સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પુરુષની પ્રસવપીડા : ભાગ – 3

    આ છેલ્લી વાત છે – ખરેખર વેઠેલી શારીરીક પીડાની અને તે પણ માળી…  આ પાપી પેટમાં જ હોં!

    વેદનાનો આ બીજો પ્રસંગ 1998 ની સાલનો છે. તે દીવસ રોજના જેવો જ સામાન્ય હતો. હું સવારે મારી ઓફીસમાં ગયો. બધું રાબેતા મુજબનું હતું. નીત્યક્રમ પ્રમાણેનું મારું ચક્કર લગાવી, હું મારી ઓફીસમાં પ્રવેશ્યો. પટાવાળો રોજના નીયમ પ્રમાણે ચા આપી ગયો. મેં નવા આવેલા કાગળો જોઈ લીધા. પછી ગુરુશંકાએ જવાની ઈચ્છા થઈ. હું બાથરુમમાં ગયો. પણ પેટ તો ખાલી જ હતું. પાછો ઓફીસમાં ગયો.

   બસ ત્યારથી મારી બીજી પ્રસવ વેદનાની શરુઆત થઈ ગઈ!

   પંદરેક મીનીટ થઈ હશે અને ફરી એ જ ચળ. પણ કાંઈ જ છુટકારો ન થયો. પેશાબ પણ ટીપું બે ટીપું જ આવ્યો. હવે કામમાં મન પરોવાય જ નહીં. સદભાગ્યે તે દીવસે કોઈ મીટીંગ ન હતી. હવે તો એ ચળ આવવાની વચ્ચેનો ગાળો ઓછો થતો ગયો. પેટમાં દર્દ પણ વધવા લાગ્યું. જાણે કે, ઝીણી ચુંક આવતી હોય તેમ લાગ્યા કરે. જે થોડો ઘણો પેશાબ આવતો હતો તે પણ રતાશ પડતા રંગનો દેખાવા લાગ્યો.

    મને તો બીલકુલ ચેન જ ન પડે. ઓફીસથી બાથરુમ અને બાથરુમમાંથી ઓફીસ…  એમ આંટા શરુ થઈ ગયા. મારો પટાવાળો તો મારી સામે જોઈ જ રહે. છેવટે તેણે આમન્યા તોડીને મને પુછ્યું,”: સાહેબ ! કાંઈ તકલીફ છે?”

    મેં તેને મારી વ્યથાની વાત કરી. તેણે કહ્યું,” સાહેબ! આપણા ડોક્ટરને ફોન કરો ને?” મને તો મારા દર્દમાં આ વીચાર જ આવ્યો ન હતો. મેં ફોન કર્યો અને થોડી વારમાં તો ડોક્ટર દવે આવી ગયા. એ તો અનુભવી. એમણે મને સવાલો પુછવા માંડ્યા અને પેટના જુદા જુદા ભાગો પર હાથ ફેરવી તપાસ પણ કરી. મને કહે,” તમારે સ્પેશીયાલીસ્ટ પાસે જવું પડશે.”

   હું તો ગભરાયો. મેં કહ્યું,” ડોક્ટર! આ શી બીમારી છે?”

   દવે હસતાં હસતાં બોલ્યા, ” જાની સાહેબ ! તમને લેબર પેઈન છે!  “

  મેં કટાણું મોં કરીને  કહ્યું , ” અરે દવે સાહેબ! તમને મારી આ તકલીફના સમયે મશ્કરી સુઝે છે?”

   તે બોલ્યા,” સાચી વાત કહું? તમને કીડની સ્ટોન હોય એમ લાગે છે, પણ સોનોગ્રાફી કરાવીએ તો જ ખબર પડે.“

   એમણે તરત એક જાણીતા ચીકીત્સક પાસે મને મોકલી આપ્યો. હું તો ત્યાં પહોંચી ગયો. પણ મને કાંઈ ચેન ન પડે. પેટમાં સતત વીણાંચુંટા થયા કરે. મેં મારા ડ્રાઈવરને મોકલી મારી પત્નીને બોલાવી લીધી. અમે બન્ને ચીંતાતુર બનીને બેઠા. ડોક્ટરે મને તપાસવા બોલાવ્યો. મને તપાસી કહ્યું, “ તમે બને એટલું પાણી પીધા કરો. મુત્રાશયમાં ( બ્લેડર) પુરતું મુત્ર ભેગું થશે પછી આપણે સોનોગ્રાફી કરીશું.”

   મારી હાલત તો કફોડી થઈ ગઈ. હું પાણી પીધે રાખું, પણ મુત્ર બહુ જ થોડું નીકળે. વધારે પડતું પાણી પીવાને કારણે પીડા પણ વધારે જ થાય ને? ક્યારે મુત્રાશય ભરાય, અને ક્યારે ડોકટર ટેસ્ટ કરે. મને તો આના કરતાં મરણ આવે તો સારું એમ સતત લાગ્યા જ કરે. મારી પત્નીએ કહ્યું,” અમને સ્ત્રીઓને પ્રસુતીની વેણ ઉપડે; ત્યારે આવું જ થતું હોય છે. હવે તમે જાત અનુભવ કરી લો. ”

   મને આટલા દુખની વચ્ચે પણ હસવું આવી ગયું. “ લ્યો! ભગવાને આ કૃત્રીમ પ્રસુતીનો અનુભવ પણ કરાવી દીધો.”

   બે કલાક પછી, છેવટે ડોક્ટરે સોનોગ્રાફી કરી અને જાહેર કર્યું કે, “પથરી કીડનીમાંથી બહાર આવીને મુત્રનળીમાં છે. બીજી બે હજુ કીડનીમાં છે; જે ભવીષ્યમાં ફરી આ લ્હાવો આપશે! જેમ જેમ પાણી પીશો, તેમ તેમ બહાર આવી ગયેલી એ પથરી નીચે ઉતરતી જશે. સાથે તે મુત્રનળીને કાપતી જશે, એટલે પેશાબ વધુ ને વધુ લાલાશ પડતો આવશે. પણ ગભરાશો નહીં. જ્યારે તે મુત્રાશયમાં આવશે; ત્યારે વેદના સાવ બંધ થઈ જશે. છેલ્લે જ્યારે એ બહારની મુત્રનળીમાં આવશે ત્યારે છેવટની પીડા શરુ થશે. ત્યારે તમે એને આગળ વધતી અનુભવી શકશો. છેક ટોચની નજીક આવે ત્યારે પેશાબ કાચના પ્યાલામાં ઝીલતા જજો. પથરીને પ્યાલામાં ઝીલી મને બતાવવાની છે. ”

   એમણે દર્દ ક્ષમ્ય બને એવી પેઈન કીલર ગોળી આપી, મને વીદાય કર્યો.

   ઘેર પણ આ પીડા તો ચાલુ જ હતી. પણ ઓલી ગોળીના પ્રતાપે તે ક્ષમ્ય બની હતી. પણ છેવટનો છુટકારો તો સોળ કલાક પછી જ થયો. મરીના દાણાના ચોથા ભાગની ફાડ જેવી પથરી મેં પ્યાલામાં છેલ્લે ઝીલી; ત્યારે આ પીડાનો અંત આવ્યો.

   અમારી વર્કશોપમાં ટુલ ગ્રાઈન્ડીન્ગ માટે વ્હીલ હોય છે; તેના દાણા જેવી એ રાખોડી રંગની અને દાણેદાર હતી. રસ્તામાં તે મુત્રનળીને કાપતી કાપતી આવી હતી; એટલે લોહીની રતાશ વાળી થોડી ઝાંયથી પણ એ અભીભુત હતી!

   બીજે દીવસે એ મહામુલી સંપદા દવે સાહેબને અને નેફ્રોલોજીસ્ટ સાહેબને બતાવી. તેમણે જાહેર કર્યું કે, “મોટા ભાગના લોકોને થાય છે તેવી; તે ઓક્ઝેલેટની પથરી હતી. લીલી ભાજી અને સલાડ વધારે પડતા ખાવાથી એ થતી હોય છે.”

   ત્યારની ઘડીથી, મને બહુ પ્રીય એવા લીલા સલાડ ખાવા પર પુર્ણ વીરામ મુકાઈ ગયું.

   અને છતાં  પંચાવન વરસના આયખામાં, સલાડ ખાઈ ખાઈને કીડનીના ખજાનામાં ભેગી કરેલાં, આવાં ત્રણ મહામુલા પથરી-રત્નને (!) પ્રસવ કરાવવાની વેદના મારે ત્રણ વરસના ગાળામાં, ક્રમે ક્રમે, વેઠવી પડી! એમાંની છેલ્લી તો અમેરીકા આવ્યા બાદ વેઠી.

——————– 

   હવે તો ખાતરી થઈ ને કે, પુરુષને પણ પ્રસવ વેદના જેવી વેદના ભોગવવી પડે?

   એમ કહે છે કે, કુદરતી ન્યાય પ્રમાણે ઉપરવાળાએ પથરીની આ પીડા, મોટે ભાગે પુરુષોને ફાળે જ બક્ષેલી હોય છે !

   પણ ભાઈઓ !

   એક વાચક બહેનનો પહેલા લેખ પરનો પ્રતીભાવ અહીં દોહરાવું છું : – 

   ‘ગમે તેવી આકરી અને ન વેઠી શકાય તેવી હોય; તો પણ માતાઓને એ પ્રસુતી-પીડા બહુ મીઠી લાગતી હોય છે. એને માટે એ  ઝુરતી  હોય છે.”

    આપણા નસીબમાં એ પવીત્ર પીડા, એ મમતાભર્યું માતૃત્વ ક્યાં? ખાલી બાપ થયાનો આનંદ માણો; અને અંતરની એકલતામાં પીતૃત્વને એકલા જ માણી લો! કો’ક જ આપણી એ પીડાની વાતો લખશે !   

6 responses to “પુરુષની પ્રસવપીડા : ભાગ – 3

 1. pragnaju નવેમ્બર 14, 2008 પર 2:25 પી એમ(pm)

  લીલી ભાજી અને સલાડ વધારે પડતા ખાવાથી એ થતી હોય છે.. અર્ધસત્ય
  રોજ ૧૦-૧૨ ગ્લાસ (૨૦૦ મી.લી) પાણી પીવું જોઈએ-
  અને ખૂબ અગત્યની વાત તો પહેલા લખી હતી તે ફરી લખું
  ચા= ઓકઝેલીક એસીડ+દૂધ એટલે કેલશીયમ અને કમ પાણી એટલે પથરીનો સામાન તૈયાર
  અને બને અણઆળી કેલસીયમ ઓકઝેલેટની પથરી …તે બહાર આવતી હોય ત્યારે પીડા તો ખૂબ થાય…અને જો રસ્તામાં અંટવાઈ.!
  ખુદાનખાસ્તા તેની દશાબ્દીએ ફરી દેખાદે!!
  નસીબમાં એ પવીત્ર પીડા જેવું- પવિત્ર નામ ન આપો ! આ તો ઘોર અજ્ઞાન અને બેકાળજીનું પરિણામ છે

 2. atuljaniagantuk નવેમ્બર 15, 2008 પર 4:24 એ એમ (am)

  સ્ત્રીઓને આ પ્રસવ પીડા પછી માતૃત્વની પ્રાપ્તિ થાય છે. પુરુષોને માત્ર પીડામાંથી છુટકારો જ પ્રાપ્ત થાય છે.

 3. સુરેશ જાની નવેમ્બર 15, 2008 પર 7:58 એ એમ (am)

  અહીં કર્મની ( કે કરમની!) વાત જ છે – ફળની નહીં !!!
  મને મળેલ ફળની વાત તો કરી જ નથી …
  અને એ ફળ હતું માતાઓએ ભોગવેલ પીડાનો મને પોતાને મળેલ નાનકડો સ્વાનુભવ. એ થકી મારું તેમને માટે માન અનેક ગણું વધી ગયું .

  અને આ સ્વાનુભવ વહેંચવાનો બીજો આશય એ કે, આવી પીડા બીજા કોઈને પણ થાય તો , તેનું દર્દ મને વધારે સારી રીતે સમજાતું થયું છે. .

 4. Rajendra M.Trivedi,M.D. નવેમ્બર 15, 2008 પર 9:12 એ એમ (am)

  This pain is due to stone!
  As long as stone causes pain to the body is O.K. Painfull but for a while.
  But, after labor child action cause psychological pain is very painfull to parents.
  Do write on this pain.

 5. Pingback: અફલાતૂન તબીબ – ભાગ- ૮ , પથરી « ગદ્યસુર

 6. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: