નેટ મિત્ર અને કોલેજના એક ભૂત પૂર્વ વિદ્યાર્થી શ્રી. અશોક વૈષ્ણવના બ્લોગ પર એક સ્તૂત્ય શ્રેણી શરૂ કરવામાં આવી છે –
એલ.ડી. એન્જિ. કોલેજના જૂના વિદ્યાર્થીઓની યાદદાસ્તો
[ એ બધી વાંચવા/ માણવા અહીં પહોંચી જાઓ. ]
ત્યાં ‘સુજા’નો અનુભવ પણ પ્રકાશિત થયો છે. એ ફરી અહીં………
૧૯૬૧ – જૂન
સુરેશ જાની,
જૂન મહિનાના એ યાદગાર દિવસે તમે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વ્યાખ્યાન ખંડમાં પહેલી વાર પગ મૂક્યો. એ વખતમાં સૌથી વધારે માંગ વાળી મિકે. એન્જિ. શાખામાં અને માદરે વતન અમદાવાદમાં જ પ્રવેશ મેળવવા તમે સદભાગી થયા હતા. બીજા મિત્રોને કાં તો વિદ્યાશાખા કે કોલેજના સ્થળની બાબતમાં સમાધાન કરવું પડ્યું હતું.
પણ તમારા દિલમાં આ બાબત કશો ઉમંગ ન હતો. ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સના આખા વર્ષ દરમિયાન તમે ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રના મનગમતા વિભાગમાં ઘણે ઊંડે સુધી ચાંચ ડૂબાડવા પ્રયાસ કર્યો હતો. બીજા બે સમરસિયા મિત્રોની સંગતમાં તમારો આ રસ કેળવાયો હતો. તમારું સ્વપ્ન હતું – આઈન્સ્ટાઈન કે હાઈસનબર્ગની જેમ એ ક્ષેત્રમાં નામના મેળવવી. અરેરે! કુટુંબમાં આની ખબર પડતાં, ‘આખી જિંદગી માસ્તરગિરી’ કરવાનો? ‘ અને એવાં અનેક દબાણોને વશ થઈ, તમારે એ સપનું સંકેલી લેવું પડ્યું હતું. પણ અંતરનો એ ડંખ શૂળની જેમ સતત ભોંકાયા કરતો હતો.
પહેલું વ્યાખ્યાન શરૂ થયું અને એ શૂળના દર્દની સાથે ગોટપિટ ગોટપિટ ભાષામાં તમને એક પણ વાક્ય ન સમજાયાનું દર્દ ઊમેરાઈ ગયું. તમારું અંગ્રેજી વાંચન સારું હોવા છતાં, સળંગ ગુજરાતી માધ્યમમાં ભણેલા તમે કદી આટલા લાંબા સંભાષણ માટે ટેવાયા ન હતા. રાતે ઘેર આવીને તમારી આંખો આંસુથી ઊભરાતી રહી. ‘સરસ્વતીચન્દ્ર’ની કુમુદ સુંદરીની જેમ ‘ પડ્યું પાનું નિભાવી લેવા’ તમે મજબૂર બની ગયા.
ધીમે ધીમે એ ડૂમો શમવા લાગ્યો, પણ એકાદ મહિના પછી એની અસર તમારી તબિયત પર જણાવા લાગી. સામાન્ય શરદીમાંથી ઊંટાટિયા જેવી અસહ્ય ઉધરસે તમને ઘેરી લીધા. છેવટે સારવાર માટે તમારે કોલેજ જવાનું બંધ કરવું પડ્યું. ભારેખમ દવાઓથી એ હુમલો ખળાયો તો ખરો, પણ બહુ અશક્તિનો દોર શરૂ થઈ ગયો.
ત્રણ મહિનાની લાંબી ગેરહાજરી પછી, બીજી ટર્મમાં સાઈકલ પર કોલેજ જવાની તાકાત જ ન હતી, આથી તમે પાંચ પૈસા કન્સેશનની ટિકિટ પર મ્યુનિ. બસમાં કોલેજ જવાનું શરૂ કર્યું. જતી વખતે તો બેસવાની જગ્યા મળી જતી, પણ પાછા વળતાં થાકેલાં મન અને શરીર પર આખે રસ્તે ઊભા રહેવાની સજા રોજની રામાયણ બની ગઈ.
અંતરનો હાયકારો પોકારી પોકારીને ‘જીવન ઝેર બની ગયું.’ના ગાણાં ગાતું રહેતું. પણ ધીમે ધીમે વ્યાખ્યાનોમાં સમજ પડવા લાગી. મોટા ભાગના વિષયોમાં રસ પણ પડવા માંડ્યો. પણ બાકી રહેલા ટર્મ વર્કનું શું? બધી લેબોરેટરીઓ, ડ્રોઈંગ, અને ખાસ તો શારીરિક શ્રમ માંગી લેતા વર્કશોપના જોબમાં તો ન પૂરી શકાય તેવી ખાધ હતી. ટર્મ ગ્રાન્ટ નહીં થાય અને જિંદગીમાં પહેલી વાર ડ્રોપ લેવો પડશે – એવા ભયનો ઓથાર પણ સતત ઝળુંબી રહયો હતો.
પણ, ‘નિર્બલકે બલ રામ’ એ ન્યાયે તમારા સહાધ્યાયીઓની બેનમૂન મદદ તમને મળતી રહી. વર્કશોપમાં શિક્ષકોની પણ સહાનુભૂતિના સબબે બેળે બેળે જોબ બનતા ગયા. એ સહૃદયી શિક્ષકો અને જિંદાદિલ મિત્રોનાં નામ તો યાદ નથી, પણ એમની સહાય અને હમદર્દીની સુખભરી યાદનું પોટલું જીવનભરની જણસ બની રહ્યું.
છેવટે અભિમન્યૂના બધા કોઠા જીતાયા અને સૌ સંઘર્ષોના અંતિમ પરિપાક રૂપે તમે પહેલા વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