સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક મંદીરની શોધમાં – ભાગ -1

પુરાતત્વની એક સત્યકથા પર આધારીત

      શનીવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઉતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતીના નમુના વીભાગવાર જુદા પાડી રહ્યો હતો. વીશુવવૃત્તીય વીસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષીણે આવેલા એક નાના શા શહેરમાં તે હજુ બે એક અઠવાડીયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરીસથી એ દેશના વીશુવવૃત્તીય જંગલોની વનસ્પતીઓની શોધખોળ કરવા, એક વર્શ પહેલાં નીયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મીક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાશા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવીવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

          બીજા દીવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનીક ભાશામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારીકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નીમંત્ર્યાં. સ્વાભાવીક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનીક ઈતીહાસ , ભુગોળ, રીતરીવાજ વીગેરે વીશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ચા અને બીસ્કીટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સા ચાલ્યા.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દુર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જુનાં ખંડેરો છે અને એક મસ મોટું મંદીર પણ છે. પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તુટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

           મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘુમરાતી રહી. તેને વનસ્પતીશાસ્ત્ર ઉપરાંત ઈતીહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વીશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનીક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સીવાય કશું જ જાણતા ન હતા. તે  આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું  જાણવા મળ્યું હતું કે, 1500 ના અરસામાં પહેલવહેલા પોર્ચુગીઝ લોકો આ બાજુ આવ્યા, તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતી અને સામ્રાજ્ય હતાં, પણ દુશ્મનોના  આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનીક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્શો પહેલાં આવી ગયેલા પોર્ચુગીઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વી, સીવાય કાંઈ જાણતો ન હતો. રાત્રે તેને સપનાંમાં ચીત્રવીચીત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈ અવનવી, ભગવાનની મુર્તીની પુજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતા દેખાયા. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

          બીજા રવીવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો.

         મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારા કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વીસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતીની પણ. એક સાથે બે કામ થશે.”

          પીટરે કહ્યું “ ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવા કામમાં એકાદ બે અઠવાડીયા તો થઈ જ જાય ને.”

           બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મીત્રો તો બની જ ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે તેવું બન્નેને મન થયું.

             પછીના અઠવાડીયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહીના માટે નીમવામાં આવ્યો. આમ 1860 ના માર્ચ મહીનામાં પુરતી સાધાન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને બન્ને મીત્રો ઉપડ્યા. સાથે સ્થાનીક જંગલોના બે ભોમીયા પણ લીધા હતા.

           ગામ અને ખેતરો પુરાં થયાં, અને ભયંકર જંગલની શરુઆત થઈ. ઉત્તર દીશા જાળવી રાખી કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળીયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

               હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવા કામના જાણકાર, સ્થાનીક મુખીયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચીયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખુંચી જતા. માંડ માંડ મજુરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા. હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચુંકા થતા , મંથર ગતીએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દીવસે જંગલી હાથીઓની ચીંઘાડો હૈયું વીદારી નાંખતી હતી. ખાવાપીવામાંય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણકે લોટ વી, સામગ્રી બહુ મર્યાદીત હતી. સ્થાનીક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વીના બીજો કોઈ વીકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનીક મજુરો તેમની કર્ણપ્રીય પણ સમજ ન પડે તેવી ભાશામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જુની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શુરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દીવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં !

         ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સીવાય છુટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમીયા જ આગળ જાતમાહીતી મેળવવા જઈ આવતા. મેલેરીયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો. પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી’ ;  પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવીત થયો હતો, અને નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સીવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતીઓની જાણ પેલા ભોમીયા અને દુભાશીયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતી ચીત્રોથી ભરાવા માંડી હતી.

         આમ સફરને ત્રણ અઠવાડીયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાંય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ  કરેલા રસ્તા મળતા, પણ તેમની દીશા ભાગ્યે જ અનુકુળ આવતી. આશાનો દીપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજુરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની લ્હાયમાં પડી ગયા હતા.

        પીટરે હીમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

        મુહોતે કહ્યું , ” આપણે ત્રણ દીવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

        આમ બે મીત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમીયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું ” હાથીઓએ બનાવેલો એક જુનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર  તળાવ તરફ જ જાય છે. ” બન્ને મીત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમીયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દીવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પુગ્યો.

– વધુ આવતા અંકે

 ભાગ -2     :   ભાગ – 3    

10 responses to “એક મંદીરની શોધમાં – ભાગ -1

  1. Bhavesh Savla સપ્ટેમ્બર 25, 2007 પર 4:46 એ એમ (am)

    Can’t wait till next week 🙂

    Saache j, ghana samay baad, aavi ras-prad varta vanchu chu.

    Please varta jaldi aagal vadharo.

    🙂

  2. Bhavna Shukla સપ્ટેમ્બર 25, 2007 પર 7:22 એ એમ (am)

    aarrrrrrrrrrrrrrrrrrrrrr……………………
    vali apisode padyo…. aavata ank ni raah kem jovi bhaila!!!!

    anyway…..khubaj rasprad ane jakdi rakhati vat/varta/styakatha/sahaskatha je kahote….
    abhinandan bhai.

  3. Chirag Patel સપ્ટેમ્બર 25, 2007 પર 7:33 એ એમ (am)

    બીજા ભાગની ઈંતેઝારી ખુબ જ વધારી દીધી.

  4. Pingback: એક મંદીરની શોધમાં - ભાગ-2 « ગદ્યસુર

  5. Pingback: એક મંદીરની શોધમાં ભાગ -3 « ગદ્યસુર

  6. nitin shukla ઓક્ટોબર 18, 2007 પર 10:59 પી એમ(pm)

    Many thanks for Sureshbhai Jani for forwarding it!! Much appreciated. Taking from RugVeda: Let such stories come from all directions ! (And be sent in all directions!)

  7. Vishnudas ઓક્ટોબર 19, 2007 પર 5:08 એ એમ (am)

    Sureshbhai, It was very interesting varta and was filling that when the next part will come. Thank you and it is very interesting to read in gujrati. Vishnubhai

  8. Harnish Jani ઓક્ટોબર 19, 2007 પર 5:31 એ એમ (am)

    Very good story–My mind started working-thinking the end of the story-

  9. સુનીલ શાહ મે 15, 2008 પર 12:47 એ એમ (am)

    વાતની જમાવટ સરસ રીતે કરી છે. ગમ્યુ.

  10. Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૬; રોઝેટા શીલાલેખ ( Rosetta stone) « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?