સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રકરણ – 51 પાંચો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

મુસાફરીના બીજા દીવસની સવાર પડી. આખી રાત ગોવો ઉંઘ્યો ન હતો; પણ એના ચહેરા પર કોઈ અલૌકીક તેજની આભા છવાયેલી હતી. પાંચાની ચકોર આંખો ઉઠતાં વેંત આ ફેરફારને કળી ગઈ. તેને વાતચીત વગર જ ગોવામાં આવેલા પરીવર્તનનો અણસાર આવવા માંડ્યો.

પાંચાએ કહ્યું,” કેમ ગોવલા! આજે પણ ઉપવાસ કરવાનો છે? “

ગોવો ,” ના રે ના. પણ આજથી માંસ ખાવાનું બંધ.”

પાંચો,” કેમ?”

ગોવો,” આપણે બહુ શીકાર કર્યા. હવે આપણો જ શીકાર થઈ ગયો. કોણ શીકારી અને કોણ શીકાર?“

પાંચો,” તો તું ખાઈશ શું?”

ગોવાએ હસીને કહ્યું,” બદામ અખરોટ અને પાણી.”

સવારની હાજતે બન્ને મીત્રો ત્રણ ચોકીયાતો સાથે થોડે દુર ગયા. પાંચાએ જરુર કરતાં વધારે સમય લીધો અને યોગ્ય જગ્યા શોધવાના બહાને, આમતેમ ફરીને, આઘા પાછાના આશીર્વાદ કર્યા. છેવટે બધા સવારો સાથે બન્ને જણાએ મુંગા મુંગા સવારનો નાસ્તો પતાવ્યો.

ખાન ગોવાને ખાતો જોઈ આનંદીત થયો. ખાન રત્ન પારખુ હતો. તેણે ગોવા અને પાંચાની શક્તીઓ અનુભવેલી હતી; તેમના હાથે માર ખાધો હતો. માટે જ તે જીતેલા પ્રદેશનાં આ રત્નો ગુમાવવા કે વેડફવા માંગતો ન હતો. ધીમે ધીમે બન્ને જણ તેના સામ્રાજ્યના ધોરી બની જશે; તેવી તેને આશા બંધાણી. તેણે હસીને ગોવાનું અભીવાદન કર્યું. ગોવાએ પણ સાનુકુળ પ્રત્યુત્તર પાઠવ્યો.

ખાને હવે પાંચા તરફ નજર કરી. પણ પાંચાનો મરડ ઉતર્યો ન હતો. પાંચાએ મોં ફેરવી દીધું.

અને કાફલો પુર ઝડપે આગળ વધ્યો. સાંજે બીજા મુકામે વાળુ પતાવી બધા નીદ્રાદેવીને શરણે થયા. પણ ગોવા અને પાંચાના તંબુની અંદર ધીમા અવાજે કાંઈક ગુસપુસ ચાલતી હતી. બહાર ખડે પગે ચોકી કરતા સૈનીકો એમની ભાષા સમજી શકે તેમ ન હતું; એટલે બન્ને મીત્રોને નીરાંત હતી.

પાંચો,” ચાલ ગોવા! આપણે ભાગી જઈએ. મને રસ્તો મળી ગયો છે.”

આમ કહી પાંચાએ સવારની હાજત દરમીયાન ચામડાંના વસ્ત્રમાં છુપાવેલો નાનો પણ અણીદાર પથ્થર બેળે બેળે બહાર કાઢ્યો. હાજત અને જમણ વખતે તેમના હાથ અને પગ છુટ્ટા કરેલા હોવાના કારણે પાંચાએ આ પથ્થર ગોતી કાઢ્યો હતો. પણ સુતી વખતે તો બન્નેના હાથ અને પગ દોરડા વડે  મુશ્કેટાટ બાંધેલા હતા.

પાંચાએ કહ્યું,” ગોવા તું આ પથ્થર વડે મારા હાથનું દોરડું કાપી દે, પછી હું આપણા બન્નેના બંધન કાપી નાંખીશ. પછી આપણે છુટા થઈ ઉંઘતા હોવાનો ડોળ કરવાનો અને તૈયાર રહેવાનું. જેવો ચોકીદાર આપણે સહીસલામત પડેલા છીએ કે નહીં તે જોઈ, કલાક સુધી ન આવે;  તે દરમીયાન, તંબુની પાછલી દીવાલ કાપી, તેના પડછાયામાં ચોરી છુપીથી આપણે ભાગી જઈશું.”

