સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નાનકડી શિસ્ત, ભાગ-૧; બની આઝાદ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

       ખેડ્ડા ઓપરેશન –  માયસોરના જંગલી હાથીને પકડવાની અને માનવ સમાજ સાથે રહેવા માટે પલોટવાની ક્રૂર પદ્ધતિ. જંગલમાં પોતાની મસ્તીમાં મ્હાલતા, મદમસ્ત,મહાકાય હાથીને અંકુશમાં લેવાનું – એની પાસેથી પોતાને ધાર્યું કામ કરવા તાલીમ આપવાનું – દુઃસાધ્ય કામ એ હાથી કરતાં સોથીય વધારે નાની કાયા ધરાવતો માણસ કરી શકે છે.

wild_elephant

      પણ પોતાના માત્ર બે એક શેર જેટલા વજનવાળા મગજ પાસે એ લાચાર બની જાય છે! મનની અગણિત શક્તિઓ હોવા છતાં; એની મર્યાદાઓથી માણસ તોબા! તોબા! પોકારી ઊઠે છે; વ્યથા અને વેદનાના ઓથારમાં કકળી ઊઠે છે; નીરાશાના-હતાશાના ગર્તામાં હડસેલાઈ; આત્મહત્યા કરવા સુધીની વિનિપાતની ખીણમાં ગબડી શકે છે.

‘બની આઝાદ’
એ મદમસ્ત હાથી કરતાં પણ વધારે
મદમસ્ત મનને
કાબુમાં લેવાની વાત છે.

કેવી મુશ્કેલ વાત?

‘… बन्धुमिच्छसि वने मदोत्कटं हस्तिनं कमलनालतंतुना ।‘

      આ શ્લોકની આગલી કડી બીજા સંદર્ભમાં છે; પણ આ કડી્માં આલેખેલું વર્ણન મનના બંધનોથી આઝાદ બનવાની પ્રક્રિયાને સમજાવવા માટે એકદમ સમુચિત છે.

….વનના મદમસ્ત હાથીને
કમળની દાંડીમાંના તંતુ વડે
બાંધવા જેવી એ ચેષ્ટા છે.’

     અનેક રસ્તાઓ, પદ્ધતિઓ એ માટે સૂચવાયાં છે; અને સૂચવાતાં રહેશે; પણ જેમ જેમ એનું અમલીકરણ કરતા જઈએ ; તેમ તેમ એ કેટલું મુશ્કેલ કામ છે; તેની પ્રતીતિ થઈ જ જાય છે.

योगः चित्तानुशासनम् |

યોગ એટલે ચિત્તને શિસ્તમાં લાવવું તે.

     ‘યોગ’ ( પાયાના હોવાપણા સાથે જોડાણની પ્રક્રિયા) ની આ વ્યાખ્યાથી પતંજલિ યોગસૂત્રની યથાર્થ શરૂઆત થાય છે.

     જે સતત તરલ છે; જે બંધાવાની સામે મદમસ્ત હાથી કરતાં પણ અનેક ગણી શક્તિ ધરાવે છે – એવા મનને કાબુમાં લાવવું; એની પાસે ધાર્યું કામ કરાવવાની શક્તિ ધરાવતા થવું – એ માટેની પદ્ધતિ એટલે યોગ.

‘ઠોઠ અને તોફાની નિશાળિયાને શિસ્તમાં આણવો.’ !

      અનુભવે આપણને એ તરત માલુમ થઈ જાય છે કે,મનને શિસ્તમાં આણવું બહુ જ કઠણ છે. આપણે એ માટે શિબિરોમાં હાજરી આપીએ;  યોગના ક્લાસ ભરીએ; ધ્યાન શી રીતે કરવું તે શીખવા ગુરૂ પાસે જઈએ; વર્તમાનમાં જીવવાનું શીખવતા થોથે થોથાં વાંચીએ – પણ અમલમાં મુકવાના અખાડા ; અથવા બે દિવસ મચી પડીએ, અને પછી…

‘એ રામ એના એ! “

આ મારો, તમારો, લગભગ સૌનો અનુભવ છે.

     આમ શા માટે થાય છે?

     કારણ બહુ જ સાદું છે.

    આપણને આ બધું શીખવનારા પચાસ સાઠ કે તેથી પણ વધારે પગથિયાં ચઢી ગયેલા હોય છે. એમની પાસે અનેક વર્ષોની સાધનાની મુડી હોય છે. એ જેનો ઉપદેશ આપતા હોય છે – એ પી.એચ.ડી. કક્ષાનું ગનાન હોય છે! અને આપણને તો હજી એકડો ઘુંટતાં પણ આવડતો નથી હોતો. અરે! એ નિશાળમાંથી પણ ભાગી જઈને લીલુડી ધરતી પર ગુલાંટો મારવામાં આપણને વધારે રસ હોય છે. માંકડા જેવા મનને ‘વાનર વેડા’માં વધારે રસ જણાતો હોય છે!  આથી એ નિશાળમાં આપણે જુનિયર કેજી કરતાં આગળ વધી શકતા નથી.

     અને રેશનાલિસ્ટો તો આ બધા અનુશાસનના શાસ્તરને તૂત જ માનતા થઈ જાય છે – લોકોને એમ મનાવવા નવી નિશાળો ખોલવા લાગે છે!

     લાખો વર્ષોની ઉત્ક્રાન્તિ પછી પ્રાણીજગતે અભુતપૂર્વ વિકાસ સાધ્યો છે. એના છેલ્લા ચરણ જેવા માણસે ચેતનાની દિશામાં ભરેલી હરણફાળો, એ ઉત્ક્રાન્તિની તવારીખમાં ચરમ સીમા જેવી છે. આ હરણફાળો જ્ઞાનની તેમ જ ડહાપણની / બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાની / જીવનની સપાટીની બહારની તેમજ અંદરની – દિશામાં થયેલી છે. જ્ઞાનના ક્ષેત્રમાં જે વિકાસ થયો છે; અને હજુ થશે –  તે અજોડ છે. પ્રજ્ઞાના ક્ષેત્રમાં પણ કરોડો માનવોની વચ્ચે વિશ્વામિત્ર, રામ, કૃષ્ણ, જિસસ, મહમ્મદ, જિસસ, મોઝિસ, મહાવીર, બુદ્ધ જેવાં ચેતના અને પ્રજ્ઞાનાં અનેક દિવ્ય પુષ્પો પ્રગટ્યાં જ છે. પણ આ ક્ષેત્ર ચેતનાની અંદર તરફનું હોવાના કારણે એનો સામૂહિક વ્યાપ થવાની વેળા હજુ આવી નથી. પણ એ આવશે, એવાં ચિહ્નો વરતાઈ રહ્યાં છે. અત્યંત ભૌતિક સમૃદ્ધિ અને સત્તા/ સામર્થ્યના દુરૂપયોગના કારણે વાજ આવી ગયેલું પશ્ચિમી જગત પણ આ આંતરિક વિકાસની શક્યતા તરફ સજાગ બનેલું જોઈ શકાય છે.

      પણ આ સજગતા નવા જન્મેલ પક્ષીબાળની પાંખોમાં ફૂટી રહેલ તાકાતની શરૂઆત જેવી છે. એ પક્ષીબાળ પાંખો ફફડાવી, માળામાંથી કૂદકો મારે છે; પડે છે; અફળાય છે- અને ફરી પાછું માબાપને ઊડતાં જોઈ; જાતે ઊડવા કટિબદ્ધ બને છે. એ પોતાની જાતને નિસહાય માનીને ઊડવાનું બંધ કરતું નથી.

      એક કડિયો મકાન બનાવે છે; ત્યારે એક ઈંટ અને મોર્ટાર મૂકીને અટકી નથી જતો. આખો દિવસ ઈંટ પર ઈંટ મુકીને એ ચણાયેલી દિવાલ જોઈ સંતોષ માની લઈ, બીજી દિવાલ બનાવવાનું બંધ નથી કરી દેતો. એ તો બીજે દિવસે અચૂક હાજર થઈ જ જાય છે.

     આઝાદ બનવાની દિશામાં આપણી સૌની, સામાન્ય માણસોની હાલત એ પક્ષીના બાળ કે કડિયા જેવી છે. પણ આપણે પાંખ ફફડાવીને અટકી જઈએ છીએ. આવા ઊંચા આકાશમાં આપણાથી શી રીતે ઊડાય, એવી શંકાના કારણે, ભેગી કરેલી, દરિયાના કિનારા પરના છીપલાં જેવી મતાનો માળો છોડવા આપણે તૈયાર નથી થતા.

     આપણે ધર્મોપદેશો સાંભળવા તો જઈએ છીએ; ધ્યાનની શિબીરોમાં હાજરી તો આપીએ છીએ; જાપ અને માળા કરીને ‘આવતો જન્મ હવે સુધરી જવાનો છે.’ એવા ગંજીફાના મહેલ જેવા વ્યર્થ આત્મસંતોષમાં રાચીને સંતોષ તો માણીએ છીએ. પણ આપણે એટલેથી જ અટકી જઈએ છીએ. આનંદ, શાંતિ, સમતા, કરૂણા અને સમભાવના એ મહાસાગરના તલાતલમાં ડુબકી મારવાનું ટાળતા રહીએ છીએ.

અને એટલે જ ‘નાનકડી  શિસ્ત’ની આ વાત પ્રસ્તુત જણાઈ છે.

———————————-

     આ નાનકડી શિસ્ત એટલે શું? – એ વાત બીજા ભાગમા – અહીં

14 responses to “નાનકડી શિસ્ત, ભાગ-૧; બની આઝાદ

 1. pragnaju ઓક્ટોબર 27, 2013 પર 5:56 પી એમ(pm)

  મન મરકટ મન ચાતુરી, મન રાજા મન રંક,

  જો મન હરજીકો મિલે, તો હરજી મિલે નિશંક.

 2. Vinod R. Patel ઓક્ટોબર 27, 2013 પર 10:26 પી એમ(pm)

  મનને સમજાવીને પાછું વાળીને શાંત પાડવું એટલે યોગ .

  મદમસ્ત હાથી કરતાં પણ વધારે મદમસ્ત મનને કાબુમાં રાખવું એ બશેર વજનનું મગજ

  ધરાવતા માણસ માટે મુશ્કેલ હોય છે . એમાં જે ફાવ્યો એ જંગ જીતી ગયો .

 3. dee35 ઓક્ટોબર 28, 2013 પર 11:16 એ એમ (am)

  આ નાનકડી શિસ્ત એટલે શું? – એ વાત બીજા ભાગમાં…આતુરતાથી રાહ જોઉં છું બીજા ભાગની.ખૂબ ખૂબ આભાર.

 4. Pingback: વિચારની રીત બદલો – « BestBonding - in Relationship

 5. La' Kant ઓગસ્ટ 30, 2014 પર 1:29 એ એમ (am)

  ” તમને આ ચર્ચામાં જરૂર રસ પડશે. ” તમે સોળ આની સાચા સાહેબ .

  ”ઉત્ક્રાન્તિ” સહજ અને કુદરતી સ્વયમ-સંચાલિત વ્યવસ્થાનો એક ભાગ જ છે !બાહ્ય વિકાસ તો થયો જ છે! પ્રજ્ઞાના ક્ષેત્રમાં,આવી આંતરિક ઊંચાઇની શક્યતા છે જ .આ પહેલાં પણ બની ચુક્યું જ છે.ભારતીય અને એનાથી પ્રાચીન ગ્રીક સંસ્ક્રુતિ આના ઐતિહસિક પૂરાવા આપેજ છે.[“મહાદેવ” ટી.વી.સિરિયલ આવી ઘણી વાતો-હકીકતોનું પુનારાવર્તન બતાવે જ છે,] ઘણું બધું કરી શકવા સક્ષમ માનવી ” હકીકતમાં આજાદ જ છે. માત્ર પુરુષાર્થ અને સમયોચિતતા /કાળલબ્ધિ અને અન્ય સહાયક નિમિત્તો/સમ્વાયોની એક સૂરતા સધાય ત્યારે આવા કાર્યો ઘટે જ છે.ત્યારે ” હું અજાદ જ છું ની અનુભૂતિ મહેસૂસ થૈ જતી હોય છે સહજ જ !શિસ્ત, તો આનાથી ય મોટી કેળવાઇ જ જતી હોય છે …….જેમ કે, “સારી ટેવો પાડવી મુશ્કેલ છે’ પણ અશક્ય નથી. (સ્વાનુભવે)” ,
  ” શું આ તમારાજ કર્મોનો પ્રતાપ નથી?” અભિનંદન અને આભાર “સુ..જા.”

 6. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 7. Pingback: સેવાની ભાવના | સૂરસાધના

 8. mhthaker જૂન 19, 2017 પર 1:52 એ એમ (am)

  fully agree with your view–great explanation

 9. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૧૫; વજ્રાસન | સૂરસાધના

 10. Pingback: વજ્રાસન – ભાગ -૨ , અફલાતૂન તબીબ | સૂરસાધના

 11. hemapatel એપ્રિલ 12, 2018 પર 6:22 પી એમ(pm)

  સુરેશભાઈ,
  સૂરસાધનાની પહેલી વખત મુલાકાત લીધી,
  કેટલા સુંદર વિચારો અને વાસ્તવિકતા તેમજ સચ્ચાઈ જોવા મળી.
  મેં તો લેખન કાર્ય માટે હજુ પહેલે પગથીએ પગ મુકયો છે. ખરેખર તો આપની પાસેથી ઘણુ બધુ નવું જાણવાનું અને શીખવાનું મળી શકે. પછી કોઈ પણ વિષય હોય !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: