સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મિત્રો મળ્યા – લાલાને વ્હાલાં

મંજીરાની રમઝટ જમાવતા એ તો ભજનમાં તલ્લીન  થઈને બેઠા છે. એમનાં પત્ની મધુર રાગે એમના વ્હાલા લાલાનું ભજન ગાઈ રહ્યાં છે. કીબોર્ડ પર એક અને ઢોલક પર  બીજા સાજિંદા એમાં સૂર અને તાલ પૂરી રહ્યાં છે. સાથી ભજનિક બહેનો પણ દિલ દઈને ભજનમાં સાથ પૂરાવી રહી છે.

અને ત્યાં જ  એકાએક બે મહિલાઓ ધસી આવે છે.  ‘શું થયુ?’ એમ પૂછવા જાઉં એટલામાં તો એ બન્ને ભજનના તાલે નાચવા લાગે છે. એ છે – મારી બહેન ડો. દક્ષા જાની અને સાળાવેલી મિનાક્ષી ત્રિવેદી. સૌ શ્રોતાઓ આ મનને, દિલને મુગ્ધ કરી નાંખે તેવા માહોલમાં તલ્લીન બની જાય છે. આ નર્તનમાં હું અને મારા મોટાભાઈ ભરતભાઈ પણ જોડાય છે.

અમદાવાદ ખાતેની મારી નાનકડી મઢૂલી જેવા ‘રાજધાની પેલેસ’ (!) એપાર્ટમેન્ટમાં આ રમઝટ જામી છે. જોઈ લો એની બે ઝલક.

જામી છે ભક્તિરસની રમઝટ

બે બાંધવ પણ નાચ્યા

પણ કોણ છે – એ લાલાને વ્હાલાં ભજનકાર બહેન અને મંજીરા વાદક ? લો ..  એમને પણ જોઈ લો..

મીનાબેન ઠક્કર અને એમનો વ્હાલો લાલો

મંજીરા વગાડવામામાં લીન પ્રવીણ ઠક્કર

તમે ના જાણતા હો તો જાણી લો.

એ છે – શ્રી. પ્રવીણ ઠક્કર અને શ્રીમતિ મીના ઠક્કર. પ્રવીણભાઈ મારા બ્લોગર મિત્ર છે. અનેક ફોન સમ્પર્કો છતાં અમે નહોતા મળી શક્યા. એથી મળવા આતૂર બનેલા પ્રવીણ ભાઈ નાનકડી માંદગીમાંથી ઊઠીને, બીજે દિવસે આર.ટી.ઓ.માં લાયસન્સ રિન્યુ કરાવી, થાકેલ હોવા છતાં,  મારા ફ્લેટ પર આવ્યા હતા. ત્યારે જ એમનો ચહેરો પહેલી વાર જોયો હતો.

ગુજરાત રાજ્યના ખાણ વિભાગના આ ક્લાસ વન ઓફિસરના જીવન અને અજીબોગરીબ મનોરાજ્યનો પ્રત્યક્ષ પરિચય મને એમની વાતો પરથી તરત  થયો. પોતાનાં  પત્ની, અને અમદાવાદમાં જાણીતા બનેલાં ભજનિક મીનાબેનને એમના પૂણ્યકાર્યમાં પ્રવીણભાઈએ જે સાથ આપ્યો છે; તે ઘણા ભારતીય ભાયડાઓ માટે પ્રેરણારૂપ બને તેમ છે. ઘણા વર્ષોના લગ્નજીવન બાદ પણ માતા ન બની શકનાર મીનાબેને યશોદાના લાલાને જ પોતીકો બનાવી દીધો; અને એ લાલાએ જ આપેલ મધુર સ્વરની લ્હાણ એમણે જનતાને કરવા માંડી. પ્રવીણભાઈ એવા અજોડ જીવનસાથી કે, એમણે પત્નીના આ મનોરાજ્યને મહોરવા દીધું એટલું જ નહીં;  પોતે પણ એમાં એકરૂપ બની ગયા. ઓફિસ કામ બાદ મળતા ફાજલ સમયનો આવો સદુપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

અને આ જીવન વૃત્તાંત જાણી સંકલ્પ ઉપજી આવ્યો – આ જુગલજોડીના ભજનથી મારા નાનકડા ઝુંપડાને પાવન કરું. પ્રવીણભાઈ તરત સમ્મત થઈ ગયા; અને ઉપર જણાવેલ, કદી ન ભૂલાય તેવો ભજન સત્સંગ અંગત સંબંધીઓ અને ખાસ મિત્રોની સંગમાં, મારા ઘરમાં યોજાઈ ગયો.  બધા મિત્રો અને સગાંઓનાં નામ આપી વાચક માટે રસક્ષતિ નથી કરતો. પણ, વાચકોને જાણીને સાનંદાશ્ચર્ય થશે કે. મારા વ્હાલીડા વલી’દા પણ  એમના કુટુમ્બના ત્રણ સભ્યો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. એમની ધર્મનિરપેક્ષતાને સો સલામ.

અને પછી તો અમારો સંબંધ વધારે ઘનિષ્ઠ બન્યો. એમને ઘેર જમવાનો અને અમદાવાદના પરાં, ઘોડાસરમાં યોજાયેલ એમના ભજનમાં  ભક્તિરસ માણવાનો લ્હાવો પણ મળ્યો.

પ્રવીણભાઈ અને મીનાબેન - એમના ઘરમાં

ભજનમાં તલ્લીન

ભક્તોનો ઉમંગ

પ્રવીણ ભાઈનો બ્લોગ માણવા અહીં ‘ક્લિક’ કરો.

ભૂતકાળમાં થોડેક જ દૂર નજર કરું તો…..

અમદાવાદ તરફ પ્રયાણ કરતાં પહેલાં મેં મિત્રોને આમ ખબર આપી હતી.

પ્રિય નેટ મિત્ર, 

     2005 ડિસે. પછી પાંચ વર્ષે અમદાવાદ આવવાનો પ્લાન છે. જેમને કદી જોયા નથી; એવા નેટ મિત્રોને રૂબરૂ મળવા મન થાય તે સ્વાભાવિક છે.

અને પ્રવીણભાઈએ તત્કાળ આમ પ્રતિભાવ પાઠવ્યો હતો.

એક મુરબ્બી (સ્વજન જ) હજારો ગાંઉથી આવવાના છે તે જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે. શબ્દોમાં વ્યક્ત થઇ શકે તેમ નથી. વેલકમ ઇન્ડીયા એન્ડ અમદાવાદ…ગુજરાત… ગુજરાત અમદાવાદની મુલાકાત લઇને ઘણું બધુ લખાવાનું મળશે.. અહીંની પ્રગતિને નજરે માણી શકાશે..

આ છે- અમદાવાદમાં પાંગરેલા અમારા મૈત્રીભાવનું બીજ.

એમના ભાવજગતની એક નિષ્પત્તિ –

મારો લાલો એવો છે, એ સૌનો વ્‍હાલો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે

એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.

એની આંખોમાં મસ્‍તી, એના હાસ્‍યમાં છે તોફાન.

એનું નામ જ કૃષ્‍ણ છે, એ કર્તા હર્તા છે,

રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે,

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે

આખું ભજન વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

કુદરત આપણાં જીવનને શો આકાર અને દિશા આપે છે
– તે તો આપણા હાથમાં નથી હોતું.
પણ જે આવી પડ્યું હોય,
તેને હકારાત્મક વળાંક
આપણે જરૂર આપી શકીએ-

આ છે આ જોડીના જીવનની ફલશ્રુતિ.

તમને વ્હાલાં લાગ્યાં – આ ‘ લાલાને વ્હાલાં; બે જણ?

22 responses to “મિત્રો મળ્યા – લાલાને વ્હાલાં

  1. અખિલ સુતરીઆ એપ્રિલ 18, 2011 પર 2:38 એ એમ (am)

    ગાંધીનગરથી પરત ફરતી વખતે અમદાવાદના બસસ્ટેન્ડ પર પ્રવિણભાઇને પહેલીવાર જોયા. તેમની મારૂતી 800માં તેમના નિવાસસ્થાને પહોંચ્યા. આ દંપતિને સાડાત્રણેક વર્ષ પહેલા …..માર્ગદર્શન અભિયાનના ઘડતરના સમય વખતે તેમના નિવાસસ્થાને મળવાનું થયું હતુ. તે વખતે અમદાવાદના શુભેચ્છમિત્રો અને સમાનવિચારસરણી ધરાવતા વ્યક્તિઓને તેમણે પોતાના ઘરે એક પરિચય મીટીંગ રાખી એકઠા કર્યાનું યાદ છે. ત્યાર બળબળતા બપોરે નજીકની થંડાગાર એસી લંચરૂમની સુવિધાવાળી હોટલ(નામ યાદ નથી) માં આગ્રહપૂર્વકનું ભોજન કરાવ્યું હતુ … અને પછી વડોદરા આવવા માટે એક્ષપ્રેસવે નજીકના સ્ટેન્ડ પરથી અમને બસ દ્વારા રવાના કર્યા હતા. તે વખતે અમારી પાસે અમારૂં વાહન ન હતું.

  2. atuljaniagantuk એપ્રિલ 18, 2011 પર 5:45 એ એમ (am)

    જેને લાલો વ્હાલો હોય તે કોને વ્હાલા ન લાગે?

  3. Siddharth એપ્રિલ 18, 2011 પર 7:15 એ એમ (am)

    Very nice.
    A wonderful couple and amazing gathering.
    I felt as if I was there.

    Siddharth

  4. Valibhai Musa એપ્રિલ 18, 2011 પર 7:25 એ એમ (am)

    “વાચકોને જાણીને સાનંદાશ્ચર્ય થશે કે. મારા વ્હાલીડા વલી’દા પણ એમના કુટુમ્બના ત્રણ સભ્યો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. એમની ધર્મનિરપેક્ષતાને સો સલામ.”

    સુરેશભાઈ,

    સલામ મને એકલાને અને મારા પરિવારને જ કેમ ? તમને તો ગામ બતાવ્યું છે અને વિવિધ કેટલાય લોકોની મુલાકાત કરાવી છે. અન્ય વાંચકો મારા ગામ અને સમાજ અંગે થોડુંક વિશેષ જાણી શકે તે માટે મારા લેખ “માનવતાના મારગડે આશાનાં કિરણો” ને નીચેના લિંકે વાંચવાની ભલમણ કરું છું.:-

    (173) માનવતાના મારગડે આશાનાં કિરણો

    જો કે અમે લોકો મોડા પડ્યા હતા, છતાંય છેલ્લું ભજન અને આરતીમાં અમે સામેલ હતાં.
    મારા વચેટ દીકરા અકબરલી અને હું બંને હાજી (ઘરમાં બીજાં પણ હાજી- હાજીયાણી છે) હોઈ દાઢીધારી હતા. મારાં વાઈફ લાડકીબાઈ (હાજીયાણી) ગુજરાતી સાડી-બ્લાઉઝ માં, મારી સૌથી નાની પુત્રવધૂ શબાના પંજાબી ડ્રેસમાં અને અકબરઅલીની વાઈફ
    શાહીન ઈરાનીઅન હિજાબ (ખુલ્લા ચહેરા સાથેનો મર્યાદાશીલ પોષાક)માં હતી.

    સુરેશભાઈએ મને પાછળથી કહેલું કે શાહીનને જોઈને બધાં નવાઈ પામ્યાં હતાં.

    જો અમે વહેલા પહોંચ્યા હોત અને મને કહેવામાં આવ્યું હોત તો બેચાર ભજનોની છૂટીછવાઈ કડીઓ મને મોંઢે હતી અને રાગ સાથે હું ગાઈ સંભળાવત.

    મે-જુનમાં અમેરિકા આવવાનું વિચારું છું. જો ત્યાં ભજનનો કાર્યક્રમ રાખશો તો અધૂરી ઈચ્છા પૂરી કરીશ.

    • Atul Jani (Agantuk) એપ્રિલ 18, 2011 પર 8:08 એ એમ (am)

      શ્રી વલીભાઈ,

      આપનો ઉપરનિ લિન્ક પરનો લેખ વાંચ્યો. ત્યાં નીચે પ્રમાણે પ્રતિભાવ આપેલ છે.

      ———————

      શ્રી વલીભાઈ
      ઘણાં સમયથી આપના લેખો દ્વારા આપના પરીચયમાં છું. આપની બુદ્ધિમત્તા, લેખનશૈલિ, જીવનશૈલિ, સમાજ માટે હંમેશા કશુંક કરી છુટવાની ભાવના અને ખાસ તો આપ એક સાચા માણસ છો તે વાતે મંને હંમેશા આપના પ્રત્યે એક આકર્ષણ અને માન રહ્યું છે.

      ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વૈદિક સંસ્કૃતિ વિષે વાત કરું તો આ સંસ્કૃતિ પ્રત્યેક માણસની અંદર આત્માને નીહાળે છે માત્ર એટલું જ નહિં પણ તે પ્રત્યેક પ્રાણીઓ અને વૃક્ષો અને જીવંત ચેતના સાથે આત્મિયતા અનુભવવાનો પ્રયાસ કરે છે. દંભી ધર્મો અને તેના ઠેકેદારોએ વાતાવરણને હંમેશા કલુષિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે માનવ માનવ વચ્ચે ખાઈઓ ખોદી છે. પરંતુ હવે તે બધાનો સમય પણ પાકી ગયો છે. સર્વ ઉદારમત વાદીઓ અને સહિષ્ણુ લોકો સમગ્ર માનવ જાતના એકત્વને સિદ્ધ કરશે અને વિરોધી લોકો પણ પાછળથી સત્ય છે તે સ્વીકારશે અને ફરી પાછા મુળ ભુત ચૈતન્યના મહાપ્રવાહમાં હોંશે હોંશે ભળશે.

      અલબત્ત આ બધું કાઇ એક દિવસમાં નહિં થાય – તે માટે આપના જેવા સજ્જનોનો સતત ભગીરથ પ્રયાસ ચાલુ રહેવો જોઈશે.

      વધુ તો નાના મોઢે શું મોટી વાત કરુ?

      સર્વે ભવન્તુ સુખિન:
      સર્વે સન્તુ નિરામયા:
      સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
      મા કશ્ચિત દુ:ખમાપ્નુયાત

      • સુરેશ જાની એપ્રિલ 18, 2011 પર 8:38 એ એમ (am)

        પ્રિય ભાઈ અતુલ
        ‘ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વૈદિક સંસ્કૃતિ’ ……..આમ નામ ન આપીએ તો?
        આ ભાવ તો જગતના તમામ ધર્મોમાં, ફિલસૂફીઓમાં મૂળભૂત છે જ. એને કોઈ લેબલ ન હોય, તો જ એ સર્વવ્યાપી બનશે. આ ભાવ જે મિત્રોને મળ્યો છું , એ બધામાં જોયો છે, માણ્યો છે.
        માટે જ ….

        વૈષ્ણવજન બનીએ.
        સાચા ખ્રિસ્તી બનીએ
        પાક મુસ્લિમ બનીએ
        તપસ્વી જૈન બનીએ
        સૌ માટે મંગળકામના ચાહતા બુદ્ધ બનીએ
        માનવતાવાદી વિવેકપંથી બનીએ.
        —————————-

        બહુ જ મનોમંથન અને વ્યથા પછી લખાયેલો આખો લેખ વાંચવા સૌ મિત્રોને ખાસ ભલામણ.

        આ માટે

  5. pragnaju એપ્રિલ 18, 2011 પર 7:53 એ એમ (am)

    વાહ !આજે તો અમારા માતાપિતા યાદ કરાવી દીધા.મારા પિતાના મત્યુને દિવસે પણ બા પાસે ભજન ગવડાવ્યું હતું! તેમની વાત યાદ આવે.લાલાને હાથમાં લેતાં પૂતના રાક્ષસીનાં હૃદયમાં પણ વહાલની સેરો ફૂટી! વિષપાન કરાવતા કેટલું કષ્ટ પડ્યું હશે!સ્વામી રામતીર્થે અમેરિકન ગોરી સ્ત્રીને પાંદડાની ગોદડી પર સૂતેલાં, માંખથી બણબણતાં ને ગંધાતા ગોબરા એવા અનાથ હબસી બાળકમા લાલાના દર્શન કરાવ્યા હતા.આવા ભાવજગતમા આનંદ કરાવવા બદલ મીનાબેન,પ્રવીણભાઇ અને તમ સૌ ભક્તમંડળને શ્રીકૃષ્ણ

  6. Capt. Narendra એપ્રિલ 18, 2011 પર 9:08 એ એમ (am)

    વાહ ભાઇ, ભજનનું વર્ણન તથા શબ્દો વાંચી જાણે સંાભળતો હોઉં તેવું લાગ્યું. આંખો બંધ કરી તો સૌની સાથે, પ્રવીણભાઇના મંજીરાનાં તાલે નાચતાં હોઇએ તેવી અનુભૂતિ થઇ! મજા પડી ગઇ. આવો લહાવો લેવાનો પ્રત્યક્ષ મોકો મળે તો ધન્ય થઇ જવાય. આભાર સુરેશભાઇ, આભાર પ્રવીણભાઇ અને મીનાબહેન આ ભક્તિરસની વર્ષામાં તરબોળ કરવા માટે!

  7. Atul Jani (Agantuk) એપ્રિલ 18, 2011 પર 9:17 એ એમ (am)

    દાદા

    બનવાનું નથી હોતું પણ હોવાનું હોય છે.

    જેવી રીતે વિજ્ઞાન એટલે અનેક વૈજ્ઞાનિકોએ મેળવેલા તારણો તેવી રીતે આર્ય સત્યો એટલે અનેક ઋષિઓ પછી તે પ્રાચિન હોય, મધ્યકાલીન હોય કે અત્યારના હોય તે સર્વએ કરેલા અનુભવો અને રજુ કરેલાં સત્યો. આ સત્ય વલીભાઈ, સુરેશ દાદા, ભરતભાઈ, ભુપેન્દ્રસિંહ, પ્રજ્ઞાજુ, મોરારીબાપુ, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, મહંમદ પૈંગમ્બર, મહાપ્રભુ ચૈતન્ય, સાઈબાબા કે કોઈ સામાન્ય “બાળક” પણ અનુભવી શકે અને રજુ કરે તો તે સત્ય જ કહેવાય અને જે કાઈ અનુભુતી અને સત્ય હોય તે બધુ વૈદિક જ ગણાય.

    હા વેદ આ સત્યોને વ્યવસ્થિત સ્વરુપમાં સાચવીને બેઠા છે – અને લોકોના અનુભવો અત્યારે પણ આ સત્યો સાથે સરખાવવામાં આવે તો મળતાં આવે છે – તેથી વેદ પ્રમાણ તરીકે હજુ આજે પણ અક્ષુણ્ણ રહ્યાં છે. જ્યારે જ્યારે અનુભુતી વેદથી વિપરીત જણાય ત્યારે ત્યારે તે બાબત પર વિવાદ થાય અને એકથી વધારે અનુભુતી કરનારાઓના મંતવ્ય લેવાય – અને તેવે વખતે પ્રામાણિક અને વધુ સાચી અનુભુતિ કરનાર્રાઓને પ્રમાણ તરીકે સ્વીકારીને વેદના તે ભાગનું ખંડન કે મંડન થાય.

    આ બધી શાસ્ત્રીય અને સુક્ષ્મ પ્રક્રીયાઓ પાછળ પૂર્વજોએ ઘણો સમય અને શક્તિ આપેલાં છે – તેમના જ્ઞાનના આં ભંડારને વેદ કે વૈદિક સંસ્કૃતિ કહું છું. આમાં કોઈ મત-મતાંતરો વાળા – કે યુગાચાર્યો કે યાજ્ઞિકો કે સંપ્રદાય વાળા વગેરેને વૈદિક સંસ્કૃતિ કહેવાતી નથી.

  8. Ravirajsinh I. Jadeja એપ્રિલ 18, 2011 પર 1:55 પી એમ(pm)

    લાલાની કૃપા વડે જ આ પ્રકારના ભજનો ગાઇ શકાય. અને જેને લાલો વ્હાલો હોય તેને બીજી શેની ફીકર હોય ? જે રીતે મીનાબહેન ભક્તિરસ મા ડુબીને ‘મારો લાલો એવો છે’ ભજન ગાય છે ત્યારે હુ ખાતરી પૂર્વક કહી શકુ કે કોઇપણ કૃષ્ણ ભક્ત એ વખતે નાચ્યા વિના રહી શકે નહી.

    • P U Thakkar ઓક્ટોબર 14, 2017 પર 1:34 એ એમ (am)

      રવીરાજસિંહજી જાડેજા…

      ઘણાં લાંબા ગાળા બાદ, આશરે, છ વર્ષ પછી આપની કોમેન્ટ ઉપર લખી રહ્યો છુ…

      ભાવજગતમાં કરેલી આપની કલ્પનાને ભક્તિભાવ તરીકે લેખું છુ…

      વિનંતીઃ ક્યારેક અમદાવાદ આવવાનું થાય અને સત્સંગનો કાર્યક્રમ હોય તો પ્રત્યક્ષ સદેહે પધારી તમારા ભક્તિભાવથી એ વાતાવરણને વધુ સુદૃઢ કરો … તો સત્સંગ થકી આપણે મળવાનું પણ થશે..

