે સ્તો (જો કે એ લોકો એ.સી ટ્રેનની ટિકિટના રુપિયા આપે)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: