સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – 8 : ઘાસ

     સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દ્રશ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

    જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખયાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નારીયેળીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હિલ્લોળે તમારા દિલમાંય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ  કરતો ઘૂઘવી રહ્યો છે.

       તમે આ આનંદના સાગરમાં ડૂબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયિત બની ગયા છો.  તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હીંચોળી રહ્યો છે. અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતા પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યનાં કિરણોથી તપ્ત બની ફૂલી અને સંકોચાઈ રહ્યાં છે- શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે.

      તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એકતાલ બનવા માંડે છે. અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

     અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શીતળતા વિદાય લઈ ચૂકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાને ગ્રસીને ઓહિયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાની ચિરંતન ભુખ તમારો કોળીયો કરવા આતૂરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ વિના  તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

   તમે એક્દમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કૂમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દૂર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો.

    અને એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો. તમે પસીને રેબઝેબ, આ દિવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો. સામે દૂર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે. જીવનનું સૌદર્ય શું? અને જીવનની ક્રૂરતા શું? – એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે.

     સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણ વિરામ મૂકવું કે કેમ તેવું તમે વિચારતા થઈ જાઓ છો. અને …. આ મામલામાં વધુ ઊંડા ઊતરવા કરતાં ‘ આજની ઘડી રળિયામણી’ ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.

37 responses to “જીવન – 8 : ઘાસ

  1. સુરેશ ફેબ્રુવારી 4, 2008 પર 10:44 એ એમ (am)

    જીવનનો આ ચીતાર આકસ્મીક જ સોમવારની સવારે ચીત્તમાં ઉભરાઈ આવ્યો. વૈજ્ઞાનીક સત્યના આધારવાળું આ ચીત્ર કેવું લાગ્યું?
    આ જ તો વાસ્તવીકતા છે.

  2. SURESH R PATEL ફેબ્રુવારી 6, 2008 પર 4:12 એ એમ (am)

    ekdam adbhut anubhuti thai…….
    vanchta paldi jawayu……. bahar nikdta thandak anubhavi………
    tnx……

  3. Jignesh ફેબ્રુવારી 6, 2008 પર 6:00 એ એમ (am)

    aamey aaje thandak che
    sharir ne to thandak hati j
    man ne pan thandak mali

  4. Chirag Patel ફેબ્રુવારી 6, 2008 પર 8:26 એ એમ (am)

    અદ્ભુત ચીત્રણ થયું છે દાદા. ઘણું જ ગમ્યું. આવો તો કેટલાંય અનુભવો આ મનમંદીરમાં ઢબુરાઈને પડ્યાં હશે, જે ક્યારેક બહાર આવશે.

  5. pragnaju ફેબ્રુવારી 6, 2008 પર 10:40 એ એમ (am)

    આખો લેખ બે વાર વાંચી છેલ્લી પંક્તીમાં-‘આજની ઘડી રળીયામણી’ ના તમને મળેલાં મહામુલ્ય રત્ન જેવાં જીવનસુત્ર અને જીવનશૈલીમાં તમારો વીશ્વાસ હવે દ્રઢ બની ગયો છે’સાંત્વન મળ્યું.ત્યારે જોગાનુ જોગ ગીત સંભળાતુ હતું…
    इश्वर सत्य है
    सत्य ही शिव है
    शिव ही सुन्दर है
    जागो उठ कर देखो
    जीवन ज्योत उजागर है

    सत्यम शिवम सुन्दरम – २
    इश्वर सत्य है
    सत्य ही शिव है
    शिव ही सुन्दर है
    सत्यम शिवम सुन्दरम – २

    राम अवध में काशी में शिव कांहा वर्‍इन्दवन में
    दया करो प्रभू देखूँ इन को – २
    हर घर के आँगन में
    राधा मोहन शरणम
    सत्यम शिवम सुन्दरम – २

    एक सूर्या है एक गगन है एक ही धरती माता
    दया करो प्रभू एक बनें सब
    सब का एक से नाता
    राधा मोहन शरणम
    सत्यम शिवम सुन्दरम – २

  6. સુરેશ ફેબ્રુવારી 6, 2008 પર 11:00 એ એમ (am)

    સારું અને નરસું બન્ને પ્રકૃતીના ભાગ જ છે. સત્વની સાથે તમસ પણ રમમાણ છે જ્. બન્ને વચ્ચેની આ યુગો જુની રમત કે લડત , કણકણમાં હર ક્ષણે ચાલી રહી છે, એનું માત્ર ચીત્રણ જ અહીં કર્યું છે.
    પણ લેખક તરીકે મારો પ્રતીભાવ છેલ્લા બે ફકરામાં વ્યક્ત કર્યો છે. ઈતીહાસમાં નજર કરતાં કદીક સત્ય તો કદીક અસત્યનો વીજય થતો દેખાય છે.
    પણ આ રમતની એક શુભ પેદાશ છે …. ઉત્ક્રાંતી અને વીકાસ – ભૌતીક તેમ જ ચૈતસીક. આપણે સતના, પ્રકાશના સહભાગી થવા હર ક્ષણે ઉદ્યમી રહીએ તે જ મારી શુભેચ્છા છે.

  7. RAJNI PARIKH ફેબ્રુવારી 6, 2008 પર 11:15 પી એમ(pm)

    jivanni aa vastavikta che chata jaldi swikarva taiyar nathi past ane future ma ramie chie adbhut darshan karaviu very good

  8. chetu ફેબ્રુવારી 16, 2008 પર 9:52 એ એમ (am)

    આ બધુ વાંચી ને કૈક અલગ જ અનુભૂતિ થઇ….!..ઘણી વાર અમુક વિચારો એવા આવતા હોય પણ આપણ ને વ્ય્ક્ત કરવા શબ્દો નથી મળતા હોતા..!

  9. mehul એપ્રિલ 18, 2008 પર 12:21 એ એમ (am)

    pan lilu joyu ne tame yaad aaya…jane mausam no pehlo ……varsad jilyo…..!!!!

    great sir!!!!! Kaviraj Shri suresh

  10. Dhaval Navaneet એપ્રિલ 26, 2008 પર 1:03 એ એમ (am)

    vaishaki badbadta tap vachche limda niche basi ne madto aanand aa rachana ne vachi ne madta aanand saman chhe…….abhar sit

  11. rajeshwari મે 9, 2008 પર 6:33 એ એમ (am)

    Yes,This the prosedure inReiki healing and Crystal healing method…..
    we apply the same for the payients who are in stress,tension or depression.This gives them a great relief. I cured one boy studying in 8th recently. He was having acute diabetes, high blood pressure and in terrific stress….was not able to give his annual exam. After treatment he gave exam ang got excellent result.

  12. Pingback: Truth - સત્ય જેવું જગે કોઈ ના જડ્યું. « તુલસીદલ

  13. Pingback: Grass « Expressions

  14. Valibhai Musa એપ્રિલ 8, 2010 પર 2:02 પી એમ(pm)

    સુરેશભાઈ,

    તમારા અંગ્રેજી Slogan – “Live this moment Powerfully” અને ગુજરાતીમાં વળી આ ‘ આજની ઘડી રળિયામણી’! ભાવાત્મક રીતે બંને કેવાં એકબીજાનાં પૂરક! વાહ, ભાઈ વાહ!

  15. Ramesh Patel એપ્રિલ 9, 2010 પર 11:54 પી એમ(pm)

    What to say more about this?

    let us flow and watch how life is running.

    learn to forget which is not suiting ti us.

    Ramesh Patel(Aakashdeep)

  16. Pingback: આ માટે | ગદ્યસુર

  17. la'kant માર્ચ 12, 2011 પર 7:54 પી એમ(pm)

    Yes, after you telephoned…yesterday, I too had a small “RE-CALL Journey…”back to one of my L-I-V-E experiences…. of some RETREAT
    Prorammes /Seminars attended & participated IN ‘DILSE’ initiated by an
    Authority-welknown NAMED “SILO…”( d Promoter of ” Humanist Movement” [Details may follow if you desire so]
    “cohesion” is d word he uses….takes you der…towards d DESTINATION/Manzil…so to say….
    lighter… enjoying the power of ‘IMAGINATION’, BECAUSE…WHERE LIVES ‘G.O.D’ OR SAY GODLIKE/GODLY/ HEAVENLY THING/s are seen der!!!We had many such sessions having d similar EXPERIENCES, like d one you have described above in .ThanQ Sir, for being instrumental in re’enlivening dat loveable thing…..Keep on sharing..
    -La Kant,”KAINK’

  18. la'kant માર્ચ 12, 2011 પર 8:06 પી એમ(pm)

    Also… What rajeshwari has conveyed ( on 9-5-’08)…it leads to ,basically, deep within, i.e. A sort of MEDITATIONAL PRACTICE … FOR SEARCH and Self Research… for understanding d PURPOSE and.. d Ultimate goal to be achieved… like
    STANDING ERECT AT 12.00 Noon. below d Sun.. HAVING OUR OWN SHADOW ELEMINATED ( say, absorbed in d BEING…) SORT OF THING.
    Umay try to describe in a better way still…..La,Kant…,”KAINK”

  19. Sharad Shah માર્ચ 21, 2011 પર 10:08 એ એમ (am)

    પ્રિય સુરેશ્ભાઈ;
    પ્રેમ;
    કેટલાંય સુત્રો એવાં છે કે એમાનુ એકાદ પણ સુત્ર આપણે આત્મસાત કરીએ તો ગીતા કે બાઈબલ કે કુરાન કે ધમ્મપદ વાંચવાની કોઇ જરુર નથી. કે નથી જરુર કોઇ બુદ્ધ પુરુષોની કે ગુરુઓની. “Live this moment Powerfully” કે “આજની ઘડી રળીયામણી” કે ““Be here and now” કે “Live in present moment” જુદી જુદી રીતે કહેવામા આવ્યું છે અને આપણે બધા આ સૂત્ર જાણીએ છીએ. અથવા આવા બીજા સૂત્રો જેમકે “ઘટ ઘટમેં બસે હૈ રામ” કે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો “Everything here is a form of energy”.આવા બહુમુલ્ય સુત્રો લગભગ બધા જાણે છે. છત્તાં કેમ કાંઈ પરિવર્તન આવતું નથી આપણા જીવનમાં? સમસ્યા ક્યાં છે? શું આપણને આપણી સમસ્યાઓ દેખાય છે ખરી? મારા અનુભવે જણાયું છે કે લગભગ ૯૯%ને તો પોતાની સમસ્યાઑ દેખાતી જ નથી. હંમેશા બીજાની સમસ્યાઓ જોવા જ આપણે ટેવાયેલા છે.આપણી દ્રષ્ટિ સદા બહાર છે. ભિતર ભાગ્યે જ જોઈએ છીએ. ક્યારેક ભુલમા અંદર દ્રષ્ટિ પડી જાય, તો ભિતરની દુર્ગંધથી જીવ ગભરાવા માંડે છે અને તુંરંત પાછા ભાગી આવીએ છીએ. જાણે એક દુઃસ્વપ્ન જોયું હોય તેમ.મારી સમજ છે કે જ્યાં સુધી મને જ મારા રોગોની ખબર નથી પડતી અથવા ક્યારેક ખબર પડે તો તરત જ તે રોગો પ્રત્યે જો હું ઢાંકપીછેડો કરું કે અણદીઠૉ વ્યવહાર કરું તો ક્યારેય પણ હું એ રોગોમાંથી મુક્ત થઈ શકવાનો નથી. ગમે તેટલા સુવાક્યો કે સત્યવચનો મને સુધરી શકવાના નથી કે રોગમુક્ત કરી શકવાના નથી તે નિશ્ચિત છે.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

  20. અક્ષયપાત્ર/Axaypatra ઓક્ટોબર 1, 2011 પર 5:47 પી એમ(pm)

    હાં આ બીજીવાર વાંચ્યું. આપણી ક્ષુદ્રતાનું ભાન આપણને સત્યની નજીક લઈ જઈ શકે પણ શરદભાઈના પ્રતિભાવમાં છે તેમ આપણે અંદર દ્રષ્ટિ કરવા ટેવાયેલા નથી અને તેથી જ આ ક્ષુદ્રતાનું ભાન થતું નથી.
    શરદભાઈને ક્યારેક મળવાનું સદભાગ્ય સાંપડે એવી આશા સેવું છું. ઓશોની ઓડિયોનો સેટ સાંભળીને અને એમનું લખાણ હું વાંચીને ઘણા સમયથી પ્રભાવિત છું. આવી અસરથી ગભરાઈ જનારો ય ઘણો મોટો વર્ગ છે. આવા ગભરાયેલા લોકો વચ્ચે ઘેરાયેલા આપણે પણ બહુ બહાર નીકળી શક્તા નથી.

  21. Pingback: મિત્રો મળ્યા – કાજી કવિ « ગદ્યસુર

  22. Anila Patel જાન્યુઆરી 5, 2013 પર 12:14 પી એમ(pm)

    ઘાસની સાથે ઘાસ બની તાદાત્મ્ય સાધુ ત્યાજ ઘસથી દૂર જઇ વિરહની વેદના અને એકાંતનો અનુભવ થયા વગર ન રહ્યો. આ અનોભૂતિ આ લેખ સાથ્ર અવિસ્મરણીય બની રહેશે.

  23. Vinod R. Patel જાન્યુઆરી 5, 2013 પર 1:36 પી એમ(pm)

    હરિયાળા ઘાસ ઉપરના આ ગદ્યાત્મક કાવ્યમાં સુરેશભાઈ એક ચિંતક તરીકે સારી રીતે ઉભર્યા છે અને જીવનનાં સત્યો ઉપર જે પ્રકાશ પાથર્યો છે એમાં વિહરવાનો આનંદ માણ્યો .

    અમદાવાદમાં રહીને જુના મિત્રોને મળી એમની મિત્રતાને લેખો દ્વારા નવા સ્વરૂપે
    તાજી કરી એના વિષે વાંચીને એમના જેટલો જ આનંદ લીધો .
    એમની આ સફર એ રીતે સફળ બની ગઈ .

  24. Pingback: બની આઝાદ – પ્રેમ | ગદ્યસુર

  25. aataawaani માર્ચ 14, 2013 પર 9:25 એ એમ (am)

    સુરેશભાઈ તમારી કાવ્ય રચના અને તમારા ભેજાને લાખો સલામ . તમારી આવી કુશળતા અમર રહો .

  26. Pingback: અહાહા…અરેરે… | સૂરસાધના

  27. La Kant Thakkar જૂન 6, 2014 પર 9:52 એ એમ (am)

    Your ….version of naration took me to my SUCH experience …which just COMES ALIVE NOW IN THIS MOMENT . DURING MY VISIT TO Kashmir..IN .1983,I was a TREE MYSELF under COOL SUN AT12.00 NOON ….& similar process going inside MEwas more or less SAME !

    Guided experiences is “a PROCESS” of a sort of Pre-empting and BEING A PART OF A STORY ( JUST LIKE WHAT YOU HAVE DESCRIBED,)…[Of-course IMAGINARY ONLY]….which was taught in Sessions of ‘ RETREAT’ ,devised by “SILO” of Argentina,who gave “HUMANIST MOVEMENT” .

    It can be said to be SIMILAR to “Method of regression” -the other end of it .
    What you have concluded(એક ચિંતક તરીકે સારી રીતે ઉભર્યા છે) and “WHAT OUR DEAR FRIEND Sha.Sha. has SAID ” has element of ‘TRUTH’ -[YATHAARTH- (યથાર્થ)] જ છે.
    [“આપણી દ્રષ્ટિ સદા બહાર છે. ભિતર ભાગ્યે જ જોઈએ છીએ. ક્યારેક ભુલમા અંદર દ્રષ્ટિ પડી જાય, ”
    મારા અનુભવે જણાયું છે કે લગભગ ૯૯%ને તો પોતાની સમસ્યાઑ દેખાતી જ નથી. હંમેશા બીજાની સમસ્યાઓ જોવા જ આપણે ટેવાયેલા છે.”]

  28. La Kant Thakkar જૂન 6, 2014 પર 10:16 એ એમ (am)

    “મારા ” કંઈક ” માંથી………..

    બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
    જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
    થર પર થર પર થર એવા ફોરાં વરસે!
    રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
    અંતર ઝૂલે એક લય બસ ફોરાં વરસે!
    જંતર બાજે ઝનઝન એમ ફોરાં વરસે!
    રોમ રોમમાં થાય થનગન ફોરાં વરસે ,
    અંગઅંગ આ લથબથ થાય ફોરાં વરસે,
    આ ઊનાં ઊનાં શ્વાસ જોને ફોરાં વરસે!
    ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
    મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
    અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે!
    [ પહેલગામ (કાશ્મીર)ની ‘ન્યુપાર્ક હોટેલ’નીબહાર, બારીનાકાચમાંથી
    જોયેલા વરસતા એ પરિવેશ, કુદરતના નઝારા/,એક દૃશ્યની સ્મૃતિ શારીરિક,માનસિક,ચૈતસિક અનુભવ આમ કઈંક શબ્દાંકિત થયો! ]
    ====================

    ગેબી નાદના મોજાં,ધ્વનિ આંદોલનો ભાળું હું,
    ભીતર વારંવાર ફરી ઉછળે!સતત અપરંપાર હું!
    આ ગૂંજ,આ વ્યાપ, આ રણઝણ, ધ્રૂજારી,ને હું,
    આ ઘંટારવ, આ ઘૂમરાવ!તાણી જાય છે,ઊંડે
    વમળમાં વમળ, વમળના ચક્કર! ઔર ઊંડે !
    જાણે, ‘બ્લેકહોલ’ના અકળ તળ! ને, ઠરું હું માત્ર
    બિંદુમાં એવી રીતે,-જાણે,સોયની અણીએ ઓસબૂન્દ,જળ!
    સમયમાં સ્થિર થયેલી એક પળ!

    ***
    કલ્પનાનું સુખ, છે ભ્રમણાનું સુખ એમ !
    ખરુંજ માનવું, ને, માણવું!, જળની જેમ,
    ‘ગતિ’માં હોય તે પહોંચે,કો’દિ'”સ્વ”બળે!
    એકદિ’ તો “એ”થશે સન્મુખ, શુભ ક્ષણે!
    મુજ ખાલીપણામાં,ઈશ્વર ઉપસશે જે પળે ,
    તથ્ય મારું થઇ પછી,તેજ-આભા વિસ્તરે!
    જગ નિરર્થક લાગશે,ને,સમજાશે સમસ્ત રે!
    પછી પ્રતીક્ષા જરૂર રંગ લાવશે,ને કામ થશે!
    એને પામવા સહજ અનુભૂતિ થાય,ઘટે તો ઘટે!
    બુદ્ધિથી પહોંચાય એમ ધારણાથી સ્વઅંતર-પટે?.
    એ કોયડો,બુદ્ધિના-દિમાગના ઉધામાથી ન છૂટે,-
    શાસ્ત્ર-જ્ઞાન નો મારગ અતિ દુષ્કર,લાંબો છેવટે!
    એ પાર કર્યાનો દાવો-ભ્રમ ભલે સેવે તું મન-પટે
    અકળ ઈશ્વરને શરણ તો જાવુંજ પડે છે,નાછૂટકે!
    મારગ ‘શ્રેષ્ઠ ને સરલ’ પામવાનો પરમ-પદને,
    અલગ કેમ ન હોઈ શકે? , તારે માટે,મારે માટે?
    ***

    મારું ભીતર જ્યારે અવકાશ પરસ્ત બને છે
    ઉઘાડ મળે છે, મન સ્ફટિક સ્વચ્છ બને છે,
    મારું અસ્તિત્વ નીરવ એકાંતે ઝળહળે છે!
    એનું સ્વામીત્વ, અરવ ભીતરે સળવળે છે!
    જળ હળવા હિલોળા લે,ઘણું સમજાય છે!
    શીતલ શો આનંદ સઘળે બહુ વરતાય છે!
    માણેલી સુગંધ વર્ષો પછી ફરી મહેકે છે!
    સ્મૃતિબંધમાં સચવાયલું ચમત્કાર સર્જે છે!
    કોઈ ભ્રમ ભાર વિનાનું મન ઝળુંબે રમે છે,
    સર્વત્ર આનંદ,આનંદ,પરમ આનંદ રમે છે!
    ***-
    કોચલું ફોડવાનું કૌવત!

    આ કોચલું આપણું જ ઘડ્યું ,મનના બંધ બાંધ્યા તેજ!
    ખુદની માન્યતાજ નડે ખૂબજ,ભ્રમના ફેરા એના એજ!
    માન્યતાનું શીર્ષાસન જ સાચો ઉપાય,તેની પાર જવા,
    મન બદલે તો જ જીવાય, મૌજ ને લિજ્જત આવે સે’જ,
    મનના આકાશની સીમા ન બાંધીએ, ઓ મારા ભાઈ!
    આવરણ જો હટે ભ્રમના, અહં કોચલું જો ફોડીએ,ભાઈ,
    ખોલીએ જો મનના દ્વાર,ગતિ,વિકાસ,ઊંચું ઉડ્ડયન મળે,-
    હિંમત રાખી હૈયે,કરી મન મક્કમ,નિર્ધાર ધરીએ ભાઈ !
    ***
    — આ લ્યો તમે તો મને ન્યાલ કરી દીધો !
    -લા’ કાંત / ૬.૬.૧૪

  29. Pingback: હોબી પ્રોગ્રામિંગ « વેબગુર્જરીવેબગુર્જરી

  30. Pingback: અહાહા! અરેરે… | સૂરસાધના

  31. Pingback: જીવન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?