  9. dhavalrajgeera એપ્રિલ 18, 2011 પર 9:27 પી એમ(pm)

    મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્‍હાલો છે

  10. DR. CHANDRAVADAN MISTRY એપ્રિલ 19, 2011 પર 8:59 એ એમ (am)

    એ છે – શ્રી. પ્રવીણ ઠક્કર અને શ્રીમતિ મીના ઠક્કર. પ્રવીણભાઈ મારા બ્લોગર મિત્ર છે.
    Nice of you to meet Pravinbhai & his Wife Minaben..Thanks for sharing your enjoyable moment with them.
    Ihad the pleasure of visiting their Blogs…& it was nice of Pravinbhai to visit Chandrapukar.
    My best wishes & prayers for their good Health///& may they continue their Journey in the “BhaktiPanth”
    DR. CHANDRAVADAN MISTRY (chandrpukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sureshbhai..So you were there & Valibhai & his Family joined you too ! Nice !

  11. રૂપેન પટેલ એપ્રિલ 19, 2011 પર 12:03 પી એમ(pm)

    સુરેશદાદા ઠક્કર સાહેબનો બીજો એક બ્લોગ છે તે પણ માણવા જેવો છે . તે બ્લોગની લીંક http://minabenpthakkar.blogspot.com/

  12. atul bhatt એપ્રિલ 20, 2011 પર 7:41 એ એમ (am)

    bodiwala sathe vat thi che tari c.d mane mokalava kahyu che.

  13. puthakkar એપ્રિલ 22, 2011 પર 11:07 એ એમ (am)

    મુ. અને સ્નેહી શ્રી સુરેશભાઇ જાની, ની અમદાવાદ ખાતેની મુલાકાત વખતે ત્રણ-એક પ્રેમાળ મુલાકાતો થઇ. અમને દંપતિને એક સ્નેહાળ છત્રછાયા મળી હોય તેમ લાગ્યું.

    મારા ધર્મપત્નિ, (મીનાબેન પી. ઠક્કર) , કહે છે કે, મને ઇન્ટરનેટ મારફત લખવાનું આવડતું નથી તેથી મારા પતિદેવના માધ્યમ થકી મારી લાગણી વ્યક્ત કરુ છુ.

    ‘‘શ્રી સુરેશભાઇની હાજરીનો આપણને કોઇ ભાર જ ના લાગે. જ્ઞાની તો ય અત્યંત સ્નેહાળ. એકદમ સરળ વ્યક્તિત્વ. મુ. શ્રી સુ.જા.ના ઘેર સત્સંગ માટેનું આમંત્રણ મળતાં જ તારીખ સમય નક્કી થઇ ગયા. અને દિવાલોના ઘેરાવામાં પણ સત્સંગ એવો જામ્યો કે, દિવ્ય આનંદની અનુભૂતિ અમને બધાને થઇ. જ્યારે યજમાનના હૃદયમાં ભજન અને ભક્તિનો આનંદ ઘરબાયેલો હોય, તો ‘‘લાલા’’ નો દિવ્ય સ્નેહ સ્વયંભૂ નૃત્ય કરવા માંડે, એમ મારો ૧૬ વર્ષનો આ રાહ પરનો પ્રત્યક્ષ અનુભવ કહે છે. નરસિંહ મહેતા જેવા પ્રખર અને સાચા ભજનિકે ગાયું છે ને? …બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળુ, ઉભો ઉભો ગાય ત્યાં નાચું રે…એટલે ભજનમાં આવેલો સાચો આનંદ તો એ ભાવને આભારી છે.’’

    થોડું હું પણ કહુઃ- ભજનને પૂરો ન્યાય આપીને મુ.શ્રીએ કરેલી વ્યવસ્થા મુજબ અમારે બધાએ મુ.શ્રી સુરેશભાઇના ઘેર(અમદાવાદ) ભોજનને ન્યાય આપવાનો હતો. પણ ભજનનો કાર્યક્રમ ધારણા કરતાં લંબાયો હતો !! જ્યારે બીજી બાજુ, મુ.શ્રી સુરેશભાઇને ભજન પછી તૂર્ત જ શ્રી વલીભાઇ સાથે સંગીતના એક કાર્યક્રમમાં જવાનો સમય ક્યારનો ય થઇ ચૂક્યો હતો. છતાં શ્રી સુરેશભાઇના ચહેરા પર ક્યાંય કશો અજંપો કે ખોટી ઉતાવળ ન્હોતી વરતાતી. અલબત્ત, સંગીતના કાર્યક્રમમાં જવા માટે તેમના હલન ચલનમાં એક અજબ તત્પરતા હતી. સંગીત માટેની એક તડપન +૬૫ ના શરીરને એક યુવાનને શરમાવે તેવી ઇલેક્ટ્રીક એનર્જી પ્રગટાવતી હતી. પણ ચહેરા પર વિલસી રહેલો મહેમાનો પ્રત્યેનો આદરભાવ ખીલેલા તાજા ફૂલની ફોરમ સમ પ્રસરી રહ્યો હતો. મહેમાનોની ઉપસ્થિતી હતી અને યજમાનને તે સ્થળ છોડી જવું પડે તેવી પરિસ્થિતીનું મંડાણ ક્યારનુંય થઇ ચુકેલું હતુ. ભોજન સામગ્રી લઇને કેટરર ધાર્યા કરતાં થોડા મોંડા આવ્યા હતા. સંગીત કાર્યક્રમનો પોકાર મુ.શ્રીને એવી ઝડપ કરાવતો હતો કે, કેટરર સામગ્રી લાવી રહ્યો હતો ત્યારે મુ.શ્રી પોતે જ તેમાં સહકારનો હાથ લંબાવી રહ્યા હતા! મારા મનમાં થઇ આવ્યું કે, મહેમાનોની ખાતિર કરવાની દિલની નેક તમન્ના જ +૬૫ ના શરીરને આ સ્ફૂર્તી અને તાકાત આપી શકે. ઘણાં અંગત સ્નેહી સ્વજનો તે સ્થળે ઉપસ્થિત હતા પરંતુ તેઓ મુ.શ્રીને સહાયરૂપ થવાનું સમજે તે પહેલાં જ બધું જાણે સ્વયંભૂ ગોઠવાઇ ગયું અને મુ.શ્રી સુરેશભાઇ, ભોજન ચાલુ કરાવીને એકપણ ક્ષણના વધારાના વિલંબ વગર જ શ્રી વલીભાઇ સાથે બધાને ‘આવજો, મારે સંગીતના એક કાર્યક્રમમાં જવાનું છે’ કહીને ચાલી નીકળ્યા. ઘર, ભોજન, બધું જ મહેમાનોને સોંપીને !! છોડી દેવું કેટલું બધું અઘરૂ કહેવાતું હોય છે? પણ અહીંયા છોડી દેવાનું જે દર્શન થયું તે શીખવાયોગ્ય લાગ્યું.

    સત્સંગના અમારા અનુભવોમાં ઘણાં બધા પ્રસંગો જોયા છે કે, યજમાન, ભજન અને ભોજનના આયોજન બદલ થોડો આનંદ અને ગુમાન (નિર્દોષ જ ને?) અનુભવતા હોય છે. પણ અહીંયા ખેલ જુદો હતો..મહેમાન નવાજેશનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો, ભજનનો સાચો આનંદ લીધો હતો, ઝૂમી ઉઠવામાં આવ્યું હતું !! યજમાન ભજનમાં ફર ફર કરીને ભજનને વિપરીત માહોલ ઉભો ના કરે તે માટે http://minabenpthakkar.blogspot.com/p/blog-page.html
    પર ક્રમ-૪, ‘યજમાને કરવાની વ્યવસ્થા’માં થોડી માહિતી મૂકવાની કાળજી લેવામાં આવી છે. પણ અહીંયા એક એવા યજમાનનો અનુભવ થયો કે, ભક્તિથી તરબોળ થઇ જઇ શકે, એ નિજાનંદનો સ્વાદ ચાખી જાણે એવા આ યજમાનને મળીને-જાણીને ધન્યતા અનુભવી. સાચી ધાર્મિક્તા ક્રિયાકાંડોમાં નહીં પણ ભક્તિમાં હોય છે, તે સાંભળેલું હતું, તેનો જાગતો પુરાવો એટલે જ મુ.શ્રી સુરેશભાઇ જાની. એક એક ક્ષણ દિલચશ્પીથી માણનાર મુ.શ્રી સુરેશભાઇને હૃદયપૂર્વકના પ્રણામ.

    • સુરેશ જાની એપ્રિલ 22, 2011 પર 8:54 પી એમ(pm)

      મારી ક્ષતિઓ દબાવી દીધી !!! ઘર ઠીક કરવાની પળોજણમાં પ્રસાદ લાવવાનું જ ભૂલી ગયો હતો ! હા.દ. (હાસ્ય દરબાર) જન મુઓ છું ને?
      મારી પત્ની હાજર ન હતી , તે બહુ સાલતું હતું ; ત્યાં જ તેનો ફોન પણ આવી ગયો; અને અમારો નાનકડો ફ્લેટ પાવન થયાની લાગણી તેણે પણ મીનાબેનને દર્શાવી હતી.

      જીવનમાં સારા મિત્રો મળે, આવી ચંદ અને ચારૂ ઘડીઓ મળે – એ સિવાય બીજું શું વધારે?
      અસ્તુ…

  14. Valibhai Musa એપ્રિલ 23, 2011 પર 2:17 એ એમ (am)

    મુરબ્બીશ્રી પી.યુ. ઠક્કરજી અને મીનાબેન,

    આપ લોકોએ સુરેશભાઈનું યથાર્થ ચરિત્રચિત્રણ કર્યું છે. એમના જ એક કાવ્ય મુજબ આ બાળડોસલા ગજબના માણસ છે. કવિસંમેલનનો પ્રોગ્રામ પાંચ દિવસ ચાલનારો હતો, તે પહેલો દિવસ હતો.

    ટિકિટો મેળવવામાં નિષ્ફળ જતાં તેમણે મને આ પડકારજનક કામગીરી સોંપી હતી. મેં મારા પુત્ર અકબરઅલીને ખો આપી. તેણે મારા જમાઈ નૌશાદને ખો આપી. નૌશાદે તેમના મિત્ર નાનુભાઈને ખો આપી. આવા સામાન્ય કામ માટે નાનુભાઈ જેવા મોટા માણસને ઉપયોગમાં લેવા એટલે સોનાની સાંકળ પાણીમાં નાખવા જેવું ગણાય. નાનુભાઈએ આગળ ખો ન આપતાં પોતે જ સાવ અજાણ્યા એવા કાર્યક્રમના સંચાલકશ્રીની ભાળ મેળવીને તેમના બંગલે રૂબરૂ પહોંચી ગયા. ‘ન જાન, ન પહચાન’ હોવા છતાં તેમણે ગાંધીગીરી અજમાવીને VIP માણસો માટેની રિઝર્વ ટિકિટોમાંથી બે મેળવીને ત્યાંથી ઊઠ્યા.

    સુરેશભાઈને આ બધા ખેલની ખબર ન હતી. તેમને નવાઈ લાગી હતી કે આ અશક્ય કામ કઈ રીતે થયું. આમ સુરેશભાઈએ મનોમન ધર્મસંકટ સમજતાં મારી ટિકિટો માટેની જહેમતને ધ્યાનમાં લઈ મને માન આપવા ખાતર તેમણે મહેમાનોને લાલાને ભળાવીદીધા અને અમે બંનેએ ચાલતી પકડી. આ મને ઠીક નહોતું લાગ્યું, પણ તેઓ તો રમતિયાળ સ્વભાવના હોઈ એમના ચહેરા ઉપર એવું કંઈ ન દેખાતાં મારે નમતું મૂકવું પડ્યું હતું.

    આ કેફિયતને સુરેશભાઈનું બચાવનામું ન સમજતાં મારા પક્ષ તરફથી સહજ રજૂઆત તરીકે લેવા સૌ કોઈ એ ભજન કાર્યક્રમના મહેમાનોને અને સુરેશભાઈના બ્લોગના વાંચકોને વિનંતી.

  15. P U Thakkar મે 13, 2011 પર 12:11 એ એમ (am)

    ‘‘આ બાળડોસલા ગજબના માણસ છે. ’’ – પ્રિય વલીભાઇ, ની વાત એકદમ સાચી છે.

    શ્રી વલીભાઇનો આભાર..
    (૧)મુરબ્બીશ્રીના ચરિત્રચિત્રણની યથાર્થતા પ્રમાણિત કરવા બદલ..
    (૨) પ્રિય-માનનીય શ્રી સુરેશભાઇની સહજ લાક્ષણિકતા બીજા પ્રસંગોમાંથી ઉજાગર કરવા બદલ.

  16. Pingback: મિત્રો મળ્યા- ટેકરાના મુન્શીઓ « ગદ્યસુર

  17. puthakkar ડિસેમ્બર 17, 2012 પર 8:19 એ એમ (am)

    માર્ગદર્શન નો સ્વપ્નદૃષ્ટા અને સર્જક.. અખિલ સુતરીયા… શક્તિઓને કેન્દ્રીત કરીને કાર્ય કરનાર મોજીલો જીવ… અને મતીલો પણ ખરો… એ ચાલ્યો ગયો આ ફાની દુનિયામાંથી…. આશરે એકાદ અઠવાડીયાથી ઓછા સમય પહેલાં.. પ્રભુ એ આત્માને શાંતિ આપે…

  18. Pingback: એક માઈક્રો ફિકશન વાર્તા અને ફ્લેશ બેક | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?