વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
ઘોડેસવાર સેનાના ત્રણ નાયકો અને સો સૈનીકોએ જયઘોષથી ખાન અને તેના કાફલાને વધાવી લીધો. ઘોડાઓ અને તેમના સવાર સવારની ગુલાબી ઠંડીમાં તરવરાટથી થનગનતા હતા. નવી ભોમકામાં નવા પરાક્રમો કરવા સૌ કૃતનીશ્ચય હતા.
ખાને તેમને સંબોધન કરતાં ઉંચા અને પહાડી અવાજે કહ્યું,” સાથીઓ! તમને જાણીને આનંદ થશે કે, નદીપારના મેદાનોના મુખ્ય અને વ્યુહાત્મક સ્થાન પર આપણે કબજો જમાવી લીધો છે. આપણી પગપાળા સૈનીકોની સેના ત્યાં તમારી વાટ જોઇ રહી છે. નજર પણ ના પહોંચે ત્યાં સુધી લીલોતરીથી છવાયેલા આ સમસ્ત પ્રદેશને આપણા સામ્રાજ્યમાં ભેળવવા એ તમારું કામ છે. ઘોડેસ્વાર સેના જ એ કરી શકે.”
સૌએ પ્રચંડ નીનાદથી ખાનના આ વક્તવ્યને વધાવી લીધું.
ખાને ઉમેર્યું,” આ પ્રદેશને મારી સત્તા નીચે આણવાની સાથે સાથે એ જરુરી બને છે કે, અહીંની જનતા પ્રેમથી મારા શાસનને સ્વીકારે અને આપણી સાથે દુધમાં પાણીની જેમ ભળી જાય. આ ધ્યેય હાંસલ કરવા મેં બે સધીયારા જીતેલા સ્થાનકના રહેવાસીઓને આપ્યા છે. પહેલું એ કે, તેઓ જેની ઉપાસના કરે છે તે, જોગમાયાને હું પરમ શક્તી તરીકે માન આપું છું.”
બધાએ ‘ જોગમાયાની જય! “ ના પોકાર કર્યા.
વળી ખાને ઉમેર્યું,” બીજું એ કે, અહીંની જનતા પર, ખાસ કરીને સ્ત્રીઓ પર કોઈ અત્યાચાર આપણો કોઈ સૈનીક નહીં કરે.”
આ વાત સાંભળી સેનામાં સોપો પડી ગયો. મહીનાઓથી વીષય વાસનાથી પીડાતા, યુવાનીના મદમાં મદહોશ, હણહણતા તોખાર જેવા જાલીમો માટે આ ન ગળી શકાય તેવો ઘુંટડો હતો. પણ ખાનની ઈચ્છા વીરુધ્ધ કરવાની કોઈની તાકાત ન હતી. ત્રણ સરદારોએ કહ્યું,” અમે જરુર એ વાતનું ધ્યાન રાખીશું.’
ખાન સ્વદેશ પહોંચવાંની ઉતાવળમાં હતો. તેણે સૌને સફળ થવાની શુભેચ્છા પાઠવી. તેની સાથેના કાફલાના દરેક જણને ઘોડાઓ ફાળવવામાં આવ્યા. ગોવા અને પાંચાને ઘોડેસવારીની કળા આવડતી ન હતી. છતાં તેઓ ભાગી ન જાય તે માટે તેમને દોરડા વડે ઘોડા સાથે બાંધી દેવામાં આવ્યા અને તેમના ઘોડાઓને દોરવાનું અને તેમની ઉપર ચોકી કરવાનું કામ ચાર સૈનીકોને સોંપવામાં આવ્યું. છેવટે ઘાટના નવા રસ્તા પર ઘોડાઓ પર ખાનના કાફલાએ , ઓતરાદી દીશામાં પ્રયાણ શરુ કર્યું.
ખાન અને તેનો કાફલો નજરથી દુર થયો કે તરત જ, મોટા તરાપાઓ નદીમાં લાંગરવામાં આવ્યા અને ઘોડા ભડકી ન જાય તેની અગમચેતી વાપરીને, સાંજ સુધીમાં સેનાએ નદી પાર કરી દીધી. હવે ઘાટ અને પર્વતાળ પ્રદેશની કોઈ મર્યાદાઓ તેમને નડવાની ન હતી. ચારે તરફ ફેલાયેલી, લીલુડી ધરતી બીન રોકટોક, ઘોડાઓના ડાબલાઓ તળે રગદોળાવાની હતી.
નદીકીનારે રાતવાસો કરીને બીજા દીવસની સવારે, આખોય પ્રદેશ ઘોડાઓના ડાબલાથી ગાજી ઉઠ્યો. ખાનની આ અવીજેય સેના એક પછી એક નેસને ધમરોળતી આગળ વધવા માંડી. દસ દસ ઘોડેસવારોની ટુકડીઓમાં વહેંચાઈ નેસ સર થતા ગયા. કોઈ રહેવાસીમાં આમનો પ્રતીકાર કરવાની તાકાત કે નેતૃત્વશક્તી ન હતાં. એક પછી એક નેસ તેમની બેડી નીચે કચડાતા ગયા. જે શરણે આવ્યા , તેમને નીશસ્ત્ર કરી દાસતાની બેડીઓમાં જકડી દેવામાં આવ્યા. નેસના અબલખ સંખ્યામાં પાલતુ પ્રાણીઓને જોઈ શીકારની આ કોઈ હરકત વીનાની સવલતથી સૌ હેરત પામી ગયા. જે કોઈ સ્થાનીક રહેવાસીએ સામે થવાની હીમ્મત કરી તેમને ઘોડાના પુંછડા સાથે બાંધી, પુરપાટ વેગે ઘસેડી, નીર્દય રીતે મરણ શરણ કરવામાં આવ્યા.
ખાનના દુર થયા બાદ, તેની સુચના કે આદેશ પાળવાની કોઈને જરુર ન જણાઈ. દીવસ રાત જોયા વીના જે કોઈ સ્ત્રી કે છોકરી હાથમાં આવી, તેની સાથે સામુહીક બળાત્કાર કરાતા રહ્યા. આ પાશવી અત્યાચાર રોકનાર કોઈ હાજર ન હતું. એક અઠવાડીયા સુધી આ હત્યાકાંડ અને બળાત્કારો નીર્મમ રીતે જારી રહ્યા. ખાનની શરમ જેમને હજુ નડતી હતી, તેવા જગ્ગાના થોડાક સાથીઓ જગ્ગાને જઈને મળ્યા અને આ અત્યાચારની તેને જાણ કરી.
ઘોડાઓ હાથમાં આવતાં જગ્ગાએ આ વીજય અને હવસના કેફમાં ચુર આખલાઓને નીયંત્રણમાં લેવાની કપરી કામગીરી હાથમાં લીધી. પણ તે સફળ થાય ત્યાં સુધીમાં તો હાથીઓના પ્રદેશ વાળી મોટી નદીના તટ સુધીના બધાયે નેસોમાં સર્વનાશ અને તબાહી રાતના અંધકારની જેમ ફરી વળ્યાં. સર્વત્ર કાળો કેર વર્તાઈ ગયો. આખાયે મલકના જોરાવર ગણી શકાય તેવા મરદોની લોહી લુહાણ કાયાઓ ધુળમાં રગદોળાઈ હાડકાં અને માંસની લોથો બની ચુકી. કાગડા, સમડી અને ગીધોનાં ટોળે ટોળાં આ તૈયાર ખોરાક આરોગવા ઉમટી પડ્યા. સૌ નીર્માલ્ય મેદાનવાસીઓ જીવનપર્યન્ત ગુલામીની બેડીઓમાં જકડાઈ ગયા. આખાયે પ્રદેશની એકે એક સ્ત્રી દુખ અને યાતનામાં કણસતી, મીશ્ર પ્રજાના ઓધાન પોતાના પેટમાં ઉછેરી રહી.
સ્ત્રી સન્માન હવે ભુતકાળની બાબત બની ચુકી હતી. સ્ત્રી માત્ર હવે હવસ સંતોષવા માટેની હાડમાંસની પુતળીઓ બની ચુકી હતી. હવે તે અબળા તરીકે જ ઓળખાવાની હતી. તેના દેહના હવે સોદા થવાના હતા. ઢોર ઢાંખરની અવેજીમાં હવે તે વેચાવાની હતી. સંસ્કૃતીની આ વીજયકુચમાં જંગાલીયત, ક્રુરતા, દુષ્ટતા અને ‘બળીયાના બે ભાગ‘ ની નીતી જ આખરી બની જવાનાં હતાં.
જગ્ગો અને ભુલો એકલા હાથે આ ઘોડાપુરને રોકવા અસમર્થ રહેવાના હતા. ખાનની ન્યાયપ્રીયતા અને રાજકીય કૌશલ્ય ઘોડાની ઝડપે ઓતરાદા પ્રદેશ તરફ ભાગી રહી હતી. આ હત્યાકાંડ અને ઘોર દમનની તેને કશી ખબર પડી શકે તેમ ન હતું.
એકાદ મહીના પહેલાં અંધારી રાતે વીહાએ ભાખેલું અને પોતાના જ મનમાં ભંડારી રાખેલી દારુણ વ્યથાઓનું કુસ્વપ્ન એક ભયંકર અને પાછી ન વાળી શકાય તેવી વાસ્તવીકતામાં પરીવર્તન પામ્યું હતું. કાળા ઘનઘોર વાદળની સોનેરી કોર જેવી એક જ આશા બાકી રહી હતી કે, આ દુર્દશા જોવા વીહો કે તેના કોઈ અંતરંગ સાથી હાજર ન હતા ; અને ભવીષ્ય માટેની એક માત્ર આશાની કુંપળ જેવો કાનો હાથીઓના પ્રદેશથી પણ ઘણે દુર સાક્ષાત સ્વર્ગ જેવા પ્રદેશમાં ઉછરતો કીલ્લોલ કરી રહ્યો હતો.
Like this:
Like Loading...
Related
તે તારીખ જુલાઇ ૧૭ હતી!
ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ “આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય” ને માન્યતા આપતી “રોમ સંધી”ની વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે ‘જાતિસંહાર નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે