બધાં ગઝલાવલોકન અહીં ….
તણખલાં ભેગા કરી પંખી સમું
એક ઘર બનાવ્યું છે…
બહારથી સાવ નાનું ,પણ..
અંદરથી મોટું રાખ્યું છે.
માળિયું, ઓટલો ને ઉંબરો તો,
ગામડે જ રહી ગયાં…!!!
પાણીયારાની જગ્યાએ એક R.O. લગાવ્યું છે…!!!
તમે જ કહો આ ત્રીજા માળે
ફળિયું ક્યાંથી લાવવું.???
એટલે લિવિંગ રૂમમાં,
ફળિયાનું એક ચિત્ર ટાંગ્યું છે.!!!
એમાં ઓશરી નથી પણ
મારો આશરો બની જશે,
રસોડાનું કિચન ,ને વાળુનું નામ
અહીં ડિનર રાખ્યું છે…!!!
બાલ્કની સરસ છે, આવી તો
ગામડે પણ નો’તી હોં.!!!
હિંડોળાની જગ્યાએ ત્યાં
બિન-બેગ મુકાવ્યું છે.!!!
હવે જિંદગી આખી જશે
સોરી ને થેંક્યું કહેવામાં.!!!
“જય શ્રી કૃષ્ણ” ની જગ્યાએ મેં,
ગુડ મોર્નિંગ રાખ્યું છે…!!!
કેમ કરી છૂટે વળગણ,
બાળપણની ગલીઓનું…!!!
અંતર મહીં મારું ગામડું
મેં અડીખમ જીવાડ્યું છે.
– રાજેશ ડાભી
મૂળ સ્રોત અહીં
સોશિયલ મિડિયા પર નવોદિત કવિની આ રચના વાંચવા મળી અને તરત ગમી ગઈ.
દરેક શહેરી જણના અંતરનો ચિત્કાર
શહેરી સંસ્ક્રુતિમાં મુરઝાતા, એક નહીં પણ અનેક, નિસર્ગ પ્રેમી જણની મનોવ્યથા, એની આરજૂ આ રચનામાં પડઘાય છે. આખી જિંદગી પંખીની જેમ જહેમત કરીને, પેટ પર પાટા બાંધીને એક નાનકડો ‘ફ્લેટ’ ખરીદ્યો હોય – એ જ , આ લખનાર જેવા લાખો શહેરી મનખનો માળો. બહુ વિગતમાં રાજેશ ભાઈએ એ વ્યથાને અભિવ્યક્ત કરી છે. પણ આ બે પંક્તિઓ બહુ જ ગમી ગઈ.
બહારથી સાવ નાનું ,પણ..
અંદરથી મોટું રાખ્યું છે.
અંતર મહીં મારું ગામડું
મેં અડીખમ જીવાડ્યું છે.
અને આ બે પંક્તિઓમાં જ જીવનની આશા નથી વારુ?
જે છે, તે આ છે.
એ વાસ્તવિકતાનો સ્વીકાર. ભલે ને મુંબાઈના માળા જેવો એ ફ્લેટ નાનકડો હોય, એમાં મન ભરીને મ્હાલવાનો, જીવવાનો આનંદ આપણો પોતીકો હોય છે.
વાસ્તવિકતા તો બદલી શકાતી નથી હોતી, પણ એને સ્વીકારી અંતરના પંખીનો ચહચહતું રાખવાનો અભિગમ અને આપણો જન્મજાત અધિકાર કાંઈ
નાનો સૂનો નથી…. નથી…. અને નથી જ.
Like this:
Like Loading...
Related
હવે તો એવું લાગે છે કે માણસ નું ઘર મોટું ને મન નાના થઇ ગયાં છે