ગોવો,” એક કલાકમાં ભાગીને આપણે કેટલે જવાના? આ ઘોડેસ્વારો તરત જ આપણને પકડી પાડવાના. “

પાંચો,” ગોવા ! જ્યાં ઘોડા બાંધેલા છે ત્યાં અંધારામાં બે ઘોડા છોડી આપણે સવાર થઈ જઈશું.”

ગોવો ,” તું કે’દી ઘોડા પર સવાર થયો છે? “

પાંચો,” આ બે દી’ મેં એ જ જોયા કર્યું છે. તારા ઘોડાને મારા ઘોડા સાથે બાંધી દઈશું. મને વીશ્વાસ છે કે, હું મારો ઘોડો બરાબર હાંકી શકીશ.”

ગોવાએ બે ઘડી વીચાર કર્યો અને પછી કોઈક અપ્રતીમ અવાજે બોલ્યો,” મને આ લોકો પણ મીત્ર લાગે છે. એમને મારા શીકારી ફરીથી નથી બનાવવા.”

પાંચો,” આ પરદેશીઓ અને આપણા મીત્ર? ગોવા! તું પાગલ થઈ ગયો છે કે શું?”

ગોવો,” ભુલો, બન્નો અને કોતરના મુખી ક્યાં આપણા દુશ્મન હતા? યુધ્ધમાં ન જોડાયેલા બીજા નેસવાસીઓ પણ ક્યાં આપણા દુશ્મન હતા? એમણે આપણને કરેલો દગો તું ભુલી ગયો? કોણ મીત્ર અને કોણ દુશ્મન? મને તો કશો ફરક લાગતો નથી. વળી મને ખાનનો પ્રદેશ જોવાની પણ ઈચ્છા છે.”

પાંચાએ ગોવાને સમજાવવા આકાશ પાતાળ એક કર્યા; પણ ગોવો ટસનો મસ  ન થયો તે ન જ થયો. પાંચાએ હતાશામાં માથું કુટ્યું.

ગોવાએ કહ્યું ,”તું ભાગી છુટ.  હું તારા બંધન જરુર કાપી આપીશ. તું ફતેહ કર.”

છેવટે ગોવાની સહાયથી પાંચો બંધનમુક્ત થયો. ચોકીદાર તપાસ કરીને ગયો કે તરત જ તંબુની પાછલી  દીવાલ ચીરી, પાંચાએ ગોવાને વીદાય ભણી. ગોવાએ જોગમાયાને વીનંતી કરી કે, પાંચો તેના સાહસમાં સફળ નીવડે.

અને અંધારાનો અંચળો પહેરી પાંચાએ એક ઘોડાને છોડ્યો, તેને ઘાસ નીર્યું; તેના શરીર, ડોક અને મોં પર પ્રેમથી  હાથ પસવાર્યો. ઘોડાની સાથે મીત્રતા બંધાયાનો અહેસાસ થતાં જ કોઈ અવાજ ન થાય તેમ, તેણે ઘોડાને ધીમેથી દોર્યો. મશાલોનું અજવાળું બંધ થયા બાદ તે કુશળ સવારની અદાથી ઘોડા પર સવાર થયો અને પહેલાં ધીમે ધીમે અને પછી વધતી જતી ઝડપથી તેણે પડાવની દખણાદી  દીશામાં  પ્રયાણ આદર્યું. પડાવના તંબુઓ સાવ કીડી જેવા થઈ ક્ષીતીજમાં ગરકી ગયા ત્યાં સુધીમાં તેને ઘોડેસવારીની કળા આવડી ગઈ હતી.

અને રાત્રીના અંધકારમાં પાંચો પ્યારા માદરે વતનની માટીમાં આળોટવા મારતે ઘોડે દુર અને દુર સરકતો રહ્યો.

One response to “પ્રકરણ – 51 પાંચો

  1. pragnaju ડિસેમ્બર 7, 2009 પર 1:30 એ એમ (am)

    “તેને ઘોડેસવારીની કળા આવડી ગઈ હતી.”…
    યાદ આવ્યું– ઐશ્વર્યા રાય ઐતિહાસિક ફિલ્મો ધ લાસ્ટ લીજન અને ‘જોધા અકબર’ માટે તલવારબાજીની અને ઘોડેસવારીની શીખેલી.!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: